Friday, 27 September 2019

ઝીરોની શોધ ક્યારે થઈ હતી?


સંખ્યા લખવામાં શૂન્ય ન હોય તો શું થાય ? આ કલ્પનાથી શૂન્ય કે ઝીરોનું મહત્વ સમજાઈ જાય. ઝીરો એટલે ભલે કશું જ નહીં પણ આંકડાની પાછળ લાગે  એટલે તેની કિંમત સમજાય, લિપિ અને અંકોની શોધ થયા પછી ગણિતશાસ્ત્ર, ભૂમિતિ અને વિજ્ઞાાનના સંશોધનોને સરળતાથી વેગ મળ્યો. અંકો નહોતા ત્યારે રોમન પધ્ધતિમાં સંખ્યા લખાતી. 
તેમાં 'X' એટલે ૧૦, 'c' એટલે ૧૦૦ અને 'm' એટલે ૧૦૦૦  ગણાતા. એકડા માટે 'i' અને પાંચ માટે 'v' લખાતાં. ૫૦ લખવા હોય તો  'L' એ ૫૦૦ માટે 'D.' ઘણી ઘડિયાળના ચંદામાં રોમન આંક જોવા મળે છે. આ બધી કડાકૂટથી બચવા ભારતમાં 'શૂન્ય' ની શોધ થઈ અને ૯મી સદીમાં આરબો દ્વારા 'ઝીરો'ની શોધ સમગ્ર વિશ્વમાં પહોચી. જો કે ભારતમાં ૧ થી ૯ અંક લખવાની પ્રથા અગાઉથી જ હતી. પરંતુ શુન્યની શોધ પછી વિજ્ઞાાન, ઉદ્યોગો અને અંકશાસ્ત્રને ઘણો વેગ મળ્યો.

Saturday, 14 September 2019

કેસર બાદ દુનિયામાં સૌથી મોંઘો પાક : વેનીલા

એઝટેક જાતિના લોકો એને ટ્લીક્સોચીટીલ, “કાળું ફૂલ” કહે છે. આ નામ ફળની પ્રક્રિયા કર્યા પછી, બદલાતા રંગના કારણે આપવામાં આવ્યું છે. તેઓ તેમના કોકોના ડ્રિંક્સ કસોકોલાટીલ કે ચૉકલેટમાં વેનીલાના સ્વાદ માટે વાપરતા હતા. મૅક્સિકોના સમ્રાટ, મોન્ટીઝુમાએ ૧૫૨૦માં સ્પેનિશ વિજેતા એરનાન કોટૅસને એ આપ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ, કોટૅસ કોકો અને વેનીલાના દાણા યુરોપમાં લઈ ગયા. વેનીલાના સ્વાદવાળી ચોકલેટ યુરોપના રાજ-કુટુંબને ખૂબ ગમી. પરંતુ, ૧૬૦૨માં દવા બનાવનાર હ્યુ મોરગને ક્વીન એલીઝાબેથ પ્રથમને બીજી વસ્તુઓમાં પણ વેનીલાને સ્વાદ-સુગંધ માટે વાપરવાનું સૂચન કર્યું. પછી, ૧૭૦૦ના દાયકાઓમાં દારૂ, તમાકુ અને અત્તરમાં એ વપરાવા લાગ્યું. 


જો કે એઝટેક સામ્રાજ્ય પહેલાં, મૅક્સિકો, ટોટોનાક ઇન્ડિયન્સના વારાક્રૂઝમાં વેનીલાના દાણાની ખેતી, કાપણી અને સાચવણી થતી હતી. છેક ૧૮૦૦માં વેનીલાના છોડને યુરોપમાં ખેતી માટે લઈ જવામાં આવ્યો અને ત્યાંથી હિંદ મહાસાગરના ટાપુ પર લઈ જવામાં આવ્યો. પરંતુ, બાગકામના વૈજ્ઞાનિકો, આ વેલાઓમાં ફળ ઉગાડવામાં નિષ્ફળ ગયા, કારણ કે તેઓ પાસે કુદરતી રીતે એનું ફલિત કરનાર મિલીપોના મધમાખી ન હતી. તેથી, ૧૬-૧૯મી સદી સુધી ફક્ત મૅક્સિકોમાં જ વેનીલાનો વેપાર થતો હતો. ફ્રેન્ચના રીયુનિયન ટાપુ પરના અગાઉના ગુલામ, એડમન આલ્બીયસે ૧૮૪૧માં ફૂલોને હાથથી ફલિત કરવાની રીત અપનાવી જેથી દાણા ઉત્પન્ન થઈ શકે. એના લીધે મૅક્સિકોની બહાર પણ વેનીલાનો વેપાર થવાનું શરૂ થયું. 

વેનીલાની ખેતી ખૂબ જ મુશ્કેલ કામ છે. તેનાં પાકમાંથી રસ કાઢવામાં આવતો હોય છે. માત્ર આ કારણે જ કેસર બાદ વેનીલા દુનિયામાં સૌથી મોંઘો પાક છે. 

વેનીલાના દાણા ઑરકિડમાંથી આવે છે. ઑરકિડની લગભગ ૨૦,૦૦૦ જાતિ છે. એમાંથી ફક્ત વેનીલા ઑરકિડ એક એવું છે, જેમાંથી ખાવાની કંઈક ચીજ બનાવી શકાય. વેનીલા ઑરકિડનાં ફૂલો લીલા-પીળા રંગનાં હોય છે, જે મીણ જેવા હોય છે અને એ ઝૂમખાંમાં થાય છે. દરેક ફૂલ વર્ષમાં એકાદ વાર ફક્ત થોડા કલાકો માટે ખીલે છે. ટોટોનાક ઇન્ડિયનને ફૂલોના પરાગનું કામ કરતા જોવું આકર્ષક લાગે છે. તેઓ દરેક ઝૂમખાંમાથી ફક્ત થોડા જ ફૂલોને ફલિત કરે છે જેથી વેલને શક્તિ આપતો રસ જતો રહે નહિ. એનાથી, વેલ મૂરઝાઈ શકે અને રોગ લાગી શકે. 

વેનીલાની તાજી શિંગોમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ કે સુગંધ હોતી નથી. એની બરાબર સાચવણી કરવી જરૂરી છે જેથી એમાંથી વેનીલીન છૂટું પડે છે અને જેની સુગંધ અને સ્વાદ એકદમ અલગ હોય છે. આ પ્રક્રિયા અને હાથથી એનું ફલન કરવાના કારણે વેનીલાને એકદમ મોંઘા મસાલા બનાવે છે. 

હવે તમને પ્રશ્ન થશે વેનીલા કુદરતી છે કે બનાવટી? બનાવટી વૅનીલીનને લાકડાંના માવામાંથી પણ બનાવામાં આવે છે. વસ્તુના લેબલ પર વેનીલાનું નામ વાંચીને તમને આશ્ચર્ય થઈ શકે. દાખલા તરીકે, અમેરિકામાં, “વેનીલા” એમ લેબલ લગાવવામાં આવેલું આઇસક્રીમ શુદ્ધ વેનીલા અથવા વેનીલાના દાણામાંથી બનેલું હોય છે. જ્યારે કે “વેનીલા ફ્લેવર” લગાવેલા લેબલના આઇસક્રીમમાં ૪૨ ટકા બનાવટી સ્વાદ હોય છે. વળી ‘બનાવટી ફ્લેવરમાં’ ફક્ત નકલી સ્વાદ હોય છે. પરંતુ, સ્વાદ પારખનાર વ્યક્તિ બતાવશે કે એમાં સાચા વેનીલાની ફ્લેવર નથી.

Monday, 9 September 2019

દુનિયાનો બીજો સૌથી મોટો મકબરો : ગોલ ગુંબજ

ગોલ ગુંબજ, કર્ણાટક રાજ્યના બીજાપુર શહેરમાં આવેલો છે. તે આદિલ સામ્રાજ્યના સમ્રાટ મોહમદ આદિલ શાહનો મકબરો છે. આ મકબરો તેની ખૂબ મોટી સાઈઝ અને અંદર અવાજ પરાવર્તનની ખૂબીને લીધે ખાસ જાણીતો છે. દુનિયાભરના પ્રવાસીઓ ગોલ ગુંબજ જોવા આવે છે, અને તેની ખૂબી જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. આદિલ શાહે જ તેનું બાંધકામ શરુ કરાવેલું અને ૧૬૫૬માં તે પૂરું થયું હતું. ઇન્ડો-ઇસ્લામીક સ્થાપત્ય ધરાવતો આ ઘુમ્મટ તે વખતના પ્રખ્યાત આર્કિટેક્ટ યાકુત ઓફ દાબુલે બનાવ્યો હતો. અહીં રાજા મોહમદ આદિલ શાહ, તેની પત્નીઓ, દિકરીઓ અને પૌત્રની કબરો છે. 


ગોલ ગુંબજ મોટા ક્યુબ આકારનો છે, અને તેની ઉપર અર્ધગોળાકાર ઘુમ્મટ છે. ક્યુબની દરેક સાઈડ ૪૭.૫ મીટર લાંબી છે. બહારની દરેક સાઈડની દિવાલ પર ત્રણ કમાનો છે. વચ્ચેની કમાન વધારે પહોળી છે. ઉત્તર તરફની દિવાલ સિવાય, દરેક દિવાલની વચ્ચેની કમાનમાં બારણું છે. ઉપરના અર્ધગોળાકાર ઘુમ્મટનો બહારનો વ્યાસ ૪૪ મીટર અને અંદરનો વ્યાસ ૩૮ મીટર છે. ઘુમ્મટ શરુ થાય ત્યાં આગળ એની જાડાઈ ૩ મીટર છે. મકાનની અંદરના હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગર આટલો મોટો ઘુમ્મટ આ રીતે બાંધવો એ જ તો આ બાંધકામની ખૂબી છે. ભારતનો આ સૌથી મોટો ઘુમ્મટ છે. દુનિયામાં તે બીજા નંબરે છે. દુનિયાનો એક નંબરનો મોટો ઘુમ્મટ વેટીકન સીટીનો સેન્ટ પીટર બેસીલીકાનો ઘુમ્મટ છે. 

ગોલ ગુંબજના અંદરના હોલનો વિસ્તાર ૧૭૦૩ ચો. મી. છે. એક જ હોલનો આટલો મોટો વિસ્તાર, એ પણ એક બેજોડ રચના છે. અંદર હોલમાં વચ્ચે ચોરસ પ્લેટફોર્મ છે, તેના પર ચડવા માટે ચારે બાજુ પગથિયાં છે. પ્લેટફોર્મ પર કબર ચણેલી છે. હોલમાં જમીનથી ૩૩ મીટરની ઉંચાઇએ, ઘુમ્મટની અંદરની સાઈડે ગેલેરી છે. તે સવા ત્રણ મીટર પહોળી છે. એને વ્હીસ્પરીંગ ગેલેરી કહે છે. ઘુમ્મટની ખરી ખૂબી આ ગેલેરીમાં અનુભવવા મળે છે. ગેલેરીમાં ઉભા રહી, નાનો સરખો અવાજ કરો તો પણ તે ગેલેરીમાં બધે સંભળાય છે. તાલી પાડો તો પડઘા રૂપે બીજી દસ તાળીઓ સંભળાય છે. આનું કારણ એ છે કે ઘુમ્મટની સપાટી પરથી અવાજનું વારંવાર પરાવર્તન થાય છે. દુનિયાનું આ અજોડ સ્થાપત્ય છે. 

ગોલ ગુંબજની બહારના ચારે ખૂણે, ૭ માળવાળા અષ્ટકોણીય ટાવર છે. દરેક ટાવરમાં અંદર સીડી છે. ટાવરના ઉપલા માળમાંથી, સીડીમાંથી ઘુમ્મટ ફરતેની ગેલેરીમાં અવાય છે. અહીંથી આખું બીજાપુર શહેર દેખાય છે. બધા ટાવર પર પણ નાના ઘુમ્મટો છે. ગોલ ગુંબજની આગળ એક મ્યુઝીયમ છે. આ ઉપરાંત અહીં મસ્જીદ, નગારખાના અને ધર્મશાળા પણ છે.

Friday, 6 September 2019

વાદળને પણ નિચોવીને તરસ છીપાવતું વિચિત્ર વૃક્ષ

હિન્દ મહાસાગર માં સોકોટ્રા નામનો એક નાનકડો ટાપુ આવેલ છે. યમન થી તે દક્ષિણ માં આવેલ છે. તેનું ક્ષેત્રફળ 3665 ચો કિલો મીટર જેટલું છે. 1990 થી યમન ની માલિકીના આ ટાપુ પર આજે લગભગ 40,000 જેટલી વસ્તી છે. 

આ ટાપુની માટીમાં ઝાઝો કસ નથી અને વરસાદની પણ ત્યાં તંગી રહે છે. વનસ્પતિ ને ફૂલવા ફાલવા માટે પ્રેરક સંજોગો નો ત્યાં અભાવ છે. આમ છતાં અત્યંત વિષમ પરિસ્થિતિ માં બંધ બેસતા આવી જવા પોતાની રચના તથા કાર્ય બદલીને 27 પ્રજાતિની વનસ્પતિઓ આ ટાપુ પર ખીલી છે. દરેક વ્રુક્ષ નો અને છોડ નો દેખાવ પણ સામાન્ય કરતા જુદા છે. 


સૌથી ધ્યાન આકર્ષણ ધરાવતું વૃક્ષ dragons blood tree છે. આ જાતનું વિશેષ નામ એટલા માટે પડ્યું કે તેનો ભીતરી વૃક્ષ પોષક રસ લોહી જેવા લાલ રંગનો છે. 

આજે આ વૃક્ષ નો ઉપયોગ કાપડ ને તેમજ ક્રોકરીને રંગવા માટે અને લીપસ્ટીક સહિતની કેટલીક ચીજો બનાવવામાં થાય છે. 

આ વૃક્ષને પર્યાપ્ત માત્રા માં વરસાદનું પાણી મળતું નથી. આકાશમાં વાદળો હોય છે પણ વરસાદ નહિ. આથી પાણીને લગતી પોતાની જરૂરીયાતને તે જુદી રીતે પૂરી કરે છે. તરસ છીપાવવા માટે સામાન્ય વૃક્ષ કરતા તેનો ક્રમ અવળો છે. કોઈ પણ ઘટાદાર મોટું વૃક્ષ રોજ નું લગભગ 1000 લીટર પાણી તે પર્ણ છિદ્રો દ્વારા બાષ્પીભવન વડે કરે છે અને જમીનનું એટલું જ પાણી મુળિયા દ્વારા ખેંચી પાંદડા તરફ ચડાવે છે. આ રીતે પાંદડા ખરેખર આઉટ પુટ નું કામ કરે છે. 

dragons blood tree માં આ રીવર્સ ક્રિયા થાય છે. પાંદડા તેમાં પાણીના ઈનપુટ માટેના છે અને વધુ પ્રમાણમાં ઈનપુટ થાય તે માટે પોતાની ઘટા તે વધુ પ્રમાણમાં ફેલાવે છે. પાંદડાનો આકાર પણ એ કાર્યને અનુરૂપ છે. વહેલી સવારે પાણીની વરાળના ખુબ નાના ટીપાનું વાદળ ખુબ જ નીચા લેવલે આછા ધુમ્મસ તરીકે પથરાય ત્યારે ભેજ કણો રાત્રી દરમ્યાન ઠંડી પડી ગયેલી પાંદડાની સપાટી પર ઠરે છે. વૃક્ષની ઘટા ત્યાર બાદ ગરણી જેવું કામ આપે છે. 

પાણીના રેલા દરેક ડાળીના અને તે પછી થડના ભીતરી નહિ,પણ બહારના ભાગે લસરીને નીચે જમીન સુધી પહોચે છે. અંતે જમીનમાં પચી જાય છે. અંતે મુળિયા દ્વારા તે પાણી થડ ડાળી ના ભીતરી માર્ગે ઘટા તરફ પાંદડા સુધી પહોંચે છે. અહી ઘટાનું છત્ર તડકા માં જમીનનું પાણીનું બાષ્પીભવન થતું પણ રોકે છે.