Thursday, 6 June 2019

મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?

ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો? 

મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. 


તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે. ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે. 

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.

1 comment: