Tuesday, 9 April 2019

ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદના દોઢસોથીય વધુ વર્ષ


ઉપરવાળું ચિત્ર જોયું? બહુ જ જાણીતું ચિત્ર છે ને, આ ચિત્ર શું કહે છે ? 

ઉત્ક્રાંતિના પરિણામે આપણે અમુક કરોડ વર્ષોમાં, વાનરમાંથી - નર બની ગયા ! 

હા, હવે કોઈકને યાદ આવશે કે અરે ! આ તો પેલા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક (પ્રકૃતિવિદ કે જીવ વિજ્ઞાની) ચાર્લ્સ ડાર્વિનની ખોજ ! અરે હા, એજ સફેદ દાઢી વાળા - વૃદ્ધ માણસ કે જે યુવાનીમાં ફરવા માટે વિદેશ ગયા હતા અને ત્યાં પણ પોતાની તીક્ષ્‍ણ બુદ્ધિની મદદથી અનેક જાતિ-ઉપજાતિઓનું અવલોકન કરી આવ્યા. સમય જતાં એક અદભુત સિદ્ધાંત જગત સમક્ષ મુક્યો : જે સિદ્ધાંત આજે ' ઉત્ક્રાંતિવાદ 'નામે ઓળખાય છે ! બરોબર ને ? 

આજથી દોઢસો કરતાંય વધુ વર્ષ અગાઉ 24/11/1859 ના દિવસે ચાર્લ્સ ડાર્વિને તેની ઉત્ક્રાંતિના સિધ્ધાંત સમજાવતી થીયરીને પ્રકાશિત કરેલી. ડાર્વિનના પુસ્તકનું નામ On the Origin of Species by Means of Natural Selection છે. આ પુસ્તક એ સામાન્ય જનતા પણ સમજી શકે તેવી રીતે લખાયેલું પુસ્તક છે. એટલે કે માત્ર વૈજ્ઞાનિક વાચક વર્ગને ધ્યાનમાં રાખીને નહી પણ સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને લખાયેલું પુસ્તક હોવાથી લોકોમાં થોડાક જ સમયમાં ચર્ચાઓ જગાવવા નિમિત્ત બન્યું. આનુવંશીકતા સંદર્ભે ડાર્વિન બાદ પણ અનેક વાદ અને થીયરીઓ રજુ થઇ પણ આજે ય ડાર્વિનનો વાદ સૈથી વધુ પ્રચલિત અને સ્વીકાર્ય છે. આ થીયરી રજુ થયા અગાઉ ચર્ચના પ્રભાવમાં લોકો અને સમાજ એવું માનતા હતા કે દરેક સજીવ પ્રથમથી જ જેવા છે તેવા ઉદભવેલા છે અને મનુષ્ય સૌથી વિશિષ્ઠ સર્જાયેલો છે. આ વાદ રજુ થયા બાદ અનેક પ્રકારની વૈજ્ઞાનિક ચર્ચાઓ અને શોધખોળોનો રસ્તો મોકળો બન્યો. જોકે 1880 થી 1930 ના સમયગાળામાં ડાર્વિનની થીયરી કરતા અન્ય ઉત્ક્રાંતિ વાદોને વધારે સમર્થન મળેલું પરંતુ આજે ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદ વધારે સ્વીકૃત છે. 

ચાર્લ્સ ડાર્વિનનો જન્મ 12મી ફેબ્રુઆરી 1809 ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. 1831ના ડીસેમ્બરની 27 તારીખે તેમણે પાંચ વર્ષ માટે વિશ્વ પ્રવાસે HMS Beagle માં મુસાફરી શરુ કરી. આ સફર દરમિયાન દુનિયાના જુદા જુદા ભાગોમાં પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અશ્મિઓના અનેક નમૂનાઓ એકત્રિત કરી તેનો વિસ્તૃત અભ્યાસ કરીને ડાર્વિને પોતાનો ઉત્ક્રાંતિ વાદ રજુ કર્યો. ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદ અનુસાર જે સજીવો કુદરતના ફેરફારોને અનુરૂપ પોતાનામાં ફેરફાર કરી શકે તે ટકે છે અને જે આવા જરૂરી ફેરફારો કરી શકતા નથી તે નાશ પામે છે. વળી, ઉત્ક્રાંતિ દરમિયાન ક્રમશ: વધુને વધુ ફેરફારો થતા જવાથી અલગ અલગ જાતિઓ અસ્તિત્વમાં આવેલી છે. માનવનો વાનરમાંથી ક્રમશ: વિકાસ આ મુજબ જ થયેલો છે. એમણે એ પણ સમજાવ્યું કે સૌ પ્રથમ જળચર સજીવો હતા તે ક્રમશ: સ્થળચર બન્યા. તેમણે અનેક જાતિઓ અને પ્રજાતિઓને જોડતી કડીરૂપ સજીવોના ઉદાહરણો ટાંકી ઉત્ક્રાંતિની આખી પ્રકિયા ખુબ રસપ્રદ રીતે સમજાવી છે. 

પોતાના સંશોધનો માટે તેમણે અનેક પારિતોષિકો અને એવોર્ડો મળેલા અને 19 મી એપ્રિલ 1882ના રોજ લંડન ખાતે તેમનું દેહાંત થયું.

Monday, 8 April 2019

સુ-મધુર સુરાવલી રેલાવતું પક્ષી : લાર્ક

લાર્ક એ સામાન્ય રીતે જમીન પર રહેવાવાળું પક્ષી છે. લાર્ક પરિવારમાં આખા વિશ્વમાં કુલ ૯૧ પ્રકારની પ્રજાતિ મળે છે. તેમાંથી ભારતમાં ૧૬ પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. 

લાર્ક નાનાં કદનાં પક્ષી છે. તેમની લંબાઈ ૧૧થી ૧૯ સે.મી. અને તેઓ ૪૦ થી ૮૦ ગ્રામ વજન ધરાવતા હોય છે. તેમની પ્રજાતિઓમાં ઘણા અલગ અલગ પ્રકારના રંગ મળે છે. તેમાં મુખ્યત્વે રાખોડી, ભૂખરા અને કાળા રંગનો સમાવેશ થાય છે. આરંગ તેમના આજુબાજુના રહેઠાણ સાથે ખૂબ આસાનીથી ભળી જાય છે, જેથી તેમને શિકારીઓથી બચવામાં અનુકૂળતા રહે છે.


લાર્ક પોતાના મધરુ સગંત માટે પણ જાણીતા છે. તેનો અવાજ ખૂબ જ સરસ હોય છે અને ઘણે દૂરથી માત્ર તેના અવાજ પરથી તેને ઓળખી શકાય છે. તે અલગ-અલગ પ્રકારના અવાજ કાઢવામાં પણ માહીર હોય છે. ચીનમાં લોકો આ પક્ષીને પાળે છે અને તેને અલગ-અલગ સૂર કાઢતા શીખવે છે. જે લાર્ક ૧૩ અલગ પ્રકારના સૂર કાઢી શકે તેની કિંમત સૌથી વધુ હોય છે. 

ઘણી જગ્યાએ આ પક્ષીનો ઉપયોગ ખોરાક તરીકે પણ થાય છે. હાલના સમયમાં તે પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે.લાર્કના પંજા ખાસ પ્રકારના હોય છે. તેમનેઆગળ ત્રણ લાંબા અને એક પાછળ એમ કુલ ચાર આંગળીઓ હોય છે, જેથી તેમને જમીન પર સંતુલન રાખવામાં અને નાની ડાળીઓ પર પકડ જમાવવામાં ખૂબ જ અનુકૂળ રહે છે. આમ છતા તેમના રહેઠાણ પ્રમાણે પાછળની આંગળીની લંબાઈમાં ફેરફાર મળે છે. 

જે લાર્ક પોચી જમીન પર રહેતી હોય,અને જ્યાં નાની વનસ્પતિ ઉગતી હોય તેવા પ્રદેશનાં લાર્કના પંજાની આંગળીઓ લાંબી હોય છે. જ્યારે જે લાર્ક સૂકાપ્રદેશમા રહેતી હોય અને જમીન કઠણ હોય ત્યાં તેમના પંજાની આંગળીઓ ટૂંકી મળે છે. 

ઘણી લાર્કમાં માથે કલગી મળે છે, જે તેમની સુંદરતા વધારે છે. લાર્ક નર અને માદા બંને લગભગ સમાન જ દેખાય છે. પરંતુ નર સામાન્ય રીતે કદમાં મોટા, તેમના શરીરના રંગ વધુ ઘાટા અને શરીરના નિશાન વધારે ઉભરી આવે છે. 

લાર્કની ચાંચ પણ ખાસ પ્રકારની હોય છે. તેની ચાંચમાં પણ રહેઠાણ અને પ્રજાતિ પ્રમાણે ફરેફાર મળે છે. જે પ્રજાતિ તેમના ખોરાકમાં બીજ વધારે લેતી હોય તેમની ચાંચ ટૂંકી અને જાડી હોય છે, જે તેમને બીજ તોડવામાં મદદરૂપ બને છે. જ્યારે જે પ્રજાતિ જીવજંતુઓ પર વધારે નિર્ભર રહેતી હોય તેમની ચાંચ લાંબી અને પાતળી અને વળી આગળથી વળાંકવાળી હોય છે, જે તેમને જમીનમાં ખાડો ખોદવા અને જંતુઓ શોધવામાં મદદરૂપ બને છે. નર પક્ષીની ચાંચ માદા કરતાં લાંબી હોય છે. 

લાર્ક પોતાના પીંછા વર્ષમાં એક કે બે વાર બદલે છે. લાર્કનાં બચ્ચાંઓને શરીર પર પ્રમાણમાં ઓછાં પીંછા હોય છે અને શરીર પરનાં નિશાન પણ ઓછાં હોય છે. 

લાર્ક મુખ્યત્વે ખુલ્લા પ્રદેશમાં રહે છે. તો પણ તે જંગલમાં, પહાડોમાં આ ઉપરાંત શહેરના બહારના વિસ્તારોમાં, જ્યાં ખેતરો હાયે ત્યાં સામાન્ય રીતે મળે છે. તે ૪૦૦૦ મીટરની ઊંચાઈ સુધી પણ મળે છે, જે તેમની પહાડોમાં અનુકૂળતા દર્શાવે છે. 

તેમના ખોરાકમાં મુખ્યત્વે જીવજંતુ અને અનાજનો સમાવેશ થાય છે. પરંતુ આ સાથે તે ફળ, ફૂલ અને ઘાસ પણ ખાય છે. તેઓ ઘણા કઠણ કવચવાળા જંતુઆન્ે પકડે છે અને પછી તેમને પથ્થરપર પછાડીને, તોડીને ખાય છે. ‘હૂપૂ લાર્ક’ નામની લાર્ક તેમની ખાસ લાંબી, પાતળી અને વળેલી ચાંચ માટે જાણીતી છે. તેનાથી તે જમીન ખોદે છે અને ઊંડેથી જીવજંતુ શોધીને ખાય છે. ઘણી લાર્ક તેમની સાંભળવાની શક્તિથી જમીનમાં રહેલા જંતુ શોધે છે અને તેનો શિકાર કરે છે. 

લાર્ક જમીન પર માળો બનાવે છે. આ ઉપરાંત ઘણી લાર્કના માળા નીચા ઝાડી-ઝાંખરામાં પણ મળે છે. તેઓ તણખલાનો નાનો કપ બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે. આ માટે તેઓ જમીન પર નાના ખાડા જેવું બનાવે છે. 

લાર્ક સામાન્ય રીતે ૨-૬ ઈંડા આપે છે. આ ઈંડાને ૧૧-૧પ દિવસ સુધી સેવે છે. ત્યારબાદ તેમાંથી બચ્ચા બહાર આવે છે. આ બચ્ચાંઓને સામાન્ય રીતે ૭થી ૧૦ દિવસ સધુ માતા-પિતા બન્ને ખારેક ખવડાવે છે. આ બચ્ચાંઓનો રંગ તેમના આજુબાજુના વાતાવરણથી ખૂબ જ મળતો આવતો હોવાથી તેઓ શિકારીઓથી બચે છે. 

લાર્કને શિકારીઓથી પણ બચવાનું હોય છે.શિયાળ,બિલાડી, શેળા, નાળેયા, સાપ, બાજ, ગરુડ વગરે તમેના શિકારીઓમાં સામેલ છે. આ શિકારીઓથી બચવા તે ઘણા ઉપાયો અજમાવે છે તેમજ તેમનો દેખાવ પણ તેમને શિકારીઓની નજરમાં આવતાં બચાવે છે. જ્યારે બચ્ચાં માળામાં હોય, અને કોઈ જીવ તેની નજીક આવે તો માતા-પિતા બન્ને વળતો જવાબ આપે છે. તે વિવિધ પ્રકારના અવાજ કરે છે અને ઊડી ઊડીને જીવને ભગાડે છે. જીવનકાળ દરમ્યાન તેમના વર્તનમાં ઘણા ફેરફારો મળે છે. અવાજ પરથી તેમના વર્તનના અંદાજા લગાવી શકાય છે. કલગીવાળી લાર્ક જ્યારે અવાજ કરે ત્યારે તેમની કલગી ખૂબ જ સુંદર રીતે ખીલે છે. આ ઉપરાંત માદાને રીઝવવા નર વિવિધ પ્રકારના પ્રદર્શન કરે છે.આ ઉપરાંત લાર્ક ખેડૂતો માટે પણ ઉપયોગી છે. તે અનાજ પરના જીવજંતુઓને ખાય છે. એકસાથે મોટો સમૂહ ખેતરોમાં ઘણીવાર મળે છે. 

ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય

આજે ગુજરાતમાં લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યનાં અંદાજે ૩૦% જેટલાં પ્રશ્નો પુછાતાં હોય છે. આ પોસ્ટમાં સમાનર્થી-વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા અને તેમનાં શિષ્ટરૂપો, શબ્દસમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ-કહેવત, જોડણી, સંધિ, સમાસ, અલંકાર તેમજ સાહિત્ય જગતનાં પ્રશ્નો, ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ, કેટલાંક જાણીતાં કવિઓની પંક્તિઓ વગેરેનો આમાં સમાવેશ કરવામાં આવ્યો.