Sunday, 10 March 2019

ગુજરાતનું સૌથી મોટું હિંદુ મંદિર : અક્ષરધામ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે. આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિંદુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે; જેમાં કળા, સ્થાપત્ય, શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે.

૨૩ એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકુલ આવેલું છે જે રાજસ્થાની ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામેલું છે. ૬ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર ૧૦૮ ફૂટ ઊંચું ૨૪૦ ફૂટ લાબું અને ૧૩૧ ફૂટ પહોળું છે, જેમાં ૬૦૦૦ ટન પથ્થરો નિર્માણકાર્યમાં વપરાયેલા છે.


વાસ્તુશાસ્ત્રના ઉચ્ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિંદુત્વના સીમાચિહ્‌ન સ્વરૂપ અક્ષરધામના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્‌ કરાયેલો છે. અક્ષરધામ એક જ શિલામાંથી બનાવેલાં અંદાજીત ૨૧૦ કલાત્મક થાંભલા, ૫૭ જેટલા બેનમૂન બારીઓ, ઘુમ્મટો અને આઠ જેટલા નકશીકામની ભરપૂર ઝરૂખાથી શોભી રહયું છે.

અત્યંત આકર્ષક, કલામય સ્થાપત્ય શૈલીથી બંધાયેલા આ મંદિરમાં સાત ફૂટથીય ઊંચી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા છે. ભગવાન સ્વામિનારાયણની અંદાજીત ૯.૨ ટનની આ ભવ્ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવી ગર્ભગૃહમાં સ્થાપિત કરેલી છે. ઉચ્ચ આસન પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરૂપ અલૌકિક છે. તેમની જમણી બાજુ સ્વામી ગુણાતીતાનંદ અને ડાબી બાજુ સ્વામી ગોપાલાનંદ વંદન-અર્ચન કરતા દ્રશ્યમાન થાય છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ “અક્ષરધામ”નું નિર્માણ કર્યુ. અક્ષરધામમાં નીચે આવેલા વિશાળ ભોંયરામાં ભવ્ય ઈતિહાસ ધરાવતા સનાતન ધર્મને ઊજાગર કરતું સ્થાપત્ય અને જીવન-પ્રેરણાદાયી ધ્વનિ અને પ્રકાશ આયોજનના માધ્યમ દ્વારા મુલાકાતીઓને દિવ્યજીવનની અનુભૂતિ થાય છે.

આમાં ભગવાન સ્વામિનાયારણના જીવનના-તેમની તપશ્વર્યાના-તેમની દિવ્ય અનુભૂતિના ચમત્કારિક પ્રસંગો મૂર્તિમંત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આપણા ધાર્મિકગ્રંથો રામાયણ-મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણની માતૃ-પિતૃ ભક્તિ, પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી, હસ્તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર, કૌરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો વગેરેની રજૂઆત જીવંત અને વાસ્તવિકતાની પ્રતીતિ કરાવે છે, જે મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય છે.

આ ઉપરાંત નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, તુલસીદાસ, કબીર, સુરદાસ, જયદેવ, તુકારામ જેવા અનેક ભક્તકવિઓની પ્રતિમાઓ પણ છે.

અક્ષરધામ મંદિર, દિલ્લી

No comments:

Post a Comment