Monday, 4 February 2019

જગતનાં સૌથી જૂના ચલણની નવા-જૂની

૧૬મી સદીમાં દિલ્હીની ગાદી પર આવેલા શેરશાહ સૂરી નામના ઈરાની બાદશાહનું ભારતનાં ઈતિહાસમાં પ્રદાન શું? મોગલોની જેમ તેઓ સંખ્યાબંધ કિલ્લાઓ કે મહેલો બાંધ્યા ન હતા કે નહોતું વધાર્યું મરાઠાઓની જેમ સામ્રાજ્ય. તેમની પાસે અંગ્રેજોની જેમ આધુનિક રાજ્યતંત્ર દાખલ કરવાનો સમય જ ક્યાં હતો કારણ કે તેમની શહેનશાહી તો માંડ પાંચ વર્ષ જેટલી ચાલી.
પરંતુ સૂરીએ જે પોતાનાં શાસનકાળમાં મહત્વનું કાર્ય કર્યું હોય તો એ હતું આજનો રૂપિયો ચલણમાં દાખલ કરવાનું.

૧૫૪૦માં સત્તા પર આવ્યાનાં બે વર્ષ પછી તેણે મોગલકાળનાં બધા સિક્કાઓ ભઠ્ઠીમાં ઓગાળી નાખ્યા અને ૧૧.૬૫ ગ્રામ શુદ્ધ ચાંદીનો નવો સિક્કો તૈયાર કરાવ્યો. ચાંદીનું એક નામ રૂપ હોવાથી શરૂઆતી નામ પડ્યું 'રૂપૈયા' અને બાદમાં 'રૂપિયા' થયું. બસ ત્યારથી ચાલ્યો આવતો રૂપિયો આજે જગતનું સૌથી જૂનું ચલણ છે.

સૂરીનાં કાળમાં એક રૂપિયો = ૬૪ તાંબાનાં સિક્કા. શાસકો બદલાતાં ગયા તેમ તેમ સિક્કાની ડિઝાઈનો, વપરાતી ધાતુ, કદ વગેરેમાં ફેરફાર થયાં પરંતુ નામ તો રૂપિયો જ રહ્યું.

૧૮૩૫માં બ્રિટિશરોએ તેમના રાજા વિલિયમનાં ચહેરાવાળા સિક્કાઓ ચલણમાં મૂક્યા; પરંતુ નામ તો રૂપિયો જ રહ્યું. સમય જતાં બળવત્તર બનેલી બ્રિટિશ સરકારે બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતમાં રૂપિયાને બદલે ડોલરનું ચલણ દાખલ કરવાની તૈયારીમાં હતી. એક બાજુ રાજા પંચમ જ્યોર્જ અને બીજી બાજુ સિક્કાનું મૂલ્ય દર્શાવતો આંક છપાયો હોય એવા સિક્કા પણ તૈયાર કરી લીધા હતા પરંતુ ગાંધીજીએ વિરોધનું શાસ્ત્ર ઉગામતાં અંગ્રેજોની આ ઈચ્છા પૂર્ણ થઈ શકી ન હતી.

રાજાશાહીમાં સિક્કામાં ધાતુ તરીકે સોના-ચાંદીનો પણ ઉપયોગ થતો હતો પરંતુ હવે ધાતુની પસંદગી કરતી વખતે ધાતુનું બજાર મૂલ્ય અને સિક્કાનું આંતરિક મૂલ્ય ધ્યાનમાં લેવું પડે છે. નહીં તો જો ધાતુનું બજાર મૂલ્ય વધી જશે તો સિક્કા માર્કેટમાં આવતાં પહેલા જ ગુમ થઈ જશે! ૧૯૮૮થી ભારત સ્ટેનલેસ સિક્કા બનાવે છે.

દેશમાં ચલણ ફરતું રાખવાનું કામ RBIનું છે. સિક્કા-નોટોનું વિતરણ કરવાનું કામ RBIની ૧૯ બ્રાંચ કરે છે અને વિવિધ બેન્કોની શાખાઓમાં તેમની તિજોરીની સંખ્યા છે ૪,૪૨૮. એક રૂપિયા સિવાયની ચલણી નોટો બહાર પાડવાનું કામ RBIનું છે.
ભારત સરકારે સિક્કાઓ બનાવવા માટે મુંબઈ, કોલકત્તા, હૈદરાબાદ અને નોઈડામાં ટંકશાળાઓ સ્થાપી છે. જો સિક્કા પર ડાયમંડ આકારનું ટપકું હોય તો એ મુંબઈ, સ્ટાર દોરેલ હોય તો હૈદરાબાદ, ટપકું હોય તો નોઈડામાં અને કોઈ જ નિશાની ન હોય તો આ સિક્કો કોલકત્તામાં બન્યો છે એવું સમજી લેવાનું.

જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતે કેનેડા, બ્રિટન, કોરિયા પાસે તૈયાર કરાવ્યા છે. કેટલાક સિક્કા તો મોટરકાર ઉત્પાદન માટે જાણીતી હ્યુન્ડાઈ કંપનીએ પણ તૈયાર કર્યા છે. આ સિવાય આઝાદી પછી નવજાત બાળક જેવા દેશ પાકિસ્તાન પાસે પણ નોટો છાપવાની કોઈ સગવડ ન હતી. પરિણામે તેની ચલણી નોટો પણ ભારતે છાપી આપી હતી.

No comments:

Post a Comment