Monday, 11 February 2019

આ 'પ્રાઉડ અમેરિકન' છે ભારતની ભાણી

હિંદુ તુલસી ગેબાર્ડના પગલે ભારતીય માતા અને જમૈકન પિતાની પુત્રી તથા કેલિફોર્નિયાની સેનેટર કમલા હેરિસે પણ અમેરિકાના પ્રમુખપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે.

આવતા વર્ષે યોજાનારી અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પક્ષમાં એક પછી એક મહિલા ઉમેદવારો ઊમટી રહી છે. હિંદુ તુલસી ગેબાર્ડની પ્રમુખપદની હોડમાં ઝંપલાવવાની જાહેરાતના પગલે જ ભારતીય માતા અને જમૈકન પિતાની પુત્રી તથા કેલિફોર્નિયાની સેનેટર કમલા હેરિસે પણ અમેરિકાના પ્રમુખપદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અન્ય બે ઈચ્છુક મહિલાને ગણો તો ચાર ચોટલા ભેગા થઈ ગયા છે.


જો કે આ બધામાં કમલા હેરિસ ડેમોક્રેટિક પક્ષની સૌથી પ્રબળ દાવેદાર ગણાય છે. બરાક ઓબામાની સાથે સરખાવવામાં આવતી કમલા લોકશાહી અને માનવ અધિકારોની પ્રખર સમર્થક છે. ડાબેરી ઝોક ધરાવતી કમલા નવી પેઢીની પ્રતિનિધિ છે. વોશિંગ્ટનની હાવર્ડ યુનિવર્સિટીમાંથી લોની ડીગ્રી લીધી છે. ૨૦૧૦ અને ૨૦૧૪માં એ કેલિફોર્નિયાના એટર્ની જનરલના પદે ચૂંટાઈ હતી. ૨૦૧૭થી શરૂ થયેલી સેનેટર તરીકેની એની પ્રથમ ટર્મમાં એણે કામગાર અને મધ્યમ વર્ગ માટે ટેક્સના દર ઘટાડ્યા, જયારે શ્રીમંત તેમજ કોર્પોરેટ્સ માટે વધાર્યા છે.

પ્રમુખપદની હોડમાં ઝુકાવવાના પોતાના નિર્ણયની જાહેરાત કરતા વિડિયોમાં એણે સત્ય, શિષ્ટાચાર, સમાનતા, સ્વતંત્રતા અને લોકશાહી જેવાં મૂલ્યોની રક્ષા માટે જનતાને અવાજ બુલંદ કરવાની હાકલ કરી છે. આ મૂલ્યોને બચાવવા માટે જ કમલાએ પ્રમુખપદની હોડમાં ઝુકાવ્યું છે. ચોપન વર્ષની તેજ-તર્રાર, કડક અને સમર્પિત કમલા યુવાઓમાં એક્સલન્ટ આલ્ફા લેડી તરીકે પ્રિય છે. કમલાના પ્રચારની જવાબદારી એની બહેન માયાએ સાંભળી છે, જે અગાઉ હિલેરી ક્લિન્ટનની પ્રચાર ઇન્ચાર્જ હતી. કમલાનાં માતા દક્ષિણ ભારતીય હતા. મોસાળ ચેન્નઈમાં માણેલી મોજ કમલા આજે પણ પ્રેમથી વાગોળે છે. જો કમલા અમેરિકાની પ્રમુખ બનશે તો આ પ્રાઉડ અમેરિકન એવી ભારતની ભાણી માટે ભારતીયો પણ ગર્વ કરશે.

No comments:

Post a Comment