Monday, 4 February 2019

ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહીની અજાણી વાતો

અંગ્રેજીમાં indelible ink કહેવાતી આવી શાહી આપણે ત્યાં મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ કંપની બનાવે છે; જેમની માલિકી કર્ણાટક સરકારની છે.

શાહીની ખાસ ફોર્મુલા દિલ્હી ખાતે આવેલ નેશનલ ફિઝીકલ લેબોરેટરીએ તૈયાર કરી છે. ફોર્મ્યુલા ખાનગી છે, આમ છતાંય તેમાં વપરાતો મુખ્ય એટલે કે 23% પદાર્થ સિલ્વર નાઈટ્રેટ હોવાનું જાણીતું છે.

1937માં સ્થપાયેલી કંપનીનો મૂળ ધંધો તો પેઈન્ટ અને વાર્નિશ બનાવવાનો છે પણ ચૂંટણી વખતે તેના કારીગરો પૈકી લગભગ 80 જણાને અવિલોપ્ય શાહી બનાવવાના કામે લગાડી દેવાય છે. મતદાન કેન્દ્રો માટે તેઓ 5.5 મિલીલીટરની અને 7.5 મિલીલીટરની કુલ 17 લાખ નાની શીશીઓ તૈયાર કરે છે. સૌથી વધુ ખપત આંદામાન નિકોબારના પોર્ટ બ્લેરમાં થાય છે.


સિલ્વર નાઈટ્રેટ જરા મોંઘો પદાર્થ છે. માટે કેટલાક વર્ષ પહેલા લેબોરેટરીએ એવી ફોર્મ્યુલા તૈયાર કરી કે જેના મુજબ 23% ને બદલે 13% સિલ્વર નાઈટ્રેટ વાપરવામાં આવે તો પણ મતદારની આંગળી પર લગાવેલ શાહીનું ટપકું દિવસો સુધી નાબુદ થતું નથી.
 
આ શાહીનો ડાઘ લાંબો સમય ન ભુસવાનું કારણ એ કે શાહી ચામડીની તેમજ નખની માત્ર સપાટી પર રહેતી નથી. કેટલીક શાહી નીચલા થરમાં પણ પોચી જાય છે. સાબુનું ફીણ ત્યાં સુધી પહોંચી શકતું નથી. તેથી ઓછામાં ઓછા 20 દિવસ સુધી શાહીનો ડાઘ જળવાય છે. દિવસો વિતતા જાય અને મરેલી ચામડીની સુક્ષ્મ ફોતરીઓ ખરતી જાય તેમ શાહી પણ તેમના ભેગી ખર્યા કરે છે. શાહીના ટપકાવાળો નખ પણ ક્રમશ આગળ વધીને ટેરવા સુધી પહોંચે એટલે નખનો આ ભાગ પણ નેઈલ કટર વડે દુર થાય એટલે ડાઘ કાયમ માટે દુર થાય છે.

No comments:

Post a Comment