Saturday, 9 February 2019

રૂપાળા અને નટખટ પક્ષીઓ : નવરંગો અને ચાતક

નવરંગો અને ચાતક…આ અત્યંત રૂપાળા નટખટ પક્ષીઓ ગીર જંગલની શાન છે. આ બંન્ને વર્ષાઋતુના પક્ષીઓ ‘માઈગ્રેટરી બર્ડ’ એટલે કે મહેમાન પક્ષીઓ છે. લગભગ મે મહિનાના અંતમાં આ બંને જાતના પક્ષીઓ છેક દક્ષિણ આફ્રિકાના જંગલોમાંથી પોતાના બચ્ચાને ઉછેરવા ભારતના ગીર જંગલ સુધી આવે છે.

વર્ષાઋતુના ચાર માસ દરમિયાન તાજા ઉગેલા ફુલ-છોડ-ઘાસ પર ઉડતા નાજુક જીવોના પૌષ્ટિક ખોરાકના આધારે તેના બચ્ચાઓના પેટ ભરતા આ પક્ષીઓ લગભગ દિવાળીના સમયગાળામાં ફરીથી પોતાના વતન દક્ષિણ આફ્રિકાના જંગલમાં પ્રયાણ કરે છે. એમ કહેવાય છે કે ગીર જંગલમાં નવરંગ-ચાતક દેખાય એટલે કે વર્ષાઋતુનું આગમન થઈ જાય. દક્ષિણ આફ્રિકાના વિશાળ જંગલ વિસ્તારના આ બંને પક્ષીઓ હજારો કિ.મી. સફર ખેડીને ભારતમાં ઈંડા મુકી બચ્ચાને જન્મ આપવા ગીર જંગલમાં આવે છે. 


વર્ષોથી યાયાવર પક્ષીઓ પર નજર રાખતા પક્ષીવિદો સાથેની ચર્ચામાં મેળવેલી વિગતો મુજબ 'ચાતક' વિશે તો ખુબ જ લોકમાન્યતા છે. ચાતક ફક્ત વર્ષાઋતુમાં જ વરસાદનું જળ પીએ છે. આ પક્ષીઓ ઉપરનો રંગ કાળો અને છાતીનો ભાગ સફેદ હોય છે. આ પક્ષીના નર ઘાટા કાળા રંગના અને માદા આછો કાળો સ્લેટી રંગ ધરાવે છે.

જંગલમાં જ રહેતા માલધારીઓ અને વન્ય કર્મચારીઓમાં એવી વાત પ્રચલિત છે કે ચાતક સ્થાનિક પક્ષી લેલાડા સાથે જ હોય તેમ તેના માળામાં ઈંડા મુકી તેનો ઉછેર લેલાડા પાસે કરાવે છે પરંતુ અભ્યાસ પરથી એ બાબત જાણવા મળી છે કે ચાતક પક્ષી બોરડી, બાવળ, ખીજડો જેવા કાટાળા વૃક્ષોમાં માળો બાંધે છે જેથી તેના ઈંડા-બચ્ચાને કાટાનું કુદરતી રક્ષણ મળી રહે. માદા ૩ થી ૪ ઈંડા મુક્યા પછી નર-માદા સાથે મળી ઈંડાને સેવે છે. પી…ઈ…પી…ઈ જેવો મીઠો મધુર અવાજ કાઢી માદાને રીઝવતા નરનો આ અવાજ જાણે કે કોઈ ગાયકીનો સુર હોય તેમ સાંભળવો ગમે તેવો હોય છે.

'ચાતક' ની ગાયકી અને 'નવરંગ'નો રંગ ગીરની શાન છે. પક્ષીવિદો અનુસાર નવરંગ શરીરમાં રૂપાળા લાગતા બ્લુ-કાળો-પીળો-લાલ-સફેદ-વાદળી રંગોથી શોભતુ આ પક્ષી સાચે જ ગીર જંગલની અનેરી ઓળખાણ છે. ગીર ઉપરાંત સૌરાષ્ટ્રના આછા જંગલોમાં દેખાતુ ચોમાસાનું આ મહેમાન પક્ષી પણ એ માસના અંતભાગમાં દેખાય એટલે સમજવું કે ચોમાસુ નજીકમાં જ છે.

નવરંગ પક્ષીની એક ખુબ જાણીતી ખાસ વાત એ છે કે પહેલા નર પક્ષીઓ ગીર જંગલમાં ખુબ દેખાય છે અને પછી સલામત આશ્રયસ્થાન મળતા માદા નવરંગ પક્ષીઓ આવે છે. નર-માદા જોડી બનાવે પછી એક કિલોમીટર જેવા વિસ્તારમાં વર્તુળાકાર ત્રિજ્યામાં નવરંગના સંખ્યામાં મેઘ માળાની કોલોની ગીર જંગલમાં ખુબ જોવા મળે છે. નર-માદા નવરંગની પ્રણયઋતુ ચોમાસામાં સીટી જેવા ઉંચા અવાજે માદાને આકર્ષતા નરને બોલતો જોવો એ પણ એક મસ્તી છે.

સંવનનકાળ પછી માળામાં મુકેલા ર થી ૩ ઈંડાને નર-માદા સાથે મળીને ઉછેરે-રક્ષણ કરે છે. બચ્ચાઓ પુર્ણ કદના થાય પછી નવરંગ પરત વતન એશિયાઈ દેશો, ભારતીય ઉપખંડના ગાઢ જંગલોમાં જતુ રહે છે. વડલા, પીપળી, ઉંબરો જેવા ફળાઉ-પોચા ફળવાળા વૃક્ષોના કિટક-જંતુઓ આ પક્ષીનો મુખ્ય ખોરાક છે. આ પક્ષીના માળાઓ ગીરના મીંઢોળ-મભિન જેવા વૃક્ષોમાં વધુ જોવા મળ્યા છે.

No comments:

Post a Comment