Wednesday, 13 February 2019

ફ્રોમ બિહાર ટુ બ્રિટન

એ દિવસોમાં આશાની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી. તેને ભણવાનું બહુ જ ગમતું હતું પરંતુ એક દિવસ તેને સ્કૂલમાં મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું. તેને કહેવામાં આવ્યું: ‘હવે ભણીને તું શું કરીશ ? હવે તું ઘરનું કામકાજ શીખી લે. લગ્ન પછી તો તારે ઘર જ સંભાળવાનું છે ને!’

આશાનો જન્મ સુખી અને સંપન્ન પરિવારમાં થયો હતો. તેના પિતાનો બિહારના ચંપારણ શહેરમાં મોટો કારોબાર હતો. ઘરમાં કોઈ ચીજવસ્તુની કમી નહોતી. પરિવારમાં બધાનું માનવું હતું કે, સ્ત્રીઓએ ઘર સંભાળવું જોઈએ અને પુરુષોએ વેપાર-ધંધો તેથી ત્યાં દીકરીઓને બહુ ભણાવવાનો રિવાજ નહોતો. વધુમાં વધુ તેઓ એક ચોપડી વાંચી શકે કે પત્ર લખી શકે એટલું જ ભણાવવામાં આવતું હતું. ૧૪ કે ૧૫ વર્ષની દીકરીઓને પરણાવી દેવામાં આવતી હતી. 

ઈ.સ. ૧૯૬૬. એ વખતે આશાની વય ૧૫ વર્ષની હતી. એક દિવસ અચાનક તેની માતાએ એક સુંદર સાડી પકડાવી દેતાં આશાને કહ્યું : ‘આજે તને કેટલાંક લોકો જોવા આવવાના છે. આ સાડી પહેરીને તૈયાર થઈ જા.’ નાનકડી આશા સ્તબ્ધ બની ગઈ. તેણે પૂછયું: ‘કોણ ઘેર આવવાનું છે ?’ માએ કહ્યું : ‘તારું લગ્ન લેવાનું છે. તેથી કોઈ તને જોવા આવે છે.’ આશાએ કહ્યું: ‘પણ મમ્મી, હું તો આગળ ભણવા માંગુ છું.’

પરંતુ ઘરમાં તેની વાત કોઈએ સાંભળી નહીં. આશા બિચારી ચૂપચાપ સાડી પહેરી તૈયાર થઈ એક રૂમમાં બેસી ગઈ. કેટલાક સમય બાદ છોકરાવાળા લોકો આવ્યા. તેમણે આશાને જોઈ અને તરત જ પસંદ કરી લીધી. લગ્નનું પણ નક્કી થઈ ગયું. પરિવારમાં હવે બધાં ખુશ હતાં. ખાસ કરીને તેની મમ્મી. માએ આશાને કહ્યું : ‘તારો ભાવિ પતિ મેડિકલનું ભણી રહ્યો છે. કેટલાક વખત બાદ તે ડોક્ટર બની જશે.’

પરંતુ આ વાત સાંભળી આશા જરા પણ ખુશ નહોતી. તેને હમણાં લગ્ન કરવું નહોતું. તે ખૂબ રડી પરંતુ માએ સમજાવ્યું: ‘તારી સાસરીવાળાં ખૂબ સારા છે, તું સુખી થઈશ.’

લગ્ન થઈ ગયા.

આશા સાસરે ગઈ. માની વાત સાચી હતી. સાસરીમાં સુંદર વાતાવરણ હતું. તેના પતિને ભણવાનો શોખ હતો. તેઓ ચાહતા હતા કે તેમની પત્ની આશા પણ ભણે. પતિએ જ આશાને ભણવા પ્રેરિત કરી. આ દરમિયાન આશા ત્રણ બાળકોની માતા બની. આશા કહે છે : ‘૨૧ વર્ષની ઉંમરે હું પહેલાં બાળકની માતા બની. પાછળનાં ત્રણ વર્ષોમાં બીજા બે સંતાનોની હું માતા બની. ૨૪ વર્ષની વય સુધીમાં હું ત્રણ બાળકોની માતા બની ગઈ. એક સાથે ત્રણ બાળકોને સંભાળવા મુશ્કેલ કામ હતું. છતાં મારા પરિવારે મને બહુ જ સાથ આપ્યો.’

ઈ.સ. ૧૯૭૮માં આશાના પતિને બ્રિટનની એક મોટી હોસ્પિટલ-બકિંગહામ હોસ્પિટલમાં સર્જન તરીકેની નોકરી મળી. અનિચ્છાએ પણ આશા તેના પતિ સાથે બ્રિટન જવા તૈયાર થઈ. તે પતિને સાથ આપવા માગતી હતી. એ વખતે આશાને અંગ્રેજી જરા પણ આવડતું નહોતું. તેના પતિ અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા નહોતા. આશાને હવે ખ્યાલ આવી ગયો કે બ્રિટનમાં બધાને હળવા-મળવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે.

આશાની અંગ્રેજી ભાષા શીખવાની ઈચ્છા સાંભળી તેના પતિએ તેને અંગ્રેજી ભાષામાં આવતા ટીવી શો જોવા સલાહ આપી. તે પછી અંગ્રેજી ભાષા શીખવાની તેની તત્પરતા વધી ગઈ.

આશાએ ફરીથી ભણવાનું શરૂ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી. અલબત્ત, તેને સંદેહ હતો કે તે બ્રિટનમાં ભણી શકશે કે કેમ ? આમ તો તે ૧૨માં ધોરણ સુધી ભણેલી હતી. આશાને ઈંગ્લેન્ડની કાર્ડિફ યુનિવર્સિટીમાં કોલેજના અભ્યાસ માટે દાખલ કરવામાં આવી. અત્યાર સુધી તે હિન્દી માધ્યમમાં ભણી હતી પરંતુ ધીમે ધીમે તે અંગ્રેજી ભાષા પણ શીખી ગઈ અને હવે તે અંગ્રેજી માધ્યમમાં જ ભણવા લાગી. પતિ તેને બહુ જ સહયોગ આપ્યો. આશાનો ઉત્સાહ વધાર્યો.

અને આશાએ ઇંગ્લેન્ડમાં જ સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કરી દીધો. તે હવે ગ્રેજ્યુએટ થઈ ગઈ. ટીવી જોઈને તે અંગ્રેજી શીખી હતી પરંતુ હવે તે ખુદ સુંદર અંગ્રેજી બોલી શકતી.

સ્નાતક થયા બાદ આશાએ ઇંગ્લેન્ડમાં જ ઓસવેસ્ટ્રી કોલેજમાં શિક્ષિકા બની ભણાવવાનું શરૂ કર્યું. તે તેના વિદ્યાર્થીઓ માટે એક આદર્શ શિક્ષિકા બની ગઈ. તે એક એવી ટીચર હતી જે બાળકોને કોલેજના સમય બાદ પણ વધુ સમય આપી ભણાવતી હતી.

૨૦૦૬ની સાલમાં આશા વેસ્ટ નોટિંધમ કોલેજમાં તે પ્રિન્સિપાલ બની ગઈ. આ કોલેજ ઇંગ્લેન્ડની મોટી કોલેજો પૈકીની એક ગણાય છે. આશાના નેતૃત્વમાં એ કોલેજને અનેક નવી કામિયાબીઓ હાંસલ થતી ગઈ. તેની મહેનતથી એ કોલેજને બ્રિટનની અત્યંત પ્રતિષ્ઠિત કોલેજમાં સામેલ થવાની સફળતા પ્રાપ્ત થઈ.

ઈ.સ. ૨૦૦૮નાં વર્ષમાં આશાને ‘ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર’ ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. ૨૦૧૩માં તેમને બ્રિટનના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકી એક એવા ‘ડેમ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર’ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રકારનું સન્માન હાંસલ કરનાર આશા ખેમકા બીજા ભારતીય મહિલા છે. આ પહેલાં ધારનાં મહારાણી લક્ષ્મીદેવીને ૧૯૩૧માં આ સન્માન પ્રાપ્ત થયું હતું.

આશા ખેમકા ‘ધી ઈન્સ્પાયર એન્ડ એચિવ ફાઉન્ડેશન’નામનું ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે. આ ફાઉન્ડેશનનો હેતુ ૧૬થી ૨૪ વર્ષની વયનાં યુવક-યુવતીઓને શિક્ષણ અને રોજગારીમાં મદદ કરવાનો છે.

તે પછી તાજેતરમાં જ આશા ખેમકાને ‘એશિયન બિઝનેસ વુમન ઓફ ધી ઈયર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

તેઓ કહે છે : ‘બ્રિટનમાં મને આગળ વધવાની અને કાંઈ કરી બતાવવાની તક મળી તેથી હું ખુશ છું. પરંતુ હું મારા મૂળને ભૂલી નથી. હું બિહારની છું તે વાતનો મને ગર્વ છે.’

નોબેલ વિજેતાની નોબેલ કાર્યનિષ્ઠા
મેં ૨૦૧૮માં ઈન્ટરનેટ પર વિકિપીડિયામાં મૂકવા માટે એક મહિલા ભૌતિકવિજ્ઞાનીનો પ્રોફાઈલ મોકલવામાં આવ્યો. એ વખતે વિકિપીડિયાના એડિટરે કહેલું કે આ પ્રોફાઈલ એવો નથી કે જેના વિશે સ્વતંત્ર પેજ બનાવી શકાય. જો કે ચાર મહિના બાદ ઓક્ટોબરમાં એ કેનેડિયન ભૌતિકવિજ્ઞાની ડોના થિયો સ્ટ્રિકલેન્ડ વિશેનું એક આખું પેજ વિકિપીડિયામાં હતું. કારણ એ કે બે ઓક્ટોબરે ડોના તથા ..... વધુ માહિતી માટે આ link પર click કરો. 

જનરલ મોટર્સના CFO દિવ્યા સૂર્યદેવરા
જાગતિક ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પરંપરાગત રીતે પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મૂળ ચેન્નાઈનાં મહિલા દિવ્યા સૂર્યદેવરાની નિમણૂક અમેરિકાની જનરલ મોટર્સ કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે કરવામાં આવી છે. આ પદ પર નિયુક્ત થનાર એ પહેલા ભારતીય મહિલા છે. વધુ માહિતી માટે આ link પર click કરો. 

Join Our Telegram Channel For Latest Updates

GK in GUJARATI

No comments:

Post a Comment