Thursday, 28 February 2019

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન : ભારતનો વારસો

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા તદ્દન નજીક આવી રહી છે. દરવર્ષે આ પરીક્ષામાં લગભગ ૧૦ લાખ કરતાં પણ વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીની કારકિર્દીનું પ્રથમ ચરણ પૂર્ણ થાય છે. 

આ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે અમે તેમનાં માટે ચેપ્ટર વાઈઝ pdf તૈયાર કરી છે. આ pdf સામજિકનાં પ્રથમ પ્રકરણની છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાસે આ માહિતી પહોચાડવા વિનંતી. અને અમે તમને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તે કમેન્ટમાં જણાવા વિનંતી.Wednesday, 27 February 2019

ભારતનું અતિપ્રાચીન સૌંદર્ય સ્થાન : હમ્પી

ભારતના અતિપ્રાચીન સ્થળોમાં નામ હમ્પીનું નામ મોખરે છે. ૧૩મી સદીના વિજયનગર શહેરના ખંડેરો વચ્ચે આવેલું હમ્પી કર્ણાટકમાં આવેલું છે. તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (પમ્પામાંથી નીકળેલું) નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે. આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે.

હમ્પી વર્લ્ડ હેરીટેઝ સાઈટ છે અને કુદરતી સૌદર્યથી ભરપૂર છે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહળ સ્થળોમાં શામેલ કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તીર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ઘાટીઓ અને ટેકરીઓની વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે; જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વગેરે અનેક ઇમારતો છે.
 

રામાયણમાં જેનો ઉલ્લેખ છે તે કિષ્કિન્ધા નગરી સાથે સંકળાયેલું આ સ્થળ ઇસુની પ્રથમ સદીનું છે. તુંગભદ્રા નદીને કિનારે આવેલા આ ગામની ફરતે ટેકરીઓની હારમાળા છે.

હમ્પીમાં અનેક મંદિરો છે જેમાં વિઠ્ઠલ મંદિરના સંગીત રેલાવતા સ્તંભ જાણીતા છે. હમ્પીના બજારમાં આવેલું પુરાતન મંદિર જાણીતું છે. તેનું ૨૬૦ ફૂટ ઊંચું પ્રવેશદ્વાર પણ જોવા લાયક છે.

હમ્પીમાં વિટ્ઠલ મંદિર પરિસર નિ:સંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા ૫૬ સ્થંભોને થપથપાવતાં તેમાંથી સંગીતની લહેરો નિકળે છે. ખંડનાં પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલારથ છે, જે ખરેખર પત્થરનાં પૈડાઓ પર ચાલતો હતો.

આવાં તો હમ્પીમાં અનેક આશ્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયેથી તોલાવામાં આવતાં હતાં અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલાં સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલાં હતાં. આ ઉપરાંત જોવા લાયક ઇમારતોમાં કમલ મહેલ અને જનાનખાનાનો પણ સમાવેશ થાય છે. અહીં હાથીખાનાનાં પ્રવેશદ્વાર અને ગુંબજો બનેલા છે તથા નગરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર હજારા રામ મંદિર બનાવેલું છે. 
 
 

Tuesday, 26 February 2019

પોષકતત્વોથી ભરપૂર પનીર

પનીર ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે સારું છે. દૂધમાંથી બનતાં પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ હોય છે; જે શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરતું હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય પણ પનીર અનેક બીમારીઓમાં લાભદાયી છે.


    દાંત, હાડકાં અને હૃદયના સ્નાયુની મજબૂતી જાળવવામાં પનીર ઉપયોગી છે. જ્ઞાનતંતુની કામગીરી સરળ રહે તે માટેના કેટલાક જરૂરી તત્ત્વો પણ પનીરમાંથી મળે છે.
      શરીરને યોગ્ય પ્રમાણમાં પોષણ ન મળે તો શરીરમાં નબળાઈ આવે છે. જેના કારણે શરીરમાં દુખાવો વધી જતાં ધીમે ધીમે માણસ સંધિવાનો શિકાર બને છે. સંધિવામાં રાહત મેળવવા માટે પનીરનું સેવન કરવું લાભકારક છે.
     મસલ્સ બનાવવા માટે પ્રોટીનની જરૂર વધારે હોય છે એટલે પનીર ખાવાથી લાભ થાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે.
        જે વ્યક્તિનું પાચનતંત્ર નબળું હોય તે લોકોને વારંવાર પેટને લગતી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિઓએ પનીરનું સેવન કરવું જોઈએ. પનીરમાં પૂરતા પ્રમાણમાં લેક્ટોસ હોવાથી પાચનતંત્ર સુધરે છે.

Saturday, 23 February 2019

હૃદયકુંજ

 
હૃદયકુંજ એ સાબરમતી આશ્રમ ખાતે આવેલો ગાંધીજીનો મૂળ વસવાટ છે. આ નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહિંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમનું આ સ્‍મારક તેની મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે; જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે, જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

'હૃદયકુંજ' વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે.

બેટરી કે પાવર વિના કામ કરતું ગેસલાઇટર

શક્તિ પેદા કરતા મોટા ભાગના સાધનોને વીજળી કે બાહ્ય શક્તિની જરૂર પડે પરંતુ ગેસ લાઇટર એવું સાધન છે કે જેમાં કોઈ શક્તિની જરૂર પડતી નથી પરંતુ તણખો પેદા થાય છે.


ગેસ લાઇટરની રચના સારી છે. લાંબી નળીમાં સ્પ્રિંગ વડે દબાણ પેદા કરતા ધાતુના બે ટુકડા પરસ્પર અથડાય તેવી રચના હોય છે. બટન દબાવો એટલે ખટાક અવાજ થઈને તણખો પેદા થાય છે. તેમાં વપરાતી ધાતુને પિઝો ઇલેક્ટ્રિક કહે છે. પિઝો એટલે દબાણ. ઘણી ધાતુઓમાં દબાણ કે ઘર્ષણથી તણખા પેદા થાય તે તમે જોયું હશે. જૂના વખતમાં ચકમક લોઢાના ટુકડા સાથે અથડાવીને અગ્નિ પેદા કરાતો. જૂના વખતના લાઇટરમાં પથર વપરાતી જેને ઘસારો લાગે તો તણખો પેદા થતો.

ગેસ લાઇટરમાં ઊંચા પ્રકારના પિઝો ઇલેક્ટ્રિક ધાતુના ટુકડા હોય છે. આ ધાતુને આઘાત થાય ત્યારે પોઝિટીવ અને નેગેટિવ આયનો છૂટા પડે. બેટરીની જેમ ઓછો વીજભાર હોય તે તરફ કરંટ વહે.

આ ધાતુના એક ચોરસ સેન્ટીમીટરના ટુકડા ઉપર ૫૦૦ કિલો વજનનું દબાણ થાય તો ૨૫૦૦ વોલ્ટ જેટલી વીજળી પેદા થઈ શકે. આપણા ગેસને પેટાવવા એક જ તણખો જોઈએ એટલે કે ગેસ લાઇટર સામાન્ય હળવા દબાણથી કામ કરી શકે છે.

Friday, 22 February 2019

તાજી ચણાયેલી દીવાલ પર પાણી કેમ છાંટવામાં આવે છે?

નવા બાંધકામમાં તાજી ચણાયેલી દીવાલ પર પાણી છાંટીને બે-ત્રણ દિવસ ભીંજાયેલી રાખવામાં આવે છે. સિમેન્ટના કોઈ પણ પ્લાસ્ટર પર પણ પાણી છાંટવામાં આવે છે. સિમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ સુકાય ત્યારે આપોઆપ જ પથ્થર જેવું સખત થઈ જાય છે તો પછી તેના પર પાણી નાખવાનું કારણ શું ?


સિમેન્ટ અને પાણીનો ખાસ સંબંધ છે. વિજ્ઞાાનીઓ તેને એક્ઝોથર્મિક કહે છે. સિમેન્ટ પર પાણી પડે કે તરત જ હાઇડ્રેશન થવા માંડે અને પાણીનું શોષણ થાય છે અને સિમેન્ટ સખત બનવા લાગે છે. શરુઆતમાં આ ક્રિયા ઝડપી હોય છે પરંતુ પાણી સૂકાય ત્યારે તે મંદ પડે છે. આ ક્રિયા જેમ વધુ ચાલે તેમ સિમેન્ટ વધુ મજબુતાઈથી જામે.

હાઇડ્રેશનની આ ક્રિયા સતત ચાલુ રાખવા ભેજ જરૂરી છે. પૂરતો ભેજ ન હોય તો સિમેન્ટ નાની નાની કાંકરી થઈને છૂટી પડી જાય. હાઇડ્રેશનની ક્રિયા બે-ત્રણ દિવસ ચાલે તે જરૂરી છે એટલે બે-ત્રણ દિવસ સુધી સતત ભીંજાયેલ રાખવા પાણી છાંટવું પડે છે. 

Thursday, 21 February 2019

શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો?

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFની ટૂકડી પર હુમલો થયા બાદ ૧૫ ફેબુઆરીના રોજ સવારે સરકારે એક બેઠક બોલાવવામાં આવી; જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, ત્રણેય સેનાના અધિકારી તથા મહત્વના લોકો હાજર રહ્યા હતા. 
નાણામંત્રી અરૂણ જેટલીએ બેઠક પછી જાહેરાત કરી છે કે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાયો છે. આ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો એટલે શું? તો આવો જાણીએ મોસ્ટ ફેવર્ડ નેશન(MFN)નો દરજ્જો એટલે શું ? તેનાથી પાકિસ્તાનને શું નુકશાન થશે? 

મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો એટલે?   
MFNનો દરજ્જો સમજતા પહેલા આપણે વિશ્વ વેપાર સંગઠનને સમજવું પડે. 
 1. WTO એવું સંગઠન જે વિશ્વના દેશો વચ્ચે જે વેપાર થાય છે તેના પર ધ્યાન રાખે છે. કશું ખોટું ન થાય તેની ધારા ધોરણો આ સંગઠન નક્કી કરે છે.
 2. આ સંગઠન સાથે ૧૬૨ દેશો જોડાયેલા છે. દેશો વચ્ચેના વેપાર માટે અનેક નિયમો આ સંગઠને બનાવી રાખ્યા છે, જે વેપાર વખતે જે તે દેશોએ માન્ય રાખવાના હોય છે. વિશ્વમાં WTO સાથે જોડાયેલા બે દેશો વચ્ચે વેપાર થાય તો તે આ સંગઠનના ધારાધોરણો મૂજબ થાય છે.
પહેલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈસર (WTO) ને સમજો

હવે WTOના નિયમોમાં ''મોસ્ટ ફેવર્ડ નેશન''નો ઉલ્લેખ છે. 
કોઇ દેશ અન્ય કોઇ દેશ સાથે વેપાર કરે અને તે દેશને વેપાર માટે ખૂબ વધારે પ્રાધાન્ય આપે તો તે દેશને પ્રાધાન્ય આપનાર દેશ તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે છે.

૧૯૯૫માં WTO ની સ્થાપના થઈ અને ૧૯૯૬માં જ ભારતે વેપાર માટે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપી દીધો હતો. અને ત્યારે પછી ભારતે અનેક વાર માંગ કરી છે કે પાકિસ્તાન પણ ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપે. 
પણ પાકિસ્તાને આજ સુધી આ દરજ્જો ભારતને આપ્યો નથી. હા એકવાર ૨૦૧૨માં પાકિસ્તાને આ દરજ્જો આપવની વાત કરી હતી પણ તે હજી સુધી સંભવ બની શક્યું નથી.

આ દરજ્જાનો ફાયદો શું?

આ દરજ્જો આપવાથી ફાયદો એ થાય કે પાકિસ્તાન ભારત પાસેથી માલ ખરીદે તો અમૂક પ્રકારના ટેક્સ લાગતા નથી માટે તેના માટે ભારતમાંથી ખરીદેલો માલ સસ્તો થઈ જાય છે.

હવે જાણો ભારત – પાકિસ્તાન વચ્ચેની આયાત નિકાસની વસ્તું

ભારત પાકિસ્તાનને ખાંડ, ચા, પેટ્રોલિયમ, કોટન, ટાયર, રબર સહિત બીજી ૧૪ જેટલી વસ્તુ વેચે છે; જ્યારે પાકિસ્તાનમાંથી ભારત કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, હાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, સીમેન્ટ જેવી ૧૯ પ્રમુખ વસ્તુ ખરીદે છે.

હવે આ દરજ્જો પાછો લેવાથી પાકિસ્તાન ભારતમાંથી જે-જે વસ્તું ખરીદશે તે તેને મોંઘી પડશે કારણ કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે આપ્યો હોવાથી તેને અમૂક પ્રકારના ટેક્સથી મુક્તિ મળતી હતી; જે હવે નહી મળે.

આનાથી ભારત પાકિસ્તાનના વેપાર પણ શું અસર થાય?

ભારત પાકિસ્તાન વચ્ચેના વેપારના થોડા આકંડા જુવો તો ખબર પડી જાય કે આની અસર ક્યાં કેવી રીતે થવાની છે. 
વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત-પાકિસ્તાન વચ્ચે ૬૪૩.૩ અરબ ડોલરનો વેપાર થયો હતો. હાલ ભારત પાકિસ્તાનમાં ૨.૬૭ અરબ ડોલરના માલની નિકાસ કરે છે અને પાકિસ્તાન ભારત પાસેથી ૪૦ કરોડ ડોલર નો માલ ખરીદે છે.
આ ખરીદીમા ભારતને તો ફાયદો થતો નથી કેમ કે પાકિસ્તાને ભરતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો નથી પણ પાકિસ્તાને આ દરજ્જો ભારત તરફથી મળ્યો હોવાથી પાકિસ્તાનને જરૂર ફાયદો થાય છે. જે આ દરજ્જો પાછો લઈ લેવાથી નહિ થાય. 
MFN નો દરજ્જો શું પાછો લઈ શકાય?

જો બે દેશ વચ્ચે સુરક્ષા સંદર્ભના મુદ્દે વિવાદ હોય તો WTO ના આર્ટિકલ 21b મુજબ કોઇ જે તે દેશ આ દરજ્જો પાછો લઈ શકે છે. આ માટે WTO ની કેટલીક શરતો હોય છે તે પૂરી કરવાની હોય છે. આવું ૧૯૮૩માં અમેરિકા અને નિકારગુઆ દેશ વચ્ચે અને ૧૯૯૨માં યુરોપિયન કમ્યુનિટી અને યુગોસલાવિયા વચ્ચે થઇ ચૂક્યું છે.

Tuesday, 19 February 2019

ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો


 1. ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ; જે મુઘલ સમયથી પડ્યું.
 2. આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.
 3. ભારતમાં સૌથી લાંબો  1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.
 4. ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.
 5. ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.
 6. ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.
 7. દરેક પાંચ  અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.
 8. ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.
 9. ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.
 10. વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.

ન માત્ર કેવળ ભારતમાં જ પરંતુ એશિયામાં પણ સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ : જસ્ટિસ એમ. ફાતિમા બીવી

10 Year Challenge : એક ગેમ કે ખતરો? શું ફેસબુકનો મોટો પ્લાન છે?


જાણો બારકોડ કઈ રીતે કામ કરે છે?