Thursday, 3 January 2019

રોજર ક્રોવફોર્ડ ટેનિસ પ્લેયરની સાથે મોટિવેશનલ સ્પિકર પણ છે

જન્મથી જ જેને ડાબો હાથ જ ન હોય અને જમણા હાથમાં ફક્ત એક જ આંગળી હોય. જમણા પગમાં પણ ત્રણ જ આંગળીઓ હોય, તેમજ પાંચ જ વર્ષની ઉંમરે ડાબો પગ એ હદે વિકૃત આકાર ધરાવતો થઈ જાય, કે તેને શસ્ત્રક્રિયા કરી કાપી નાખવો પડે. ડોક્ટરો બાળકના માતા-પિતા સામે પ્રોફેશનલ અંદાજમાં જાહેર કરી દે કે આ બાળક ક્યારેય ચાલી નહીં શકે.

આવા સંજોગોમાં બાળક કદાચ માનસિક રીતે પૂરતો સક્ષમ હોય તો પણ સમાજની દ્રષ્ટિએ તેને માનસિક વિકલાંગના વર્ગમાં જ મૂકી દેવામાં આવે છે. મોટેભાગે સમાજની આ અપંગ માનસિક્તા લોકો અને ખાસ તો આવા સંતાનોના મા-બાપ સ્વીકારી લેતા પણ હોય છે. પણ જેનું મનોબળ મજબૂત હોય, તેના માટે વિકલાંગતા પણ અસામાન્ય શક્તિ બની એક નવું જ પરિમાણ સર્જી જતી હોય છે. રોજર ક્રોવફોર્ડ આવી વિલક્ષણતાનું બેનમુન ઉદાહરણ હતું. રોજર માટે ડોક્ટરોએ એવું કથન કરી દીધું હતું કે, ‘આ બાળક જીવનભર ચાલી નહિ શક.’ છતા એની સિદ્ધિઓ સામાન્ય માનવી કરતાં વ્હેંત એક ઊંચી સાબિત થઈ.


રોજર ફક્ત ચાલતાં ન શીખ્યો, પણ હાઈસ્કૂલમાં ટેનિસ ટીમનો કેપ્ટન બન્યો સાથે સાથે અનેક પ્રમાણપત્રો અને રેકોર્ડ પણ બનાવ્યા. આવી સિદ્ધિઓના પ્રતાપે તે ‘નોર્ધન કેલિફોર્નિયા એથ્લેટ ઓફ ધી યર’નો પુરસ્કાર પણ જીત્યો. તેની આ સિદ્ધિયાત્રા ફક્ત અહીં અટક્તી ન હતી, આગળ તેના નામે કેટકેટલું લખાવાનું બાકી હશે. કારણ ‘લોયોલા મેરીમાઉન્ટ યુનિસર્વિટી’ની ટેનિસ સ્કોલરશિપ હાંસલ કરનાર પણ તે સૌથી પહેલો અને એકમાત્ર વિકલાંગ NCAA ડિવિઝન-૧નો વિદ્યાર્થી બન્યો, જેણે અહીં પણ અનેક પ્રમાણપત્રો અને રેકોર્ડ સ્થાપ્યા. 

રોજરે લખેલ પુસ્તક ‘ફ્રોમ ધી હાર્ટ (૧૯૯૮)’ માં પોતે જ પોતાની વાત લોકો સુધી પહોંચાડી છે. તે ઉપરાંત રોજરની આ અચંબિત કરી મૂકી તેવી સત્ય હકીકતો ‘લેરી કિંગ લાઈવ’, ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ CBC’s ઇનસાઈડ એડિશન’, CNBC, ‘રીઅલ પીપલ’, ‘અવર ઓફ પાવર’, ‘USA ટુડે’ અને ‘ટેનિસ મેગેઝિન’માં પણ ચમકી. NBC એ તો રોજર ક્રોવફોર્ડને કવર કરતી ડોક્યુમેન્ટરી-‘ઇન અ ન્યુ લાઈટ’- માટે એમી એવોર્ડ પણ જીત્યો.

એક જન્મજાત વિકલાંગ બાળક, મેડિકલ સાયન્સ પણ જેને હાંસિયામાં ધકેલી મૂકે, એનો આત્મવિશ્વાસ તો સમજણ આવ્યા પહેલાં જ ખંડેર બની ગયો હોય, એ સામાન્ય રીતે હતાશ થઇ જાય. બિચારાપણાથી પીડાય અને ભગવાનને દોષ દઇ લોકોની દયા પર જીવવા લાગે. એના બદલે આજે રોજર ક્રોવફોર્ડ ‘મોટિવેશલ સ્પીકર’ તરીકે ખ્યાતનામ છે, કોર્પોરેટ ક્લાયન્ટ્સનું એક વિશાળ લિસ્ટ ધરાવે છે.

રોજર ક્રોવફોર્ડનું એક બહુ સચોટ અવતરણ છે. ‘બે પગ અને નકારાત્મક અભિગમ કરતાં એક પગ અને સકારાત્મક અભિગમ વધુ શ્રેષ્ઠ છે.’

No comments:

Post a Comment