Wednesday, 23 January 2019

કારોલાય ટકાસ : ડાબા હાથે શૂટિંગ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો

જમણા હાથે લખવા કે અન્ય કાર્ય કરવા ટેવાયેલ વ્યક્તિ ફક્ત આનંદ ખાતર પણ ડાબા હાથે લખવાનો કે કંઈ પણ કામ કરવાનો પ્રયત્ન કરે તો કેવી રમૂજ ઉત્પન્ન થાય તે આપણે સમજી શકીએ છીએ. એમાં પણ જો આવું કરવાની ફરજ પડે તો ક્યારેક ઊલટા હાથે કરવું પડતું કાર્ય મુસીબત બની જાય, પછી ભલેને તે આપણું મનગમતું કાર્ય કેમ ના હોય! 


આજે આપણે વાત કરશું તેવા જ એક સાહસિક ખેલાડી કારોલાય ટકાસની. હંગેરિયન આર્મીનો સાર્જન્ટ કારોલાય ટકાસ નેશનલ પિસ્તોલ શૂટિંગનો મેમ્બર હતો. તે મનોમન ૧૯૪૦ની ઓલિમ્પિક ગેઈમ્સમાં ભાગ લેવાનું સપનું સેવતો હતો. જો કે તેનું એ સપનું આસાનીથી સાકાર થાય તેવું લાગતું ન હતું, કારણ કે તે સારો નિશાને બાજ તો હતો,પણ જાણે કુદરત તેની પરીક્ષા લેવા ઈચ્છતી હોય તેમ આર્મીમાં સૈનિકો દ્વારા મોટેપાયે કરવામાં આવતી લશ્કરી ક્વાયત દરમિયાન એક હાથે બોંબ ફૂટવાથી કારોલાયને પોતાનો એક હાથ ગુમાવો પડયો હતો અને એ પણ જમણો જ હાથ, જેની તાકાત પર તે શૂટિંગ કરતો હતો. આ કારણે તે ઘણો ડિપ્રેશનમાં આવી ગયો હતો.

જો કે કારલોય ઘણો હિંમતવાળો અને અડગ નિશ્ચયી હતો. તેણે પોતાની જાતને સંભાળી અને હિંમત મેળવી. તેણે શૂટિંગ ન છોડવાનો નિર્ણય લીધો તેમજ પોતાના મનને અડગ રાખ્યું અને ડાબા હાથે ફરી પિસ્તોલ ઉપાડી. શરૂઆતમાં તો તેને બહુ અજુગતું લાગતું હતું. નિશાનબાજી કરવાની તો દૂરની વાત, પણ તે પિસ્તોલ પર સરખી પકડ પણ મેળવી શક્તો ન હતો. હજી તે હાથને સ્થિર રાખવાની મથામણમાં હતો, એમાં કેવી રીતે સ્પર્ધામાં ભાગ લેવો તે અસમંજસમાં કારોલાય હતો.

કારોલાયના સદનસીબ અને વિશ્વના બદનસીબ-વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૦ અને ૧૯૪૪ની બંને ઓલિમ્પિક રદ્દ થઈ. ડાબા હાથે નિપુણતા કેળવવાનો કારોલાયને દસ વર્ષનો સમય મળી ગયો અને આખરે ૧૯૪૮ની લંડન ઓલિમ્પિકમાં ‘કેપ્ટન’ કારોલાય ટકાસ ડાબા હાથે શૂટિંગ કરી ગોલ્ડ મેડલ મેળવીને રહ્યો. એક વિચાર આવે કે કેવી રીતે આ શક્ય બન્યું? પણ કારલોયની ધગશ અને નમ્રતા તેને સફળ બનાવવામાં મુખ્ય ભાગ ભજવી ગઈ. તેણે સાબિત કરી બતાવ્યું કે, કોઈપણ કાર્ય કરવા માટે મનમાં ધગશ હોવી જરૂરી છે. પછી તો તમે કોઈ પણ મુશ્કેલ રસ્તો પણ સહેલાઈથી પાર કરી શકશો. કારોલાય જમણા હાથથી કામ કરવા ટેવાયેલો હોવા છતાં તેણે ડાબા હાથથી પોતાનું સપનું સાકાર કર્યું, અને પેલો ડાયલોગ છે ને કે, યે તો મેરે દાયે હાથ કા ખેલ હૈ તેમ કપરી મહેનત અને અડગ નિશ્ચય સાથે ડાબા હાથે શૂટિંગ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું.

સ્પર્ધાની શરૂઆતમાં કોઈએ તેને પૂછયું કે તારો લંડન (ઓલિમ્પિકમાં) આવવા પાછળનો હેતુ શું છે? ત્યારે કારોલાયે બહુ જ નમ્રતાથી એટલો જ જવાબ આપ્યો કે હું કંઈક શીખવા અહીં આવ્યો છું, અને જ્યારે કારોલાય ગોલ્ડ મેડલ જીતી ગયો ત્યારે ઈનામ વિતરણ સમયે સ્ટેડિયમ પર તે જ વ્યક્તિએ કારલોયને કહ્યું, ‘તું ઘણું શીખીને જઈ રહ્યો છે.’ આમ કારોલાય ટકાસે પોતાના ડાબા હાથથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું અને સિદ્ધી હાંસલ કરી. કારલોયે કુદરતે લીધેલી આકરી પરીક્ષા પણ પાસ કરી બતાવી.

No comments:

Post a Comment