Tuesday, 15 January 2019

અમરવેલ: પોતે અમર, પર્યાવરણ માટે કાળ

વનસ્પતિ પોતાના લીલા પાંદડાઓની મદદથી પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે એટલે એ સ્વાવલંબી કહેવાય છે જ્યારે મનુષ્ય સહિત દરેક પ્રાણીઓ પોતાના ભોજન માટે વનસ્પતિ પર જ આધાર રાખતા હોવાથી પરાવલંબી કહેવાય છે.

પરંતુ શું તમને ખબર છે કે અમુક વનસ્પતિ એવી પણ છે જેને પાન નથી, માત્ર વેલાઓ છે અને બીજા છોડ કે ઝાડમાંથી પોષણ મેળવીને જ જીવિત રહી શકે એમ છે!!! 
 

અમરવેલ નામની આવી પરાવલંબી વનસ્પતિની લગભગ ૧૭૦ પ્રજાતિઓ છે જે નામ પ્રમાણે પોતે તો અમર રહે છે પણ અન્ય વનસ્પતિઓ માટે મોત સમાન બની જાય છે. સ્વર્ણલતા, આકાશવેલ, નિર્મલી, અમરલતી, ચૂડેલબાલ, ભૂખી જાળ જેવા અનેક નામથી જાણીતી પરોપજીવી અમરવેલ સો મીટર લંબાઇ સુધી પણ ફેલાઇ શકે છે.

કપાસ, બોરડી, જાંબુ, સીસમ, બાવળ અને અશોક જેવા વૃક્ષો તો ઠીક, પણ નાનીમોટી ઝાડિયો અને કાંટાળા થોરને પણ પોતાની લપેટમાં લઇ લે તેવી નિર્દયી છે. અમરવેલના સફેદ,પીળા કે ગુલાબી ફૂલ તે જે છોડ પર અવલંબિત હોય તેના જેવા જ હોય છે. તેના બી કદમાં તો નાના હોય છે તો પણ વિપરીત સંજોગોમાં માટીમાં પડ્યા બાદ દસ પંદર વર્ષો સુધી જીવતાં રહી શકે છે.

બી જમીનની સપાટી પર એક વાર અંકુરિત થાય પછી તેને કોઇ પોષણ મળે તેવા વૃક્ષ કે છોડના આધારની જરૂરત પડે છે. જો તેને એક અઠવાડિયા સુધી કોઇ પોષણયુક્ત આધાર ન મળે તો એ મરી પણ જાય છે.

એક વાર કોઇ વનસ્પતિનો આધાર મળી જાય પછી એના શોષક અંગો એ ઝાડ કે છોડની છાલ, ડાળીઓ કે પાંદડાઓમાં પ્રવેશીને વધતી જ રહે છે.

એક દિવસમાં લગભગ ૩ ઇંચ વધતી આ અમરવેલ પોતાની જાળ એક વૃક્ષથી અન્ય વૃક્ષ કે એક છોડથી અન્ય છોડ સુધી ફેલાવતી જ રહે છે. આ વેલ જેને વળગે એમાંથી પોતાનું ભોજન ગ્રહણ કરતી રહી એ વનસ્પતિને એકદમ કમજોર કરી મૂકે છે અને તેના રોગોને પણ એકથી બીજા છોડ સુધી પહોંચાડતી રહે છે.

આટલું ઓછું હોય એમ એ છોડ પર પોતાની એવી જટિલ જાળ ફેલાવી દે છે કે એ છોડ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક પણ નથી બનાવી શકતાં. તેમનો વિકાસ પણ રૂંધાઇ જાય છે. કેટલાય વૃક્ષો અને છોડોમાં પછી ફૂલ-ફળ નથી આવતાં. આમ અમરવેલ જ્યાં જ્યાં ફેલાય છે ત્યાંની જીવસૃષ્ટિનો પણ નાશ થવા લાગે છે. વળી કુદરતે એને અમરપટો આપ્યો હોય તેમ ક્યારેક પોષણના અભાવમાં એ સૂકાઇ ભલે જતી હોય, પણ તેના આધાર સ્વરૂપ છોડને ચોંટેલી રહીને અનુકૂળ પરિસ્થિતિમાં પાછી જીવિત પણ થઇ શકે છે.

અન્ય જીવસૃષ્ટિ માટે ખતરારૂપ એવી આ અમરવેલમાં પાછી ભગવાને માણસને ઘણી બીમારીમાં કામ લાગે એવા અનેક ઔષધીય ગુણો પણ ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે ઓસ્ટિઓપોરોસિસ, એલોપેશિયા, કમળો અને ખાંસીની બીમારી દૂર કરવામાં ઘણી ઉપયોગી છે. કૃમિનાશક એવી આ વનસ્પતિ ટાલિયાપણું દૂર કરવામાં પણ કામ લાગે એવી છે. તેનામાં ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ્સ પણ છે જે અકાળે આવતી વૃદ્ધાવસ્થાને પણ રોકી શકે એમ છે અને શરીરના કોષોને નુકસાન થતું અટકાવી, કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.

તેમ છતાંય અન્ય વનસ્પતિ માટે અભિશાપરૂપ આ અમરવેલ અંગે કોઇ એવી શોધખોળ કરવાની આવશ્યકતા છે જેનાથી બીજી વનસ્પતિ તો સુરક્ષિત રહે, સાથે સાથે માનવ ચિકિત્સા માટે પણ તેનો ઘણી સારી રીતે ઉપયોગ થઇ શકે.

No comments:

Post a Comment