Friday, 18 January 2019

જેમને કારણે ભારતમાં 'ચા'ની ઉત્પત્તિ થઇ.....

ચા એ દરેક ભારતીયનું પ્રિય પીણું છે. આપણે માનીએ છીએ કે ચા એ આસામની મૂળ દેન છે; પરંતુ હકીકતમાં એવું નથી. ભારતમાં ભલે સૌપ્રથમ ચાનું વાવેતર આસામમાં થયું હોય, પણ ખરેખર તો આ ચા એ ચીનની ઉપજ અને દેન છે. ઉપજ ચીનની છે પણ આપણા ભારતમાં તેની દેન અંગ્રેજોએ કરી હતી; જેના માટે દરેક ભારતીય તેના માટે ખુશ થઇ જાય.

જોકે, આ ચાનું આગમન ભારતમાં કરનાર એક અંગ્રેજ વીરલો હતો, જેણે જાનના જોખમે અહીં તેને આણવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો. તે હતો રોબર્ટ ફોર્ચ્યુન.

આ ચા કેવી રીતે અહીં તે લાવ્યો અને મૂળ તેની કથા શું છે તે જાણવાની બહુ મજા આવશે. ચાલો જાણીએ.

લાંબા તગડા રોબર્ટ ફોર્ચ્યુને હજામ આગળ પોતાનું મસ્તક ઝૂકાવી દીધું. હજામે પોતાના સરંજામમાંથી એક અસ્ત્રો કાઢ્યો અને રોબર્ટના માથાનો ઉપરી હિસ્સો મૂંડવા લાગ્યો. અસ્તરો કોણ જાણે બુઠ્ઠો હશે કે પછી હજામ બિન અનુભવી હશે કોને ખબર, પણ રોબર્ટનું માથુ મુંડાતું ન હતું, જાણે છોલાતું હતું. વેદનાથી તેની આંખમાંથી દડ દડ આંસુઓ નીકળીને ગાલ પર રેલાવા લાગ્યાં હતાં.

આવી તો અનેક યાતનાઓ અને જોખમી પ્રવાસ ખેડીને ચીનની અંદર પહોંચીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આ અંગ્રેજ જાસૂસે જે કારનામા કરીને ‘ચા’ના છોડ મેળવ્યા તેના પરિણામે પહેલી વાર ચાનો ઇજારો જે અત્યાર સુધી ચીન પાસે હતો એ તૂટ્યો.

વાત છે સપ્ટેમ્બર ૧૮૪૮ની. જ્યારે જાસૂસ રોબર્ટે ચીની શહેર શાંઘહાઇથી થોડે દૂર ચીની વેશ ધારણ કરવા માથુ મુંડાવ્યું હતું. ત્યારબાદ ચીનાઓ રાખે છે તેવી ચોટલી પણ રોબર્ટના બાકી બચેલા વાળ સાથે ચોટાડવામાં આવી. ચીની વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને રોબર્ટનું નામ રાખવામાં આવ્યું ‘સીંગ હુવા.’

આ બધું કરવા પાછળ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો મક્સદ એક જ હતો કે યેનકેન પ્રકારે વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ચીનની ચાની પત્તીઓ ચોરીછુપીથી ભારત લાવવી અને અહીં ઉગાડીને તેનો તગડો વ્યાપાર કરવો.

ચીનમાં ઊગતા ચાનાવિશેષ પ્રકારના ટુકડાઓ ઊકળતા પાણીમાં નાખીને જે ચા બનાવવામાં આવતી તેની સોડમ અને સ્વાદના દુનિયાભરના લોકો દીવાના બન્યાં હતાં. આ ચા પીવાથી શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ આવી જતી એ નફામાં. ચીન પણ ચાલાક હતું. પોતાની કુદરતી સંપત્તિ સમાન આ ચાની પત્તી કે છોડ કે તેને ઉગાડવાની પદ્ધતિનું રહસ્ય ભૂલેચૂકે ચીનની બહાર ન જાય તેની બરાબર તકેદારી રાખતું હતું.

સામે પક્ષે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ચીનમાંથી ખરીદી કરીને વિશ્વના અન્ય દેશોમાં મોકલવી એ નફાની દષ્ટિએ નબળો વેપાર લાગતો હતો. આથી જો કોઇપણ રીતે ચીનમાંથી આ છોડ ચોરી લવાય, તેને કેવી રીતે ઉગાડવી તે શીખી લવાય, લીલી ચામાંથી કાળી સૂકી ચા કેવી રીતે બનાવાય તેની જાણકારી મેળવીને પછી પોતાના તાબા હેઠળના ભારતમાં ઉગાડીને પશ્ચિમના દેશોમાં નિકાસ કરાય તો ભારે નફો રળી શકાય એમ હતું અને આ કામ તેમણે રોબર્ટ ફોર્ચ્યુનને સોંપ્યું હતું.

જોકે, આ કામ એટલું સરળ ન હતું. રોબર્ટ પૂરેપૂરો ચીની જેવો લાગતો હતો, પણ તેની લંબાઇ ચીનાઓની સામાન્ય લંબાઇ કરતા એક ફૂટ જેટલી લાંબી હતી. આ લંબાઇ તેની ચાડી ખાતી હતી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે કોઇ પૂછે કે શંકા વ્યક્ત કરે ત્યારે કહેવાનું કે તે ચીનની દીવાલની પેલે પારથી આવ્યો છે. (જ્યાંના ચીનાઓની લંબાઇ થોડી વધુ હોય છે) જરૂર પૂરતું જ બોલવું અને બને ત્યાં સુધી મોં બંધ રાખવાની જ સલાહ તેને આપવામાં આવી હતી.

જો રોબર્ટને આમાં સફળતા મળે તો ચીનનો ઇજારો ખતમ થવાનો હતો પણ નિષ્ફળતા મળે અને પકડાઇ જાય તો મોતની સજા નિશ્ચિત હતી.

ખેર, આ કામ માટે તો એને અઢળક નાણાં મળવાના હતાં એટલે જાનનું જોખમ ખેડવા એ તૈયાર થયો હતો. અનેક નદીઓ હોડીમાં પસાર કરી, ક્યાંક પાલખી તો ક્યાંક ઘોડા પર તો ક્યાંક પગે ચાલીને દુર્ગમ રસ્તાઓ પાર કરવા પડતાં. આ રીતે સતત ત્રણ મહિનાના પ્રવાસ બાદ અનેક મુસીબતો વેઠતો એ એક ચાના કારખાને પહોંચ્યો.

અત્યાર સુધી યુરોપના દેશોમાં તો એમ જ સમજવામાં આવતું હતું કે લીલી ચા અને કાળી ચાના છોડ અલગ હશે, પણ રોબર્ટને પહેલી વાર એ જાણીને નવાઇ લાગી કે આ લીલી ચા અને કાળી ચા એક જ છોડમાંથી મેળવવામાં આવે છે.

અહીં સુધી પહોંચ્યા પછી પણ રોબર્ટ માટે કામ સરળ ન હતું. તેને ચાના છોડ અને બીજ તો શાસકની નજર ચૂકવીને લાવવાના જ હતાં, પણ સાથે સાથે તે કેવી રીતે વાવવાના એ પદ્ધતિ પણ શીખવાની હતી. ચાની પત્તીઓના પણ કેટલા બધા પ્રકાર હોય છે તે બધાના ઉછેરની વાતો પણ શીખવાની હતી, એટલું જ નહીં અહીંના કેટલાક મજૂરોને હિન્દુસ્તાન પણ મોકલવાના હતા.

No comments:

Post a Comment