Tuesday, 18 December 2018

ઊડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરતું પક્ષી સેરેઈમા

સુંદર પક્ષી સેરેઈમા વિશે અગાઉ એવું મનાતું હતું કે આ પક્ષી બગલાં અને સારસ સાથે નાતો ધરાવે છે; પરંતુ અભ્યાસ બાદ એવું તારણ નીકળ્યું કે બગલાં અને સારસ કરતા તે બાજ અને પોપટના જનીન સાથે વધુ સમાનતા ધરાવે છે.

આ પક્ષી કદમાં મોટું અને તેમના પગ લાંબા હોય છે. સેરેઈમા મોટેભાગે ઘાસના મેદાની પ્રદેશોમાં જોવા મળે છે. બ્રાઝિલ, બોલિવિયા, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરૂગ્વે જેવાં દેશોમાં તેમની વસ્તી વધુ છે. ૩૫ ઈંચ ઊંચા આ પક્ષીની બે પ્રજાતિઓ છે. એક લાલ પગવાળી અને બીજી કાળા પગવાળી.


કાળા પગવાળા સેરેઇમાની સરખામણીમાં લાલ પગવાળા સેરેઈમા થોડા મોટા હોય છે. તેમને ઉડવા કરતા જમીન પર ચાલવાનું તેમજ દોડવાનું વધુ ફાવે છે. જયારે તેમને કોઈ ભયની અનુભૂતિ થાય ત્યારે તેઓ ઉડવાની જગ્યાએ ઝડપી દોડવાનું વધુ પસંદ કરે છે.

તેમના પગ, ગરદન અને પૂછડી લાંબા હોય છે, પરંતુ તેમની પાંખો તેમના શરીરનાં પ્રમાણમાં ટૂંકી હોય છે. દેખાવે તે આછાં બદામી રંગના હોય છે અને ચાંચ ટૂંકી હોય છે. તેમના માથા પર કલગી આવેલી છે; જે ટટ્ટાર ઉભેલી હોય છે.

લાલ પગવાળા સેરેઈમા મોટેભાગે ઘાસના ખુલ્લા મેદાનમાં રહેવાનું વધારે પસંદ કરે છે, જયારે કાળા સેરેઈમા ખરબચડા અને ખુલ્લા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. અવાજ તીણો અને પંજા મજબૂત તેમજ અણીદાર હોય છે.

સામાન્ય રીતે સેરેઈમા જંતુઓ, સાપ, ગરોળી, દેડકા, નાના પક્ષીઓ અને ઉંદરોને આરોગે છે. જયારે તે સાપ તથા અન્ય સરીસૃપનો શિકાર કરે છે ત્યારે તેમને જમીન પર પટકીને મારી નાખ્યા પછી આરોગી જાય છે. અને જો શિકાર કદમાં મોટો હોય તો તે તેને પંજા વડે પકડીને તેને આરોગે છે.

જયારે તેમને મનુષ્યથી ભય લાગે છે ત્યારે તેઓ તેમનું શરીર ફુલાવીને અને પાંખો ફેલાવીને તેમનો સામનો કરે છે. શિકારીથી બચવા ઝાડ પર જ તેઓ માળો બનાવે છે.

પ્રજનન દરમિયાન તેઓ પોતાના ક્ષેત્રમાં અન્ય પક્ષીઓને તો ઠીક, પોતાની જ જાતિના અન્ય પક્ષીઓને પણ પોતાના ક્ષેત્રમાં પ્રવેશવા દેતા નથી અને જો તેઓ પ્રવેશે તો તેમની સાથે લડાઈ કરે છે. લડાઈ દરમિયાન તેઓ તેમના પગથી એકબીજાને લાત મારે છે અને જોરજોરથી ચિચિયારીઓ પાડે છે.

No comments:

Post a Comment