Thursday, 6 December 2018

અભૂતપૂર્વ જીત મેળવનારી મેગ્નિફિસન્ટ મેરી કોમ

વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા બોક્સર તરીકે સન્માનિત થનારી મેરી કોમ જેવું સાહસ, અનુશાસન, નિષ્ઠા ભાગ્યે જ અન્ય ખેલાડી પાસે હશે.


ભારતીય સ્પોર્ટ્સ લેન્ડસ્કેપના સંદર્ભમાં છેલ્લા 3 દાયકાઓમાં મહિલા ખેલાડીઓના પરફોર્મન્સ તેમને મળતી સગવડો, પૈસા, મીડિયા એટેન્શન કે પછી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પરે છે. મિતાલી રાજ, સાનિયા મિર્ઝા, સાઈના નેહવાલ, જ્વાળા ગુટ્ટા, મીરાંબાઈ ચાનું, મનુ ભાકર કે પછી એવી કોઈ પણ ખેલાડી કે જે એક સમયે અંડરડોગ હોય પણ પોતાના પ્રતિભાશાળી પરફોર્મન્સને કારણે ધ્યાન ખેંચે છે અને પછી નવા ઇતિહાસ સર્જે છે. એમાનું એક નામ છે મેરી કોમ. બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતવાની સાથે જ દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલા બોક્સર તરીકે નિર્વિવાદપણે સન્માનિત થનારી મેરી કોમ જેવું સાહસ, અનુશાસન અને નિષ્ઠા ભાગ્યે જ અન્ય કોઈ ખેલાડી પાસે હશે. 

‘હું થાકી નથી. મારું લક્ષ્ય હવે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે.’ આ શબ્દો રેકોર્ડ 6 વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનાર મેરી કોમના છે. મેરી કોમે ગયા અઠવાડિયે યુક્રેનની હેના ઓખાતાને નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે 48 કિલોગ્રામ કેટેગરીમાં યૂનાનિમસ નિર્ણયના નિયમ મુજબ હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. 3 બાળકોની માતા એવી મેરી કોમે છેલ્લે 2010માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં એણે પોતાની પર પરફોર્મ કરવાનું ભરપૂર પ્રેશર તેમજ વેઇટ કેટેગરી બદલાઈ હોવાથી રેજિમ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવાનું પણ પ્રેશર હોવાનું સ્વીકાર્યું હતું.

તે એક માત્ર ભારતીય મહિલા બોક્સર છે કે જે 2012ઓલિમ્પિક્સમાં ફ્લાયવેઇટ કેટેગરીમાં ક્વોલિફાય થઇ હતી અને કાંસ્ય પદક જીત્યો હતો અને ત્યારબાદ ઇંચિયોન એશિયન ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા બોક્સર બની હતી.
ચેમ્પિયન બન્યા બાદ મેરી કોમ 2006માં દિલ્હી ઇવેન્ટને યાદ કરતા કહે છે, ‘દુનિયાભરના દેશોમાંથી મહિલા બોક્સર્સ ખૂબ ઓછાં આવતાં હતાં, મહિલા બોક્સિંગનો ઓલિમ્પિકમાં સમાવેશ પણ નહોતો થયો. અત્યારે અમારી ટીમે 1 ગોલ્ડ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે એ અમારી મહેનતનું ફળ છે.’ મેરી કોમની જીત અભૂતપૂર્વ છે અને ભારતીય સ્પોર્ટ્સ ઇતિહાસમાં આ જીતને કારણે એક નવો અધ્યાય શરૂ થયો છે.

No comments:

Post a Comment