Saturday, 29 December 2018

એકલા એકલા એન્ટાર્કટિકા પસાર કરવાનું સાહસ પાર પડશે?

સાહસ તો બધાએ કર્યા છે. કોઈકે એવરેસ્ટ સર કરવાનો વિક્રમ પોતાના નામે લખ્યો, તો કોઇકે અવકાશમાં જવાનો. હવે આવનારા સમયમાં એવું જ અનોખું સાહસ પોતાના નામે કરવા માટે અમેરિકન સાહસિક સજ્જ થઈ રહ્યો છે. એ અમેરિકન એટલે ૩૩ વર્ષીય કોલિન ઓ’બ્રાડી અને તેનું સાહસ એટલે એકલા એકલા એન્ટાર્કટિકા ખંડ ખૂંદી વળવું. આ પહેલાં પણ એન્ટાર્કટિકા એકલા એકલા ક્રોસ કરવાના સાહસ થઈ ચૂક્યા છે. પરંતુ સફ્ળ થયા નથી.

કોલિન નાનકડા વિમાન દ્વારા એન્ટાર્કટિકાના માઉન્ટ મરખામ ખાતે ઉતરશે અને ત્યાંથી એન્ટાર્કટિકાને પસાર કરવા માટે દડમજલ શરૂ કરશે અને એ સાહસ ૭૦ દિવસમાં પૂરું કરવા માટે તેણે નિર્ધાર કર્યો છે. ૭૦ દિવસમાં તે ૧૬૦૦ કિલોમીટરનું અંતર કાપશે. મતલબ કે દરરોજ ૨૩ કિલોમીટર તે કાપશે. 

ચારેબાજુ બરફ છવાયેલો હોય અને તાપમાન સતત શૂન્યની નીચે એટલે કે – ૨૮.૨ સેલ્સિયસ રહેતું હોય ત્યારે સમજી લો કે ચાલવાનું તો ઠીક ત્યાં ટકી જવાનું પણ કેટલું મુશ્કેલ બની રહે. કદાચ, તેથી જ એ સાહસ કોઈએ આજ સુધી પાર પાડયું નથી. કોલિન ભલે એકવીસમી સદીમાં એ સાહસ પાર પાડવા થનગની રહ્યો હોય, તેણે ઝીંક તો વિષમ હવામાન સાથે જ ઝીલવાની છે.


હા, તેનો અતો-પતો રહે એ માટે તેની પાસે ઇમરજન્સીમાં સંપર્ક કરવા માટે સેટેલાઇટ ફેન રહેશે, જીપીએસ ટ્રેકર, કેમેરા અને સોલર ચાર્જર જેવી નવીનતમ ટેકલોનોજી તેને સાથ આપશે. પરંતુ સુવા માટે તો સ્લિપિંગ બેગ જ હશે. હા, હાડ ગાળી દે એવી ઠંડી સામે ટકી જવા માટે ટેન્ટ તેને સુરક્ષા આપશે. વળી, તેણે આ તમામ સાધનો સાથે પોતાને ટકાવી રાખે એટલો આહાર પણ સાથે રાખવાનો છે. એ બધું મળીને તેણે ૧૮૦ કિલોગ્રામ વજન પણ વેંઢારવાનું રહેશે.

હા, તેણે ૭૦ દિવસના પ્રવાસ માટે શરીરને ટકાવવાની પણ મહત્ત્વની કામગીરી કરવાની રહેશે. ઠંડી સામે રક્ષણ મળે એવી સામગ્રી તો તેની પાસે રહેશે જ, એ ઉપરાંત શરીર પણ શીતાગારમાં ચાલવું જોઈએ, એ માટે તેને દરરોજ ૮૦૦૦ કેલરી ઊર્જા મળે એવી જોગવાઈ કરવી પડશે. એમ તો એટલી ઊર્જા મેળવવા માટે તો ખાઉધરાની જેમ ખાવું પડે. જો એટલું ખા ખા કરવું પડે તો તો સાથે અધધ વજન લઈ જવું પડે, તેથી જ ઓછા વજને વધુ ઊર્જા મળી રહે એવો આહાર તેણે સાથે લીધો છે. આહારનું વજન જ લગભગ ૯૫ કિલોગ્રામ થઈ જાય છે. આહારમાં એનર્જી બાર સાથે રાખશે. આ એક બાર ખાવાથી તેને ૧૨૫૦ કેલરી ઊર્જા આપશે. વળી સાથે બીજા આહાર તરીકે અવકાશયાત્રીઓ લઈ જાય એવા ડબ્બાપેક આહાર પણ લઈ જશે. ઓછા આહારે પણ વધુ શક્તિ મળે એવો એ આહાર હશે, સાથે જ એ પકાવવાની ઝંઝટ પણ નહીં. જો કે જેમ જેમ દિવસો વીતતા જશે, તેમ તેમ ૯૫ કિલો આહારમાંથી ઘટતો જશે એમ એમ કોલિને ઓછું વજન ખેંચવું પડશે, જે તેને માટે લાભકારી પણ બનતું રહશે.

માઉન્ટ મરખમ ખાતેથી કોલિન તેનું સાહસ શરૂ કરશે અને ત્યાંથી તે દક્ષિણ ધ્રુવ તરફ પ્રવાસ શરૂ કરશે અને ત્યાંથી તે પશ્ચિમ એન્ટાર્કટિકા ર્બિફ્લા પોપડા તરફ જશે. કોલન ઉપરાંત એક બ્રિટીશ સૈનિક કેપ્ટન લુઇસ રબડ પણ આવું જ સાહસ હાથ ધરી રહ્યો છે. તે ૨૦૧૬માં આવું નિષ્ફ્ળ સાહસ કરનારા મિત્ર લેફ્ટેનન્ટ કર્નલ હેન્રી વોર્સલેની યાદમાં મિશન હાથ ધરી રહ્યો છે.

No comments:

Post a Comment