Thursday, 20 December 2018

અલબેલાના હીરોની અલબેલી જિંદગી

સાત દાયકા પહેલાં ૧૯૫૧માં આવેલી અલબેલા ફિલ્મે એવી જબરજસ્ત સફળતા મેળવી હતી કે જે ત્યાર પછી આવેલી મોગલ-એ-આઝમ વખતે બધા યાદ કરતા હતા. આ ફિલ્મના હીરોનું નામ છે, ભગવાન દાદા અથવા માસ્ટર ભગવાન! આ કલાકારે એના જીવનમાં ઓછામાં ઓછી ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ એની ઓળખાણ એકમાત્ર અલબેલાથી જ થાય છે. કારણ સાવ સાદું છે. આ એક જ ફિલ્મ જબરજસ્ત સફળ થઈ હતી. એ વખતે સિનેજગતમાં સૌથી મોંઘી કારમાસ્ટર ભગવાન પાસે હતી અને સૌથી મોંઘી શરાબ પણ માસ્ટર ભગવાન પાસે જ રહેતી.

માસ્ટર ભગવાનનો જન્મ ૧૯૧૩માં ભગવાન આભાજી પાલવ તરીકે મુંબઈમાં થયો હતો. પિતા મિલમાં મજૂર તરીકે કામ કરતા હતા. માસ્ટર ભગવાનને બોડી બિલ્ડિંગનો ચસકો હતો. અલમસ્ત શરીર હોવાથી ભગવાનને સ્ટન્ટ ફિલ્મોમાં હીરોની ભૂમિકાઓ ઓફર થવા લાગી. એ જમાનામાં ડુપ્લિકેટ વાપરવાનું ચલણ નહોતું શરૂ થયું. ફિલ્મો મૂંગી(સાયલન્ટ) હતી. અસલી કલાકારો જ અસલી સ્ટન્ટ કરતા હતા. 

ભગવાનને ચન્દ્ર રાવ કદમે પોતાની એક ફિલ્મમાં કામ કરવા કહ્યું. ભગવાને એક ફિલ્મ કરી અને પછી તો આ જોડી જામી ગઈ. સારા એવા પૈસા કમાવા લાગી. ફિલ્મના દિગ્દર્શક રહેતા જી. પી. પવાર. ભગવાને એમની પાસે દિગ્દર્શન શીખીને ૧૯૩૮માં પહેલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. એ પછી ૧૯૪૨માં ભગવાને જાગૃતિ પિક્ચર્સ અને પછી ભગવાન આર્ટ પ્રોડક્શન નામની કંપનીઓ સ્થાપી. 

બંને ભેગી કરીને ચેમ્બુરમાં ૧૯૪૭માં જાગૃતિ સ્ટુડિયો બનાવવામાં આવ્યો. માસ્ટર ભગવાન એના માલિક હતા. માસ્ટર ભગવાનની કોઈ ફિલ્મ સુપરહિટ નહોતી થઈ, પરંતુ સારા એવા પૈસા કમાઈ લેતી હતી. સામાન્ય લોકોને સ્ટન્ટ ફિલ્મો ગમતી હતી. એ પછી ૧૯૫૧માં માસ્ટર ભગવાને અલબેલા ફિલ્મ બનાવી. એમાં પણ એનું પાત્ર સામાન્ય માણસનું જ હતું. 

ફિલ્મ એવી સુપરહિટ થઈ કે સિનેજગતમાં ભગવાન દાદાનું નામ થઈ ગયું. એ પછી માસ્ટર ભગવાનની લાઈફસ્ટાઈલ વૈભવી થઈ ગઈ, પરંતુ બીજી કોઈ ફિલ્મે અલબેલા જેવો ચમત્કાર ન કર્યો. પરિણામે માસ્ટર ભગવાન આર્થિક રીતે ધોવાઈ ગયા.

૧૯૭૦ પછી તો માસ્ટર ભગવાન રીતસર ગરીબી રેખાની નીચે આવી ગયા અને ફિલ્મોમાં નાના-મોટા જે રોલ મળે એ કરીને પેટ ભરવા લાગ્યા. આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. ચેમ્બુરમાં વૈભવી સ્ટુડિયો અને ઘર ધરાવનાર આ ફિલ્મસર્જકે ચાલી અને ઝૂંપડપટ્ટીમાં રહેવાના દિવસો આવી ગયા. આખરે ૪ ફેબ્રુઆરી ૨૦૦૨માં ગરીબીમાં જ માસ્ટર ભગવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.

No comments:

Post a Comment