Tuesday, 25 December 2018

અલીબાબાના સંસ્થાપક "જેક મા"

જેક માની ગણતરી આજે વિશ્વના સૌથી સફળ અને ધનવાન લોકોમાં થાય છે, પરંતુ આ સફળ માણસ જિંદગીમાં અનેક વખત નિષ્ફળતાનો સામનો કરી ચૂક્યા છે. શાળાના પ્રારંભિક કાળમાં જ સતત નિષ્ફળતા, ત્યાર બાદ યુનિ.ની પ્રવેશ પરીક્ષામાં પણ સતત ૩ વખત નાપાસ, ત્યાર બાદ અંગ્રેજીના ઉચ્ચ અભ્યાસ માટે હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તેઓની અરજીને ૧૦ વખત નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ તેઓએ અન્ય એક યુનિ.માં પ્રવેશ મેળવી અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી.


જેક માની વાર્તા કોઈ ફિલ્મી કથાનકથી ઊતરતી નથી. ચીનના એક ગરીબ પરિવારમાં જન્મેલા પિતા પરિવારનું પાલનપોષણ કરવા માટે નાટક અને વાર્તા સંભળાવવાનું કામ કરતા હતા. તો એક વાત એવી પણ થાય છે કે, તેમના પરિવારની હાલત એટલી કથળેલી હતી કે માત્ર ૩૦ ડૉલરમાં આખો મહિનો ચલાવવો પડતો હતો.

જેક મા વિશે કહેવાય છે કે, તેઓ ભણવામાં ખૂબ જ નબળા હતો. તેઓ પાંચમાં ધોરણમાં બે વાર અને આઠમા ધોરણમાં ત્રણ વાર નાપાસ થયા હતા. તેઓને અંગ્રેજી પ્રત્યે ગજબનો લગાવ હતો. તેમના પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ક્યારેય સારી શાળામાં જઈ શક્યા નહીં. પરંતુ તેઓએ અંગ્રેજી શીખવાની એક સુંદર રીત શોધી કાઢી અને ચીનમાં આવતા વિદેશી ટૂરિસ્ટ (પ્રવાસી)ઓને પોતાનું શહેર મફતમાં બતાવતો અને વધુમાં વધુ સમય વિદેશીઓ સાથે ગાળતા અને તેમની ભાષામાં વાત કરવાની કોશિશ કરતા. થોડાક જ સમયમાં તે વિદેશી પ્રવાસીઓના માનીતા બની ગયા.

કહેવાય છે કે જેકનું અસલી નામ મા યૂર હતું, પરંતુ વિદેશીઓને આ નામ બોલવામાં અગવડ પડતી હતી માટે કોઈ વિદેશીએ તેનું નામ જેક રાખી દીધું. આમ મા-યૂન જેક મા બન્યા.

અભ્યાસ બાદ સમય હતો કારકિર્દીનો તો કૉલેજ બાદ અનેક નાની મોટી કંપનીઓમાં નોકરી કરી, પરંતુ ક્યાંય સફળતા ન મળી. પોલીસમાં જોડાવાનું નક્કી કર્યું. પરંતુ પ્રથમ ટ્રાયલે જ તેઓ બહાર નીકળી ગયા. તેવામાં તેમના શહેરમાં જાણીતી કંપની ઉંચી નોકરી માટે યુવકોને શોધતી આવી. તેઓએ ઉત્સાહભેર દાવેદારી નોંધાવી, પરંતુ ૨૪ જણામાંથી ૨૩ જણા પસંદ થઈ ગયા અને માત્ર એક વ્યક્તિને નાપસંદ કરવામાં આવ્યો હતો અને તે નાપસંદ થયેલ વ્યક્તિ જેક મા હતા.

ત્યારબાદ જેમ તેમ કરી ચીનની હંઝાઓ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. ત્યાં પણ તેમનું મન ન લાગતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની એક કંપનીમાં જોડાયા અને માત્ર બે જ વર્ષ નોકરી કરી ત્યાંથી પણ રાજીનામું આપી દીધું.

આટઆટલી નિષ્ફળતા બાદ કોઈ અન્ય હોય તો કદાચ જિંદગીથી નાસીપાસ થઈ જાય, પરંતુ જેક મા કાંઈક જુદી જ માટીના બનેલા હતા. દોસ્તોની મદદથી તેઓ અમેરિકા પહોંચ્યા જ્યાં તેમણે સૌપ્રથમ વખત ઇન્ટરનેટ વિશે સાંભળ્યું. ઇન્ટરનેટનો ક ખ ગ પણ ન જાણતા તેઓએ તેના પર સૌપ્રથમ બીઅરશબ્દ સર્ચ કર્યો અને એટલાં બધાં પેજીસ ખૂલ્યા કે તેઓના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. પરંતુ આમાં ચીનને લગતું કોઈ પેજ ન હતું. તેઓએ ઉત્સુકતાવશ ચાઈનીઝમાં હોમ પેજ તૈયાર કર્યું અને ચાઈના પેજસ નામની ઇન્ટરનેટ કંપની બનાવી. 


પરંતુ આ કંપની નિષ્ફળ જતાં ફરી વાર તેઓને નોકરી કરવી પડી. થોડા સમયમાં તે નોકરી પણ છૂટી ગઈ અને પોતાના વતન ચીનના હૈગઝમાં ચાલ્યા ગયા અને ત્યાં કેટલાક મિત્રો સાથે એક ઇ-કોમર્સ કંપની શરૂ કરવાની વાત કરી, પરંતુ મોટાભાગના મિત્રોએ અસફળતાના ડરથી તેને નકારી દીધી, પરંતુ તેમના કેટલાક ખાસ મિત્રોની મદદથી ઉછીના ૬૩ હજાર ડૉલર લઈ અલીબાબાકંપનીની શરૂઆત કરી.

આજે અલીબાબાવિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાં એક છે જેની વેલ્યુ ૩૦ લાખ કરોડ રૂપિયાની છે. આ રકમ આપણા દેશના કુલ જીડીપીના લગભગ ૧૮ ટકા જેટલી થાય છે. જેક મા વિશ્ર્વના ૨૦મા સૌથી અમીર વ્યક્તિ છે અને ચીનના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓની કુલ સંપત્તિ ૨.૫૪ લાખ કરોડ રૂપિયા છે અને આ સામ્રાજ્ય તેઓએ માત્ર ૧૯ વર્ષમાં જ ઊભું કર્યું છે.

No comments:

Post a Comment