Wednesday, 12 December 2018

ગુજરાતની હસ્તકલાઓ

ગુજરાતીઓની ઓળખ તેમનો સમૃદ્ધ વારસો અને કલા પરંપરા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ હસ્તકલાઓ પાંગરી અને સમૃદ્ધ બની છે. ગુજરાતમાં કલા અને હસ્તકલાનો વૈવિધ્યપૂર્ણ વારસો સચવાયેલો છે. વિવિધ પ્રકારના સ્વરૂપોમાં આ કલાએ વિશ્વભરમાં ગુજરાતનું નામ વિખ્યાત કર્યું છે. આવો જાણીએ કેટલીક જાણીતી અને ઓછી જાણીતી ગુજરાતની હસ્તકલા...


ભરતકામ - Needlework : 


ગુજરાતનું ભરતકામ અનેક પ્રકારના ભરત અને ટાંકાથી સમૃદ્ધ છે. તેની ઝીંણવટ પૂર્વકની કારીગરી અને સ્વચ્છ કામ જગવિખ્યાત છે.

આ માટે કચ્છી ભરત સોથી વધારે જાણીતું છે.

ગુજરાતમાં ભરતકામ મોટા ભાગે રબારીઓ, વણઝારા અને ખેડૂત સમુદાયની સ્ત્રીઓ કરે છે.

અગાઉ તેમની જાતિની ઓળખ ગણાતું ભરતકામ આજે તેમના માટે રોજગારીનું બીજું સાધન છે.

આ ભરતમાં આરી ભરત, આભલાં કામ, તોરણ બનાવવા, ચાકરા વગેરે તૈયાર કરવામાં વિવિધ પ્રકારના ભરતકામનો ઉપયોગ કરવામાં આવે છે.

બાંધીણી કલા - Tie and dye - Bandhani : 


ગુજરાતમાં બંધાયેલી અને રંગાયેલી બાંધણીઓ વિશ્વભરમાં ખૂબ માંગ ધરાવે છે. આ બાંધણી તેની જટિલ ડિઝાઇન અને પેટર્નને કારણે જાણીતી છે.

ગુજરાતી પરંપરામાં ઘરચોળામાં બાંધણીનો ઉપયોગ થાય છે. તેમાં ઝરી કામના ઉપયોગને બંધેજ તરીકે ઓળખવામાં આવે છે.

તેમાં એક અન્ય પ્રકાર જામધની છે. જામનગર, માંડવી અને ભુજની બાંધણી ખૂબ પ્રખ્યાત છે.


મોતી કામ - Bead work :
ગુજરાતના ખંભાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રકારના મોતીનું કામ ઘરની સજાવટ માટેની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

બે કે ત્રણ રંગના મણકાને વિવિધ પ્રકારે ગોઠવી અનોખી ડિઝાઇન (ભાત) તૈયાર કરવામાં આવે છે.

ગુજરાતમાં કાઠી આદિવાસીઓનું મોતીકામ ખૂબ વખણાય છે. તેમનું કામ મોટા ભાગે સફેદ કપડા પર કરવામાં આવ્યું હોય છે.

પટોળા - Patola : 


ગુજરાતના પટોળા જગવિખ્યાત છે. તેમાં પણ પાટણના પટોળા તેની ખાસ ભાત (ડિઝાઇન) માટે જાણીતા છે.

પાટણના પટોળા માટે કહેવામાં આવે છે કે તે ફાટે પણ ફિટે નહીં તેવા હોય છે.

આ પટોળામાં ભૌગોલિક આકારોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.

ત્યાર બાદ સિલ્ક અને સોનાના તારનો ઉપયોગ કરી હાથ વણાટ દ્વારા આ ભાત તૈયાર કરવામાં આવે છે.

હાથ વણાટની ખાસ ટેકનિકને કારણ કાપડમાં બંને તરફ સરખી ડિઝાઇન અને રંગ જોવા મળે છે.

આભૂષણો - Jewellery : 


ગુજરાતમાં વિવિધ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરીને આભૂષણો બનાવવામાં આવે છે. આ ગુજરાતની પારંપરિક હસ્તકલા છે.

દરેક વિસ્તારની ઓળખ તેમના આભૂષણો પરથી કરવામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાતમાં સોના, ચાંદી, લોખંડ અને પિત્તળનો ઉપયોગ કરીને પણ આભૂષણો બનાવવામાં આવે છે.

રાચરચીલું - Furnishing : 


ગુજરાતમાં વિવિધ પ્રકારનું રાચરચીલું તૈયાર કરવામાં આવે છે. તેમાં ભરતકામ વાળા ગાદી - તકિયા કવરથી લઇને આભલાં કામ કરેલી વસ્તુઓ મળે છે.

ચાદર, તકિયા કવર, ઢોલિયા કવર, ટેબલ મેટ્સ વગેરે તૈયાર કરવા માટે ભૌતિક આકારો, પ્રાણીઓના ચિહ્નો, પેચ વર્ક, કલમકારી, બ્લોક પ્રિન્ટ વગેરેનો ઉપયોગ થાય છે.

કુંભારકામ - Pottery : 


ગુજરાતમાં કુંભારકામ માત્ર માટીના વાસણો પૂરતું મર્યાદિત નથી. ગુજરાતનું માટીકામ પ્રાચીન પરંપરાને જાળવીને આગળ વધ્યું છે.

આ માટીકામમાં ટેરાકોટાના રમકડાં, ટેરાકોટાના પૂતળાં, આદિવાસીઓના ગોરા દેવની મૂર્તિઓ, માટી કામથી દિવાલો સજાવવી વગેરેનો સમાવેશ થાય છે.

કાષ્ઠકળા - Wood work : 


ગુજરાતમાં વડોદરા પાસે આવેલા સંખેડા લાકડાંનું ફર્નિચર ખૂબ પ્રખ્યાત છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં લાકડામાંથી બનાવવામાં આવતી વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓની મણ મોટી માંગ છે.

સંખેડાના લાકડાકામની જેમ રાજકોટનું લાડકામાં મીનાકારી કામ પણ ખૂબ જાણીનું છે. આ ઉપરાંત ઘરના મોભ, થાંભલા વગેરેની કોતરણી પણ ખૂબ વખણાયેલી છે.

રોગન કળા - Rogan work : 


ગુજરાતની અન્ય હસ્ત કલાની જેમ ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોગન કલા ખૂબ વિશિષ્ટ અને અનોખી છે.

ખાસ પ્રકારની સામગ્રીમાંથી તૈયાર થયેલા વિવિધ કુદરતી રંગોના ઉપયોગ કરીને તૈયાર કરેલા રોગનને હાથમાં લાકડાની પાતળી સળીથી પકડીને કપડાં પર પાડવામાં આવતી ભાતને રોગન કલા કહે છે.

આ કલા ખૂબ ધીરજ માંગી લે છે.

ઝરી કામ - Zari work : 


ગુજરાતમાં મોગલકાળથી ઝરી કામ પ્રખ્યાત છે. 

ગુજરાતમાં ખાસ કરીને સુરતનું ઝરી કામ વખણાય છે.

આ ઝરી સોના અને ચાંદીમાંથી તૈયાર થાય છે. તેમાંથી જે ભરતકામ કરવામાં આવે છે તેના વિવિધ પ્રકારો ચલક, સલમા, કાંગરી, ટિકિ, કટોરી વગેરે નામથી ઓળખવામાં આવે છે.

No comments:

Post a Comment