Friday, 30 November 2018

જૈન શૈલી : ભારતીય ચિત્રશૈલીનો એક પ્રકાર


જૈન શૈલી પશ્ચિમી ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને માળવામાં ઈ.સ. ૧૨મી સદીના આરંભમાં અસ્તિત્વમાં આવી હતી. એ સમયે આ પ્રદેશોમાં મુખ્યત્વે જૈન ધર્મનો પ્રભાવ હતો. આ ચિત્રો તાડપત્રો અને કાગળની હસ્તપ્રતો કે પોથીઓ પર આલેખાયેલાં લઘુચિત્રો મુખ્યત્વે જૈન ધર્મ પર આધારિત હોવાથી જૈન શૈલીનાં નામે ઓળખાયા. 
 
આ શૈલીનાં ચિત્રો પોથીનાં કાગળ ઉપર લખાણ સિવાયની નક્કી કરેલી જગ્યામાં જ કરવામાં આવતા હોઈ ચિત્રકારને મુક્ત અભિવ્યક્તિનો બિલકુલ અવકાશ નથી. પાત્રોમાં અક્કડપણું, એક વિધતા, ટૂંકાં પાત્રો, ગરૂડની ચાંચની જેમ ગાલથી પણ વધારે આગળ નીકળેલું અણીવાળું નાક, મોટી અને લાંબી આંખ, આગળ નીકળેલી છાતી, પાતળું પેટ, અણીદાર આંગળીઓ અને આસન પર ટટ્ટાર રીતે લીધેલી બેઠક આ શૈલીનાં પાત્રોની લાક્ષણિકતાઓ છે. તેમાં મુખ્યત્વે લાલ, ભૂરો, લીલો, સોનેરી તથા પીળો રંગોનો ઉપયોગ થાય છે.
 
આ શૈલીનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં આગવું સ્થાન પામ્યા છે. ગુજરાતમાં આ શૈલીનાં વિશેષ નમૂના પ્રાપ્ત થયા હોવાથી તેને ''ગુજરાત શૈલી'' તરીકે પણ ઓળખવામાં આવે છે. 

૧૨મી સદીના આરંભથી અને ૧૬મી સદીના અંત સુધી આ શૈલી ટકી રહી. જૈન હસ્તપ્રતોમાં લહિયાઓએ જે લખાણની લઢણ ઉભી કરી તેને કેલિગ્રાફી ક્વોલિટી કહેવાય છે અને જે રેખા વાપરી છે તે બહુ જ ધારદાર હોય છે. જૈન ધર્મના ઉપાશ્રયોમાં આ સર્જન થયું અને સાધુઓનું તેમાં માર્ગદર્શન રહેલું છે. સોનાની વરખ ચોટાડીને તે પર પણ ચિત્રાંકન થયું અને વરખને ઓગાળી તેની શાહીથી પણ લખાણ થયું છે.

Monday, 26 November 2018

દૂધ ક્રાંતિના જનક વર્ગીય કુરિયન

કહેવાય છે એક સમયે ભારતમાં દૂધ-દહીની નદી વહેતી હતી, પરંતુ આધુનિક યુગમાં બાળકોને શુદ્ધ દૂધ મળવું કઠિન છે. આ સમસ્યાને પડકાર સ્વરૂપે સ્વીકારનાર શ્રીવર્ગીજ કુરિયનનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૨૧ના કેરળમાં થયો હતો. મેકેનિક ઇન્જિનીયરનો અભ્યાસ પૂર્ણ કરી તે લશ્કરમાં ભરતી કરવા માંગતા હતા પરંતુ માતાની અનુમતિ ન મળતા જમશેદપુર જઈ ટાટા ઉદ્યોગમાં કામ કરવા લાગ્યા. 
 

૧૯૪૪માં સરકારી શિષ્યવૃતિ મેળવી અમેરિકાની મિશિગન વિ.વિ.માં મીકેનીકલ અને ડેરી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરી ૧૯૪૯માં ગુજરાતની આણંદ ડેરીમાં નોકરી કરવા લાગ્યા. બાકી વધતા સમયમાં તેઓ ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ’ની કાર્યશાળામાં જતા. શ્રીકુરિયનના સુજાવથી ત્યાંની પરિસ્થિતિ સુધરવા લાગી. 

તેમના પ્રયાસોથી સમિતિના ચુનાવો સમય ઉપર થવા લાગ્યા. તેમના કાર્યથી લોકો ખુબ પ્રભાવિત થયા. તેમણે ગાય, ભેંસ ખરીદવા માટે સહાયતા કરી અને તેમના દુધની ઉત્પાદકતા વધવાની સાથે તેમની શુદ્ધતા પણ સારી રહે તેવા પ્રયાસો કર્યા. થોડા સમયમાં તેમની સફળતાની ચર્ચા આખાં દેશમાં થવા લાગી.

૧૯૬૫માં પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ આ કાર્ય આખા ભારતમાં કરવા કહ્યું. ત્યારે તેઓ ‘ડેરીનું મુખ્યાલય આણંદમાં જ રહે અને કોઈ સરકારી અધિકારી તેમના કાર્યમાં દખલ ન કરે’ તે શર્તે તેઓ કામ કરવા રાજી થયા. આમ આખા ભારતમાં કામનો પ્રારંભ થયો. તેમની કાર્યશૈલીના પરિણામ તરત જ દેખાવા લાગ્યા. તેમણે પહેલીવાર ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની વિધિ વિકસિત કરી. 


તેમના પ્રયાસોથી ભારતના લાખો દૂધ ઉત્પાદકોની આર્થિક તથા સામાજિક સ્થિતિમાં સુધારો થયો. તેમની ઉપ્લબ્ધિઓને કારણે તેમણે કેટલાય સમ્માન મળ્યા. ભારતની દૂધ ક્રાંતિના જનક શ્રીકુરિયનનું ૯૦ વર્ષની ઉંમરે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અવસાન થયું.

માર્ક ટ્વેઇન

એક લેખકે પાડોશીના ઘેર જઈને તેની પાસે રહેલા સારા પુસ્તકો વાંચવા માગ્યા. પાડોશીએ કહ્યું, હું કોઈને ઉછીનું આપતો નથી. તમારે વાંચવા જ હોય તો અહીં બેસીને વાંચી શકો છો. બીજા જ મહિને પેલો પાડોશી લેખકના ઘરે ઘાસ કાપવાનું મશીન લેવા ગયો. લેખકે કહ્યું, હું ઉછીનું આપતો નથી. ઘાસ કાપવું જ હોય તો મારા બગીચામાં બેસીને તમે કાપી શકો છો!.. આ કોમિક કરનારા અને ચિક્કાર હ્યુમર-સટાયર સર્જનારા લેખકનું નામ સેમ્યુઅલ લેન્ગહોર્ન ક્લેમેન્સ. જેમને આપણે માર્ક ટ્વેઇનના નામે ઓળખીએ છીએ. 


માર્કનો જન્મ ૧૮૩૫માં ફ્લોરિડા, મિસુરીમાં થયો હતા. તેઓ હાસ્યલેખક ઉપરાંત પબ્લિશર, એન્ટરપ્રેન્યોર તથા લેકચરર પણ હતા.

તેમની પહેલી નોવેલ ૧૮૭૩માં 'ધ ગિલ્ડેડ એજ: ટેલ ઓફ ટુડે' હતી. તેમણે ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે. માર્કની નવલકથાઓના અદ્ભુત પ્રવાસ વર્ણનોથી તેમને આં.રા. ખ્યાતિ પ્રાપ્તિ થઇ. તેમના વન-લાઈનાર્સ આજે પણ રેલેવન્ટ છે. જે સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.

સેમ્યુઅલ ક્લેમેન્સે 'માર્ક ટ્વેઇન' તેમજ 'જોશ'-'થોમસ જેફર્સન સ્નોડગ્રાસ'ના નામે પણ લખ્યું છે. ૨૧ એપ્રિલ, ૧૯૧૦નાં રોજ તેમનું મૃત્યુ થયું હતું.

Thursday, 22 November 2018

સિંગાપોરનો આટલો ઝડપી વિકાસ કેવી રીતે થયો?

સિંગાપોર એક એવો દેશ છે જેમનું ક્ષેત્રફળ દિલ્લી કરતાં પણ નાનું છે. આ દેશ જયારે આઝાદ થયો ત્યારે તેમની પાસે ભાગ્યે જ કોઈ વસ્તુ હશે, જેનાથી તેઓ દેશને ગરીબીથી બહાર લાવી શકે. આ દેશ પાસે ન હતી ખેતીલાયક જમીન કે ન હતા ખનીજ સંશાધન અને લોકો ઝુંપડીઓમાં વસવાટ કરતા હતા.

પરંતુ આજે સિંગાપોરનાં લોકોનું સરેરાશ વેતન વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે. કન્સલ્ટિંગ ફર્મ જૂનિપર રિસર્ચ અનુસાર મોબેલિટી, સ્વાસ્થ્ય, સુરક્ષા અને ઉત્પાદકતામાં પણ આ દેશ દુનિયાના અન્ય દેશો કરતાં સૌથી આગળ છે. માત્ર એટલું જ નહીં, 'ધી ઈકોનોમિસ્ટ'નાં રેન્કિંગમાં પણ સિંગાપોર છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી મોંઘુ શહેર રહ્યું છે.


જાપાનના શાસન સમયે સિંગાપોરના લોકોએ તમામ પ્રકારનો ત્રાસ વેઠ્યો હતો. ચીની પરિવારની ત્રીજી પેઢીનાં એક પુત્ર લી કુઆન સિંગાપોરની અંગ્રેજી મિડીયમ ની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેમનો વ્યવહાર પણ અંગ્રેજો જેવો જ હતો. આથી લોકો તેમને હૈરી લી કહીને પણ બોલાવતા હતા.

૧૯૫૪માં લી કુઆને પીપલ્સ એક્શન પાર્ટીની સ્થાપના કરી અને ત્યારબાદ ૪૦ વર્ષ સુધી તેઓ આ પાર્ટીના મહાસચિવ રહ્યા. ૧૯૫૯ની ચુંટણીમાં પીએપીની બહુમતી મળી. આ રીતે સિંગાપોર સંપૂર્ણ રીતે અંગ્રેજોનાં રાજમાંથી નીકળીને સ્વશાસિત રાજ્ય બની ગયું. આ સિવાય ૧૯૬૩માં મલેશિયા સાથે તેમનું વિલીનીકરણ પણ કરવામાં આવ્યું પરંતુ આ ગઠબંધન લાંબા સમય સુધી ટકી શક્યું નહીં.

વર્ષો સુધી બ્રિટિશ રાજ, જાપાનનું શાસન અને મલેશિયાનાં અંકુશમાંથી આઝાદ થઈને સિંગાપોર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું હતું; પરંતુ આ દેશ પાસે કેવી કોઈ ચીજ નહોતી કે જે દેશનાં વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે. મોટાભાગનાં લોકો ઝૂપડપટ્ટીમાં રહેવા મજબૂર હતા અને દેશની લગભગ અડધી જનસંખ્યા નિરક્ષર હતી.


આ દેશનાં પૂર્વ વડાપ્રધાન લી કુઆન માનતા હતા કે ઇઝરાયેલની જેમ સિંગાપોર પણ ઝડપથી વિકાસ કરીને અન્ય દેશોને પાછળ છોડશે અને મલ્ટીનેશનલ કંપનીઓને આકર્ષિત કરશે. આ દેશની સરકારે વસ્તી નિયંત્રણ માટે બે કરતાં વધુ બાળકોને જન્મ આપતા લોકો પર કર લગાવવાનું શરુ કરી દીધું અને એટલું જ નહી, ભ્રષ્ટાચાર સામે પણ કડક કાયદા બનાવ્યા. આ સિવાય રસ્તા અને હાઈવે બનાવવા પર ભાર મુકાયો જેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાય.

સિંગાપોરની સ્થિતિ સુધરે એ બદલ તેમની ભૌગોલિક સ્થિતિનું પણ યોગદાન છે. આ દેશ એવી જગ્યાએ આવેલ છે, જ્યાં વિશ્વનો ૪૦ ટકા સમુદ્રી વેપાર સંકળાયેલો છે. પરિણામે આ દેશની સારી કમાણી થાય છે.

લી કુઆન સરકારે શરૂથી જ સિંગાપોરમાં રહેતી મિશ્ર વસ્તીને શિક્ષિત કરી અને માનવ સંશાધન પાછળ પણ નાણા ખર્ચ્યા હતા. હાલમાં સિંગાપોરની દુનિયાનો આર્થિક અડ્ડો ગણવામાં આવે છે કારણ કે સિંગાપોરની બેંક વિશ્વ સ્તરે સેવાઓ આપવા સક્ષમ છે.

Tuesday, 20 November 2018

અઢાઈ દિન કા ઝોપડા

 
અઢાઈ દિન કા ઝોપડા એક ઐતિહાસિક ઈમારત છે, જે રાજસ્થાનનાં અજમેર શહેરમાં સ્થિત છે. એવું મનાય છે કે આ ઐતિહાસિક ઈમારત ચૌહાણ સમ્રાટ બીસલદેવ એ સન ૧૧૫૩માં બનાવી હતી. તે મૂળ સંસ્કૃત વિદ્યાલય હતી; જેમને ૧૧૯૮માં શાહબુદ્દીન મુહમ્મદ ગોરી એ મસ્જિદનું સ્વરૂપ આપી દીધું હતું. કહેવાય છે કે આ મસ્જિદને બનાવવામાં ફક્ત ૨.૫ દિવસ જ લાગ્યો હતો, આ માટે તેમને ' અઢાઈ દિન કા ઝોપડા' પણ કહેવામાં આવે છે.

આ ઈમારતમાં સાત કમાનો બનેલા છે, જેમનાં પર કુરાનની આયાતો લખેલી છે. તે હિંદુ-મુસ્લિમ સ્થાપત્ય શિલ્પકળાનાં અદ્વિતીય ઉદાહરણ છે. અહીં દર વર્ષે ૨.૫ દિવસનો મેળો લાગે છે.

અહીં રહેતા લોકોનું માનવું છે કે અહીં દર વર્ષે ૨.૫ દિવસનો મેળો લાગે છે તેનાં કારણે તેમનું આ નામ પડ્યું છે. કારણ કે લોકોનું માનવું છે કે કોઈ કેવી રીતે આટલી જલ્દી આવડી વિશાળકાય ઈમારતનું નિર્માણ માત્ર આટલાં ઓછાં સમયમાં કરી શકે.

'હેરી પોટર' સિરીઝથી ખૂબ લોકપ્રિયતા મેળવનાર જે. કે. રોલિંગ

'હેરી પોટર' સિરીઝથી ખૂબ લોકપ્રિયતા મેળવનાર જે. કે. રોલિંગનું પૂરું નામ જોએન. કે. રોલિંગ છે. તેઓ જે. કે. રોલિંગ ઉપરાંત રોબર્ટ ગેલબ્રેઈથ નામે પણ પુસ્તકો લખ્યા છે.

રોલિંગને બાળપણથી જ કાલ્પનિક વાર્તા લખવાનો શોખ હતો. આ શોખ આગળ વધારવા તેઓ ખૂબ સંઘર્ષ કર્યો. પરિણામે તેઓ એક દિવસ બેરોજગારથી વિશ્વના પહેલા અબજોપતિ લેખિકા બની ગયા!!!વિશ્વવિખ્યાત ફિલ્મ અને તે જેના પરથી બની છે તે નવલકથા કઈ રીતે લખાઈ તેમની પાછળ એક રસપ્રદ કહાની છે. વર્ષ ૧૯૯૦માં માન્ચેસ્ટરથી લંડન જતી વખતે ટ્રેઈન ચાર કલાક મોદી પડી ત્યારે જે. કે. રોલિંગને પહેલી વાર હેરી પોટર લખવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં તેમણે તેમનાં વિચારો એક નેપકીન પર ટપકાવી દીધેલા હતા. આજે સર્વવિદિત છે કે, આ શ્રેણીએ વિશ્વના સૌથી ઝડપી વેચતા પુસ્તક તરીકે વિક્રમ સ્થાપ્યો છે.

એલિઝાબેથ ગોજની નવલકથા 'ધ લિટલ વ્હાઈટ હાઉસ' અને જેન ઓસ્ટિનની નવલકથા 'એમ્મા' જે. કે. રોલિંગનાં મનપસંદ પુસ્તકો પૈકી છે.

જે. કે. રોલિંગ એક સફળ લેખિકા હોવા ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર અને દાન કાર્ય કરનારા પણ છે. કાલ્પનિક નોવેલ ઉપરાંત તેઓ ક્રાઈમ, ટ્રેજિકોમેડી વગેરે અંગેનું લખાણ પણ લખ્યું છે. આ સિવાય તેઓ 'ધ કેઝ્યુઅલ વેકેન્સી', 'ફેન્ટાસ્ટિક બિસ્ટસ', 'ધ સિલ્કવોર્મ' વગેરે પુસ્તકો પણ લખ્યા છે.

Friday, 16 November 2018

Nexxt Cradit Card : Indusind Bank એ લોન્ચ કર્યો ભારતમાં બટનવાળો પહેલો ઈન્ટરએક્ટિવ ક્રેડિટ કાર્ડ

ઈન્ડસઈન્ડ બેંક એ હાલમાં જ ભારતનો પહેલો બટનવાળો ઈન્ટરએક્ટિવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો. આ કાર્ડનું નામ ઈન્ડસઈન્ડ બેંક નેક્સ્ટ ક્રેડિટ કાર્ડ રાખવામાં આવ્યું છે. તેમની સહાયતાથી ગ્રાહક પાસે ચુકવણી કરવા માટે વિભિન્ન વિકલ્પ હશે. આ કાર્ડનું નિર્માણ અમેરિકાના પિટ્સબર્ગમાં સ્થિત ડાયનામિક્સ કંપની દ્વારા કરવામાં આવ્યું છે, આ કંપની બેટરીથી ચાલવાવાળા ઈન્ટેલિજેન્ટ પેમેન્ટ કાર્ડ્સનું નિર્માણ કરે છે. 


આ ઈન્ટરએક્ટિવ કાર્ડની સહાયતાથી ગ્રાહકને પોઈન્ટ ઓફ સેલ પર ત્રણ પ્રકારે ચુકવણીનાં વિકલ્પ મળશે: ક્રેડિટ, ટ્રાન્જેક્શનને ચાર અવધિ (6, 12, 18 અને 24 માસ)ની EMIમાં કન્વર્ટ કરવા અથવા રિવોર્ડ પોઈન્ટ્સમાં ઉપયોગ કરવા, આ માટે ગ્રાહકને કાર્ડ પર કેવળ એક બટનને દબાવવાનું રહેશે.

આ ત્રણ વિકલ્પો માટે LED લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રાહકને ટ્રાન્જેક્શનને EMIમાં કન્વર્ટ કરવા માટે કોઈ કાગજી કાર્ય અથવા બેંકનો સંપર્ક કરવાની જરૂર નહી રહે.

Wednesday, 14 November 2018

ચીનનો અદભુત પ્રયોગ: સ્ટ્રીટ લાઈટ હટાવી કૃત્રિમ ચંદ્રથી દેશ અજવાળશે

૨૦૨૦ સુધીમાં કૃત્રિમ ચંદ્ર લોન્ચ કરવાની યોજના: શેંગડુમાં ૧૭ કરોડ ડોલર બચશે.

ચીન શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ્સ હટાવવા અને વીજ ખર્ચ ઘટાડવા માગે છે અને એ માટે તેણે પોતાનો નવો ચંદ્ર જ બનાવી લીધો છે, જેને તે ૨૦૨૦ સુધીમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ ‘કૃત્રિમ ચંદ્ર’ વાસ્તવમાં ચમકતા સેટેલાઈટ્સ છે.

ચાઈના ડેઈલીના અહેવાલ અનુસાર, અહીંના સિચુઆન પ્રાંતના ચેંગડુ શહેરમાં ‘ઈલ્યુમિનેશન સેટેલાઈટ્સ’ તૈયાર કરવામાં આવ્યા છે જે વાસ્તવિક ચંદ્ર જેવો જ પ્રકાશ આપશે. એટલું જ નહીં, આ કૃત્રિમ ચંદ્ર વાસ્તવિક ચંદ્ર કરતાં આઠ ગણો વધુ પ્રકાશ ફેંકશે.


સિચુઆનના શિચાંગ સેટેલાઈટ લોન્ચ સેન્ટર ખાતેથી પ્રથમ એવો માનવસર્જિત ‘ચંદ્ર’ લોન્ચ કરાશે. આ પ્રયાસ સફળ રહેશે તો તેના પછી ૨૦૨૨ સુધીમાં અન્ય ત્રણ ચંદ્ર લોન્ચ કરાશે એમ આ પ્રોજેક્ટ માટે જવાબદાર સંસ્થા તિયાન ફુ ન્યુ એરિયા સાયન્સ સોસાયટીના વડા વુ ચુનફેંગે જણાવ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, ‘આ કૃત્રિમ ચંદ્રને પ્રાયોગિક ધોરણે લોન્ચ કરાશે પણ તેના પછી વાસ્તવમાં આ સેટેલાઈટ્સ દ્વારા લોકો માટે તથા કમર્શિયલ તકો માટે વધુ લાભ આપી શકાશે.’

વાસ્તવમાં, ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી, તે માત્ર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે અને તેથી જ ચંદ્ર ચમકીને પ્રકાશ રેલાવતો નજરે પડતો હોય છે. ચીને આવા સેટેલાઈટ્સ બનાવ્યા છે જે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરશે. આ રીતે શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ્સને હટાવશે. જેના કારણે શેંગડુમાં વર્ષે થતા ૧૭ કરોડ ડોલરના ખર્ચને બચાવી શકાશે. આ સ્થિતિ ત્યારે શક્ય બનશે જો માનવસર્જિત ચંદ્ર દ્વારા ૫૦ સ્ક્વેર કિલોમીટર્સનો વિસ્તાર પ્રકાશિત થઈ શકશે.

તેમણે કહ્યું હતું, ‘આ રીતે મળનારા પ્રકાશથી કુદરતી આફતો વખતે બ્લેકઆઉટ જેવી સ્થિતિઓમાં બચાવ કામગીરીને આગળ ધપાવવા માટે મદદ મળી રહેશે.’ ચીન અવકાશના ક્ષેત્રે અમેરિકા અને રશિયા સાથે તગડી સ્પર્ધામાં ઉતર્યું છે. ચીનના અનેક મહત્ત્વાકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ્સ પાઈપલાઈન્સમાં છે જેમાં ચાંગ-૪ લ્યુનાર પ્રોબ પણ સામેલ છે, જેને આ વર્ષે લોન્ચ કરવાની ગણતરી છે.

જો આ પ્રોજેક્ટ સફળ થશે તો તે ચંદ્રની ડાર્ક સાઈડ પર સફર કરનાર પ્રથમ રોવર બનશે. જો કે આ રીતે કૃત્રિમ ચંદ્ર દ્વારા સૂર્યપ્રકાશને પૃથ્વી પર પરાવર્તિત કરનાર પ્રથમ દેશ નથી. ૧૯૯૦માં રશિયન વિજ્ઞાનીઓએ મહાકાય અરીસાઓનો ઉપયોગ કરીને અવકાશમાંથી પ્રકાશને પૃથ્વી પર ડાઈવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રોજેક્ટનું નામ ઝ્નામ્યા અથવા તો બેનર રાખવામાં આવ્યું હતું.

ચેંગડુના આ કૃત્રિમ ચંદ્રના પ્રોજેક્ટની ઘોષણા ૧૦ ઓક્ટોબરે ચેંગડુમાં આયોજિત ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેનોરશીપ કોન્ફરન્સમાં વુ દ્વારા કરાઈ હતી. ચેંગડુના ઈલ્યુમિનેશન સેટેલાઈટ્સ વિકસાવવામાં તિયાન ફુ ન્યુ એરિયા સાયન્સ સોસાયટી ઉપરાંત હાર્બિન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પ. સહિતની અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પણ સામેલ રહી છે.

જવાહરલાલ નેહરુનો જન્મદિવસ એટલે બાળદિન

દર વર્ષે ભારતમાં ૧૪ નવેમ્બરે બાળદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તારીખ એટલે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મતિથિ. તેમને અંજલિ તરીકે એમના જન્મદિવસને બાળદિન તરીકે મનાવવામાં આવે છે. 

 નેહરુ જી બાળકો પ્રત્યે પ્રેમ ખુબ જાણીતા છે અને બાળકો તેમને ચાચા નેહરુ અથવા તો ચાચાજી તરીકે બોલાવતા હતા. ૧૪ નવેમ્બરે બાળકોને ચોકલેટ તથા ભેટ આપીને ખુશ કરવામાં આવતા હતાં. શાળાઓ પણ ચર્ચાસત્ર, સંગીત તથા નૃત્યના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. અનાથ બાળકોને વસ્ત્રોમ રમકડાં તથા પુસ્તકો જેવી ભેટસોગાદ આપવાની દેશમાં સામાન્ય પ્રથા રહેલી છે. 


બાળદિનની ઉજવણી ૧૯૫૭ની સાલથી થતી આવે છે. ભારતમાં ૧૯૬૪ પહેલા દર ૨૦ નવેમ્બરે બાળદિન ઉજવવામાં આવતો હતો સંયુક્ત રાષ્ટ્રો દ્વારા દુનિયાભરમાં એ તારીખે બાળદિન ઉજવવામાં આવે છે. પરંતુ ૧૯૬૪માં નેહરુના નિધન બાદ એવું સર્વાનુમતે નક્કી કરાયું કે નેહરુને બાળકો પ્રત્યે જે વ્હાલ તેમજ પ્રેમ હતો એને ધ્યાનમાં લઈને દેશભરમાં નેહરુના જન્મદિવસને બાળદિન તરીકે ઉજવવો. બાળકો પ્રત્યેનાં પ્રેમનાં કારણે જ તેઓ લાલ ગુલાબ સાથે અમનના શાંતિદૂત કહેવાયા છે.

Saturday, 3 November 2018

લિઓ ટોલ્સટોય


૧૯મી સદીના સર્વાધિક સન્માનિત લેખકોમાંના એક એવા લિઓ ટોલ્સટોયનો જન્મ ૯ સપ્ટેમ્બર, ૧૮૨૮નાં રોજ રશિયાનાં એક સંપન્ન પરિવારમાં થયો હતો.

૧૮૫૫માં તેઓ રૂસી સેનામાં દાખલ થઈને ક્રીમિયાઈ યુદ્ધમાં ભાગ લીધો હતો. સેનામાં દાખલ થતા પહેલા જ તેમને લેખન પ્રત્યેનો રસ લાગી ચુક્યો હતો. તેઓની 'વોર એન્ડ પીસ' તેમજ 'એની કેરેનિન' નામની નવલકથાઓ સાહિત્યિક જગતમાં ક્લાસિકનો દરજ્જો ભોગવે છે. સ્વતંત્ર સેનાની જયંતિ દલાલે તેમની નવલકથા 'વોર એન્ડ પીસ' નો 'યુદ્ધ અને શાંતિનાં નામે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે.

ટોલ્સટોય પોતાના લખાણ દ્વારા તત્કાલીન રૂસી સમાજમાં સત્ય અને જ્ઞાનની જ્યોત ફેલાવી તથા જાગૃતિ લાવી હતી. આ માટે તેમનું નામ નામ રશિયન સાહિત્યકારોમાં ટોચ પર લેવામાં આવે છે.

ટોલ્સટોયની જો સંપૂર્ણ જિંદગી તપાસવામાં આવે તો તેઓ કિશોરાવસ્થામાં દારૂને લતે ચડ્યા અને ખૂબ જુગાર રમ્યા. ત્યારબાદ વફાદાર પ્રેમી રહ્યા અને છેલ્લે ગરીબો માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

તેઓની નવલકથા 'એની કેરેનિન' એ ગાંધીજીને પ્રભાવિત કર્યા હતા. ૨૦ નવેમ્બર, ૧૯૧૦નાં રોજ 82 વર્ષની વયે તેમનું નિધન થયું.

અમુલ દૂધ પીતા હૈ ઇન્ડિયા!!

"૧૯૪૬માં આણંદમાં ત્રિભુવનદાસ પટેલ દ્વારા સ્થપાયેલ અમુલ ડેરીને લોકપ્રિય બનાવવાનો શ્રેય ડો. કુરિયનને પ્રાપ્ત થાય છે. આજે માત્ર આણંદ જ નહીં પરંતુ સમગ્ર દેશની લોકપ્રિય બ્રાંડ તરીકે અમૂલે તેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. માત્ર એટલું જ નહીં વિશ્વનાં ૪૦ દેશોમાં આ બ્રાંડ ઉપલબ્ધ છે અને વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાંડ પણ અમુલ છે." 


આ બ્રાંડનું સંચાલન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અમૂલે શ્વેત ક્રાંતિ કરી છે, જેણે આજે ભારતને દુનિયાનો સૌથી મોટો દૂધ અને દૂધની ઉત્પાદનનો ઉત્પાદક દેશ બનાવ્યો છે. આ ક્રાંતિ ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી; જેમનાં પરિણામે ૧૯૪૬માં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના થઇ હતા.

આ સંસ્થા સહકારી રીતે દૂધ ઉત્પાદન કરતાં લાખો લોકોની માલિકીની છે. હાલમાં અમુલ વિવિધ પ્રકારની પેદાશો જેવી કે દૂધનો પાવડર, પનીર, દૂધ, ઘી અને દેશી મીઠાઈ વગેરેની નિકાસ કરે છે. વિશ્વનાં મુખ્ય બજારોમાં અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકા, ગલ્ફ, સાર્ક અને પાડોશી દેશો સિંગાપોર, ફિલિપિન્સ, થાઈલેન્ડ, જાપાન અને ચાઈનાનો સમાવેશ કરી શકાય. ઉત્પાદનોમાં દૂધ, દૂધનો પાવડર, ઘી, માખણ, મસ્તી, દહીં, છાશ, ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, શ્રીખંડ, પનીર, ગુલાબજાંબુ, લહેજતદાર દૂધ, બાસુંદી વગેરેનો સમાવેશ કરી શકાય.

૧૯૬૪માં તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીને કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આમંત્રિત કરવામાં આવેલા. યોજના અનુસાર તેઓને તે જ દિવસે પરત થવાનું હતું પરંતુ આ સહકારી મંડળીની સફળતા જાણવા ત્યાં જ રોકાયા અને આ મંડળીનું નિરીક્ષણ કર્યું અને તેની કામગીરીથી પ્રભાવિત થયા. અમુલ માત્ર ખેડૂતો પાસેથી ફક્ત દૂધ એકત્ર નહોતું કરતું પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ સુધારતું હતું.


અમુલની સફળતા પાછળ અમુલ ગર્લનું પણ બહુમુલ્ય પ્રદાન છે. અમુલના સતત બદલાતા રહેતા હોર્ડિગ્સનાં કારણે આજે અમુલ ગર્લ ઘરોઘરમાં જાણીતી થઇ ગઈ છે. ૧૯૬૬થી 'અટરલી બટરલી ગર્લ' આમજનતા સુધી પહોચી ગઈ છે. આઇકોનિક અમુલ ગર્લનું નામ દુનિયામાં સૌથી લાંબા સમયથી ચાલતા એડ કેમ્પેઈન માટે ગિનિશ બુકમાં નોંધાયું છે.

સ્માર્ટપેન : લખો તો યાદ રાખે અને બોલો તો રેકોર્ડ કરે!!!

વારંવાર નોટ્સ બનાવવી, કાચી નોટ્સને પાકી નોટ્સ બનાવવીનું કે તેનું પ્રેઝન્ટેશન કરવું; આવું બધું કામ મોટાભાગે મેનેજમેન્ટ, સેલ્સ કે ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકલાયેલા પ્રોફેશનલ્સ કે વિદ્યાર્થીઓના ભાગે આવે છે. આમ તો સ્માર્ટફોન અનેક રીતે કામ આવે છે, પરંતુ બધા જ લખાણનું કમ્પાઇલેશન અને વોઇસ રેકોર્ડર વચ્ચેનું બેલેન્સ બનાવવા માટે તમારે જાતે મથામણ કરવી પડે છે. આ બધી મુશ્કેલીનો સ્માર્ટ ઉકેલ સ્માર્ટપેન આપે છે. સિમ્પલ ટેક્નોલોજીનું કોમ્બિનેશન ઉપયોગ કરનારા માટે કેટલું સરળ અને હાથવગું બનાવે છે તેનું ઉદાહરણ આ પેન છે.
તમે તમારી નોટ્સમાં જે લખો છો એ બધું જ સ્માર્ટપેન યાદે રાખે છે. એટલે કે પેનમાં બધું જ રેકોર્ડ થાય છે. તમે જે લખી રહ્યા છો એ સમયે તમારા પ્રોફેસર કે તમારા ડિપાર્ટમેન્ટલ હેડ કંઈક બોલી રહ્યા છે અને એ પણ તમારે યાદ ન રાખવું હોય તો એ નોટ્સ લખતી વખતે જે કંઈ બોલાય છે એ રેકોર્ડ પણ કરી શકાય છે. રેકોર્ડ કરેલો આ વોઇસ પણ પેનમાં સ્ટોર થાય છે. આ બધું જ તમે તમારી ફૂરસદે પાછું મેળવી શકો છો અને તમારી નોટ્સને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો.
આમ તો આ સ્માર્ટપેન ડિસ્લેક્સિયા, ઓછી યાદશક્તિ ધરાવતા વિદ્યાર્થીઓ અને લર્નિંગના પ્રોબ્લેમ ધરાવતાં લોકો માટે બનાવવામાં આવી છે, પણ ધીરેધીરે તેનો ઉપયોગ કામને વધુ ઓર્ગેનાઇઝ કરવામાં થઈ રહ્યો છે.

બે GBની મેમરી ધરાવતી આ પેન ૨૦૦ કલાકનો ઑડિયો રેકૉર્ડ કરી શકે છે, ૧૦૦૦થી વધુ પાનાંની નોટ્સ રેકૉર્ડ કરી શકે છે તેમ જ ડાયાગ્રામ અને ડ્રૉઇંગ પણ રેકૉર્ડ કરે છે. કોઈ પણ ક્ષણથી ઑડિયો શરૂ કરવા માટે ફક્ત એક બટન જ દબાવવાનું રહેશે અને એ જ મૂવમેન્ટથી વાયરલેસ સિન્ક્રોનાઇઝેશન દ્વારા ઑડિયો રેકૉર્ડ થઈ જશે. કોઈ પણ કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે કનેક્ટ કરીને રેકૉર્ડ કરેલી ચીજો વ્યુ કરી શકાશે. 
આ પેન સાથેની ઇન્ક રિફિલ ખાસ હોય છે, પરંતુ પેન સાથે બે રિફિલ ફ્રી આવે છે અને જ્યારે જોઈએ ત્યારે ઓનલાઇન તમે ઓર્ડર કરી શકો છો.
જો તમે આ પેન ખરીદવા માંગતા હોવ તો તે www.ebay.in પર ઉપલબ્ધ છે.

ઇન્દ્રા નૂઇ : પેપ્સિકોના સીઇઓ

ઇન્દ્રા નૂઇને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીક રૂપે જોવામાં આવે છે. અમેરિકાના મુખ્ય મહિલા સીઇઓમાંથી તે એક ગણાય છે.


ભારતીય મૂળના ઇન્દ્રા રિસેપ્શનિસ્ટમાંથી પેપ્સિકોના સીઇઓ બન્યા છે. 1955માં ચેન્નાઇમાં તામિલ પરિવારમાં જન્મેલા ઇન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂઇ અમેરિકામાં વસે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ એક્ઝિ. તરીકે એમનું નામ દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ગણાય છે.

મદ્રાસમાં ગ્રેજ્યુએટ અને કોલકાતામાંથી એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ પૂરું કરનાર ઇન્દ્રાએ અમેરિકા જઇને યેલ યુનિ.માંથી પબ્લિક અને પ્રાઇવેટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ હાંસલ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર ઇન્દ્રા પેપ્સિકો કંપનીના ચેરવુમન અને ચીફ એક્ઝિ. ઓફિસર છે.

ર016ના આંકડા અનુસાર એમનો વાર્ષિક પગાર આશરે 3 કરોડ ડૉલર છે. વિદેશમાં મળેલી આ સફળતા વિશે તેઓ કહે છે, તમે ત્યાંના માહોલમાં એડજસ્ટ થાવ એ સૌથી વધુ જરૂરી છે. કોલ્ડડ્રિંક્સ અને ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સિકોમાં સતત 12 વર્ષ સુધી સીઇઓ તરીકે રહ્યા બાદ ઓક્ટોબરમાં રાજીનામું આપનાર ઇન્દ્રાને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીકરૂપે જોવામાં આવે છે.

કરંટ અફેર્સ ઓક્ટોબર ૨૦૧૮


( 1 ) ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ કયાંથી કરાવ્યો હતો?
A. ચેન્નઈ
B. મુંબઈ
C. પટના
D. નવી દિલ્લી

( 2 ) તાજેતરમાં ગુજરાતનાં જામનગરની કઈ યુવતી એ 'મિસ વર્લ્ડ કેન્યા ૨૦૧૮' નો તાજ જીત્યો?
A. દીનતા કક્કડ
B. અનુકૃતિ વ્યાસ
C. નેહલ ચુડાસમા
D. ફીનાલી ગલૈયા

( 3 ) મોબ લિન્ચિંગની ઘટના અંગે સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માધ્યમથી ખોટા સમાચારો, ભડકાઉ ભાષણો, વાંધાજનક કે ઉશ્કેરણીજનક સાહિત્ય ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ IPCની કઈ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી શકાય?
A. ૧૫૨
B. ૧૫૧(ક)
C. ૧૫૪(ક)
D. ૧૫૩(ક)

( 4 ) હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલી એ ભારતની ત્રણ જાહેર બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી. કોનો સમાવેશ આ ત્રણ બેંકોમાં થતો નથી?
A. બેંક ઓફ બરોડા
B. કેનેરા બેંક
C. દેના બેંક
D. વિજયા બેંક

( 5 ) ભારતનું પ્રથમ સોલાર સીટીનું નામ જણાવો.
A. દીવ
B. મદ્રાસ
C. મુંબઈ
D. દિલ્લી

( 6 ) તાજેતરમાં કઈ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે?
A. ગગન
B. આકાશ
C. અગ્નિ
D. પૃથ્વી

( 7 ) તાજેતરમાં ગીરનાં જંગલમાં ૧૦ દિવસમાં ૧૧ સિંહોનાં મોત થયા છે, જે વિસ્તાર....
A. ધારી નજીક દખ્ખણીયા રેન્જમાં
B. ધારી નજીક દખલાણીયા રેન્જમાં
C. ધારી નજીક દક્ષિણ રેન્જમાં
D. ધારી નજીક દલખાણીયા રેન્જમાં

( 8 ) તાજેતરમાં ભારતે જમીનથી જમીન પર પ્રહાર કરતી કઈ સ્વદેશી બનાવટની મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું?
A. પૃથ્વી
B. અગ્નિ
C. પિનાક
D. પ્રહાર

( 9 ) હવે ગુજરાતમાં મુખ્યમંત્રી, મંત્રી, વિપક્ષના નેતા, વિધાનસભાના અધ્યક્ષ તથા દંડક સહિતના પદાધિકારીઓના નવા પગાર-ભથ્થા કેટલા હશે?
A. ૧,૧૬,૦૦૦
B. ૧,૩૬,૦૦૦
C. ૧,૩૦,૦૦૦
D. ૧,૩૨,૦૦૦

( 10 ) 8 ઓગષ્ટ, ૨૦૧૮થી ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોને પ્રતિદિન કેટલા કલાક વીજ પુરવઠો આપવામાં આવશે?
A. ૮ કલાક
B. ૧૨ કલાક
C. ૨૪ કલાક
D. ૧૦ કલાક

( 11 ) ભારતમાં વીમા ઉદ્યોગનું નિયમન કરતી સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થાનું નામ જણાવો.
A. NABARD
B. IRDA
C. SEBI
D. RBI

( 12 ) બ્લેક કોર્ટ પર રમતી વિશ્વની એકમાત્ર ટેનિસ ટુર્નામેન્ટનું નામ જણાવો.
A. લેવર કપ
B. લેબર કપ
C. લેમર કપ
D. લેનર કપ

( 13 ) વર્તમાન સમયે વિશ્વમાં સૌથી વધુ વોટ્સએપ યુઝર્સ ધરાવતો દેશ કયો છે?
A. ચીન
B. અમેરિકા
C. રશિયા
D. ભારત

( 14 ) વકીલ સાહેબ' ના હુલામણા નામથી કયા મહાનુભાવ પ્રસિદ્ધ હતા?
A. મહાત્મા ગાંધી
B. શ્રી લક્ષ્મણ રાવ ઈનામદાર
C. શ્રી બહેચરદાસ મહેતા
D. સરદાર પટેલ

( 15 ) તાજેતરમાં ભારતનાં કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ દેશના ૧૦૦માં એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું છે?
A. સિક્કિમ
B. મણિપુર
C. ઓડિશા
D. આસામ

( 16 ) લોકસભામાં ભારતમાં આધાર એક્ટ ૨૦૧૬ કયા ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો?
A. ઈમરજન્સી ખરડો
B. સામાન્ય ખરડો
C. વિશેષ ખરડો
D. નાણા ખરડો

( 17 ) પ્રતિવર્ષ ભારતીય વાયુસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
A. ૧૫ ઓગસ્ટ
B. ૨૬ ઓક્ટોબર
C. ૧૪ જુલાઈ
D. ૮ ઓક્ટોબર

( 18 ) તાજેતરમાં જ ભ્રષ્ટાચારને મામલે લી મ્યૂંગ બાકને ૧૫ વર્ષની કારાવાસની સજા પ્રાપ્ત થઈ. તે ક્યાં દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ હતા?
A. ચીન
B. મ્યાનમાર
C. દક્ષિણ કોરિયા
D. દક્ષિણ આફ્રિકા

( 19 ) સ્પેનમાં ભારતનાં નવા રાજદૂત તરીકે તાજેતરમાં જ કોની નિમણુક કરવામાં આવી છે?
A. રીતા બરનવાલ
B. અરિન્દમ બાગચી
C. સંજય વર્મા
D. નાદિયા મુરાદ

( 20 ) ડ્રોનાલ્ડ ટ્રમ્પ એ પરમાણું ઉર્જા ડિવીજનના અધ્યક્ષ પદ માટે કોની પસંદગી કરી?
A. રીતા બરનવાલ
B. સંજય વર્મા
C. અરિન્દમ બાગચી
D. આર. એન રવિ

( 21 ) કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનાં વાર્ષિક રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭માં સડક દુર્ઘટનાઓની સર્વાધિક સંખ્યા અને સડક દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સર્વાધિક લોકો કયા રાજ્યોમાં હતા?
A. તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ
B. દિલ્લી અને મહારાષ્ટ્ર
C. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર
D. રાજસ્થાન અને બિહાર

( 22 ) ચીને પાકિસ્તાનને ૪૮ 'વિંગ લોંગ-II' વેચવાની ઘોષણા કરી છે. વિંગ લોંગ-II શું છે?
A. યુદ્ધક વિમાન
B. સશસ્ત્ર હેલિકોપ્ટર
C. સશસ્ત્ર ડ્રોન
D. રડાર

( 23 ) નીચેનામાંથી કોને ભારતના સોલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે?
A. ગૌરવ ભાટિયા
B. પિંકી આનંદ
C. તુષાર મહેતા
D. આનંદ ગ્રોવર

( 24 ) વર્ષ ૨૦૧૮નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો?
A. વિલયમ નોર્થહોર્સ અને પોલ રોમર
B. રિચર્ડ થેલર અને ઓલિવર હાર્ટ
C. જીન ટિરોલ અને ઓલિવર હાર્ટ
D. પોલ રોમર અને રિચર્ડ થેલર

( 25 ) ભારતે કયા દેશને પરાજિત કરી અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટ ૨૦૧૮નો ખિતાબ પ્રાપ્ત કર્યો?
A. બાંગ્લાદેશ
B. પાકિસ્તાન
C. શ્રીલંકા
D. અફગાનિસ્તાન

( 26 ) હાલમાં કઈ ભારતીય છોકરીએ IBSF વર્લ્ડ અંડર-૧૬ સ્નૂકર ચેમ્પિયનશિપ ૨૦૧૮નો ખિતાબ જીત્યો?
A. વિદ્યા પિલ્લઈ
B. ચિત્ર મગીમઈરાજ
C. કીર્થના પાંડિયન
D. વર્ષા સંજીવ

( 27 ) વર્ષ ૨૦૧૮નો નોબેલ શાંતિ પુરસ્કાર કયા ક્ષેત્રમાં કાર્ય કરવા માટે આપવામાં આવ્યો?
A. ગૃહયુદ્ધની વિરોધમાં લડાઈ
B. યૌન હિંસાની વિરોધમાં લડાઈ
C. મહિલાઓનાં શિક્ષણ
D. એડ્સ મરીજોની સેવા

( 28 ) ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઘોષણા અનુસાર (૨ ઓક્ટોબર ૨૦૧૮) ઉત્તર પ્રદેશનાં કેટલા જિલ્લા ખુલ્લામાં શૌચ મુક્ત થઈ ચુક્યા છે?
A. ૩૪
B. ૨૪
C. ૪૪
D. ૨૮

( 29 ) ચિકત્સા ભાષામાં 'ગોલ્ડન ઓવર'નો સબંધ કોનાથી છે?
A. હ્રદય રોગીઓનાં ઈલાજ
B. ઘાયલોનાં ઈલાજ
C. પ્રસવ પીડા
D. બ્રેન હેમરેજ

( 30 ) પંડિત તુલસીદાસ બોરકરનું હાલમાં જ નિધન થયું. તેઓ કયા વાદ્યનાં વાદક હતા?
A. હાર્મોનિયમ
B. તબલા
C. પિઆનો
D. પૂંગી

( 31 ) તાશ્કંદ કરાર થયા તે જ દિવસે કયા મહાન ભારતીયનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું; જેમની હાલમાં જ ૧૧૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી?
A. લાલબહાદુર શાસ્ત્રી
B. સુભાષચંદ્ર બોઝ
C. સરદાર પટેલ
D. ગાંધીજી

( 32 ) ભારતનું પ્રથમ 'સ્માર્ટ વિલેજ' કયું છે?
A. રૂપાલ
B. દાહોદ
C. દેવગઢ
D. પુંસરી

( 33 ) IMFના પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિની નિમણુક કરવામાં આવી છે?
A. શ્રીમતી ગીતા ગોપીનાથ
B. શ્રીમતી અલકા બેનર્જી
C. શ્રીમતી રશ્મિ સિંહ
D. શ્રીમતી ગાર્ગી ઘોષ

( 34 ) હાલમાં SPGનાં અધ્યક્ષ પદે કોની નિમણુક કરવામાં આવતા તેઓ ભારતના સૌથી શક્તિશાળી અધિકારી બની ગયા છે?
A. અરૂણ જેટલી
B. અજીત ડોભાલ
C. નિર્મલા સીતારામન
D. રાજનાથ સિંહ

( 35 ) તાજેતરમાં કયા બે સ્થળો વચ્ચે વિશ્વની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ શરૂ કરવામાં આવી?
A. બેઇજીંગથી વોશિંગ્ટન ડિસી
B. બેઇજીંગથી ન્યુયોર્ક
C. સિંગાપોરથી નેવાર્ક
D. સિંગાપોરથી ન્યુયોર્ક

( 36 ) સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી' જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ જણાવો.
A. કેરળ
B. ગુજરાત
C. તેલંગણા
D. દિલ્હી

( 37 ) શ્રીમતી ચંદા કોચરના રાજીનામાં બાદ ICICI બેન્કનાં નવા CEO અને MD પદે કોની નિમણૂક કરવામાં આવી?
A. શ્રી સંદીપ બક્ષી
B. શ્રી અજીત ડોભાલ
C. શ્રીમતી ગીતા ગોપીનાથ
D. શ્રીમતી શેખા શર્મા

( 38 ) ISA સંગઠનની સ્થાપના કયા બે દેશ દ્વારા કરવામાં આવી હતી?
A. ભારત અને ફ્રાંસ
B. જાપાન અને રશિયા
C. ચીન અને પાકિસ્તાન
D. રશિયા અને ફ્રાંસ

( 39 ) ગુજરાતમાં શ્રી સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને ગુજરાતના દરેક ઘર સુધી પહોચાડવા યોજનાર 'એકતા યાત્રા' વિશે માહિતી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી કઈ વેબસાઈટ લોન્ચ કરી છે?
A. Sardar Patel.com
B. Ektayatra.com
C. Sardar Sandesh.com
D. Sardar Yatra.com

( 40 ) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા તાજેતરમાં ગુજરાતની ત્રણ પશુ ઓલાદોને માન્યતા આપવામાં આવી છે; જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
A. બન્ની ભેંસ
B. હાલારી ગધેડા
C. કાહમી બકરી
D. પાંચાલી ઘેટા

( 41 ) ૧૨મી એશિયા-યુરોપ બેઠક (ASEM)ની થીમ શું છે?
A. વૈશ્વિક પડકારો માટે વૈશ્વિક ભાગીદારી
B. વૈશ્વિક વેપાર
C. ગ્રાહક સુરક્ષા અને કાયદો
D. વીમેન એમપાવરમેન્ટ

( 42 ) કાલ્પનિક રચના માટે મેન બુકર પુરસ્કાર ૨૦૧૮ કોને પ્રદાન કરવામાં આવ્યો?; જે ઉપન્યાસનું નામ 'મિલ્કમેન' હતું?
A. અલી ખાન
B. એના બર્ન્સ
C. મેગન મર્કલ
D. ભુવનેશ્વર કુમાર

( 43 ) ભારતીય સેના 'ધર્મ ગાર્ડિયન-૨૦૧૮' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કયા દેશની સેના સાથે કરશે?
A. કેનેડા
B. જાપાન
C. રશિયા
D. ચીન

( 44 ) વિશ્વ આર્થિક મંચ દ્વારા જારી કરવામાં આવેલ વિશ્વ પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનું સ્થાન કયું છે?
A. ૫૮
B. ૯૩
C. ૮૫
D. ૪૩

( 45 ) ગ્રીન કલાઈમેટ ફંડે વિકાસશીલ દેશોમાં પ્રોજેક્ટ માટે કેટલી રકમની મંજૂરી આપી છે?
A. ૧ કરોડ ડોલર
B. ૧ અબજ રૂપિયા
C. ૧ કરોડ રૂપિયા
D. ૧ અબજ ડોલર

( 46 ) ૨૧ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ આઝાદ હિન્દ ફોજને સ્થાપનાના કેટલા વર્ષ પૂર્ણ થયા?
A. ૫૦
B. ૬૦
C. ૧૦૦
D. ૭૫

( 47 ) કયા રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રસિદ્ધ કુલ્લૂ દશેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
A. હિમાચલ પ્રદેશ
B. અસમ
C. ઉત્તર પ્રદેશ
D. મહારાષ્ટ્ર

( 48 ) આધાર કાર્ડને વધારે સુરક્ષિત બનાવવા માટે કોણે માસ્ક્ડ આધાર વિકલ્પ જારી કર્યો?
A. કેન્દ્ર સરકાર
B. UIDEI
C. સુપ્રીમ કોર્ટ
D. હાઈકોર્ટ

( 49 ) લાંબા સમય માટે ખુફિયા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ રીસર્ચ બાદ કયા દેશે પહેલી વાર મોસ્ટ વોન્ટેડ આંતકિયોની સૂચી જારી કરી?
A. જાપાન
B. ચીન
C. અમેરિકા
D. ભારત

( 50 ) યુથ ઓલમ્પિક ગેમ્સ ૨૦૧૮માં ભારતીય ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કેટલા મેડલ જીત્યા?
A. ૧૩
B. ૧૦
C. ૧૨
D. ૧૫

( 51 ) વિશ્વ સ્ટાન્ડર્ડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે ઉજવવામાં આવે છે?
A. ૧૦ ઓક્ટોબર
B. ૧૬ ઓક્ટોબર
C. ૧૨ ઓક્ટોબર
D. ૧૪ ઓક્ટોબર

( 52 ) તાજેતરમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચોની સીરીઝમાં 'મેન ઓફ ધ સીરીઝ' વિજેતા ખેલાડીનું નામ શું છે?
A. શ્રી પૃથ્વી શો
B. શ્રી ઉમેશ યાદવ
C. શ્રી રોહિત શર્મા
D. શ્રી વિરાટ કોહલી

( 53 ) શ્રીમતિ અન્નપૂર્ણા દેવીનું તાજેતરમાં નિધન થયું... તેમનું મૂળ નામ?
A. રોશનઆરા ખાન
B. સારાઅલી ખાન
C. રોશનઅલી ખાન
D. ગુલપનાહ ખાન

( 54 ) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ખરીદી કરવામાં આવેલ અનાજ અને તેના ટેકાના ભાવની જોડીમાંથી કઈ જોડી સાચી નથી?
A. બાજરી - રૂ. ૧૮૫૦
B. મકાઈ - રૂ. ૧૭૦૦
C. ડાંગર કોમન - રૂ. ૧૭૫૦
D. ડાંગર ગ્રેડ એ - રૂ. ૧૭૭૦

( 55 ) QS India Rankings2019માં ભારતની કઈ ઇન્સ્ટીટયુટ પ્રથમ ક્રમે છે?
A. IISC બેંગાલુરુ
B. IIT બોમ્બે
C. IIT દિલ્હી
D. IIT મદ્રાસ

( 56 ) શ્રી એમ. જે. અકબરે તાજેતરમાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. ... તેઓ કયા રાજ્યમાંથી રાજ્ય સભાના સાંસદ છે?
A. મધ્યપ્રદેશ
B. ઉત્તરપ્રદેશ
C. દિલ્હી
D. રાજસ્થાન

( 57 ) ૨૦૦૯માં સર્જન થયેલ બિટકોઈનનાં સર્જકનું નામ?
A. શ્રી સતોશી નાકોયા
B. શ્રી સતોશી નાકોમોટો
C. શ્રી સતોશી નામોકોટા
D. શ્રી સતોશી નામોયા

( 58 ) વિજયા દશમીના દિવસે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સુરક્ષા કર્મીઓ સાથે કઈ જગ્યાએ શસ્ત્રપૂજન કર્યું?
A. મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
B. મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર
C. પોલીસ હેડ-કવાર્ટર, ગાંધીનગર
D. સચિવાલય, ગાંધીનગર

( 59 ) તાજેતરમાં ભારતના કયા શહેરમાં રાવણ દહન કાર્યક્રમમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં આશરે ૬૦થી વધુ લોકોના મોત થયા હતા?
A. જાલંધર
B. અમૃતસર
C. પઠાનકોટ
D. ચંડીગઢ

( 60 ) તાજેતરમાં કયા દેશમાં ગાંજો અથવા તો મારિજુઆનાના વેચાણ તથા ઉત્પાદનને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે?
A. વેનેઝુએલા
B. ઉરૂગ્વે
C. કેનેડા
D. ફ્રાંસ


જવાબ :

( 1 ) - D

( 2 ) - D

( 3 ) - D

( 4 ) - B

( 5 ) - A

( 6 ) - B

( 7 ) - D

( 8 ) - D

( 9 ) - D

( 10 ) - D

( 11 ) - B

( 12 ) - A

( 13 ) - D

( 14 ) - B

( 15 ) - A

( 16 ) - D

( 17 ) - D

( 18 ) - C

( 19 ) - C

( 20 ) - A

( 21 ) - A

( 22 ) - C

( 23 ) - C

( 24 ) - A

( 25 ) - C

( 26 ) - C

( 27 ) - B

( 28 ) - A

( 29 ) - B

( 30 ) - A

( 31 ) - A

( 32 ) - D

( 33 ) - A

( 34 ) - B

( 35 ) - C

( 36 ) - B

( 37 ) - A

( 38 ) - A

( 39 ) - B

( 40 ) - A

( 41 ) - A

( 42 ) - B

( 43 ) - B

( 44 ) - A

( 45 ) - D

( 46 ) - D

( 47 ) - A

( 48 ) - B

( 49 ) - D

( 50 ) - A

( 51 ) - D

( 52 ) - A

( 53 ) - A

( 54 ) - A

( 55 ) - B

( 56 ) - A

( 57 ) - B

( 58 ) - B

( 59 ) - B

( 60 ) - C