નદીએ પોતાનો વહેણ બદલ્યો આવી વાત
સાંભળતા જ તમારા મનમાં સવાલ ઉઠે છે કે નદીનું પાણી તો એક જ પર્વતમાંથી આવે છે અને
એકધારું જ આવે છે. આ પાણી ઊંચાઈવાળા ભાગથી નીચાણવાળા ભાગમાં વહેતું હોય છે તો સીધી
વહેતી નદી પોતાનું વહેણ કઈ રીતે બદલે છે?
આ સવાલનો જવાબ મેળવવાં તમારે ખરેખર એક પ્રયોગ
કરવાની જરૂર છે.
આ માટે સૌ પ્રથમ રેતીનાં પટમાં નદી જેવો સીધી
લીટીનો ખાડો બનાવો. હવે એમાં ક્યાંક ક્યાંક કાકરા નાંખો. ત્યારબાદ નદીનું વહેણ હોય
તે રીતે એક છેડે પાણીની પાઈપ લગાવી પાણી જવા દો.
હવે તમે જોશો તો ખ્યાલ આવશે કે થોડી જ વાર આ
વહેતું પાણી રસ્તામાં આવતાં કાકરાનાં કારણે સહેજ આ બાજુ કે પેલી બાજુ એમ વહેવા
લાગશે. હવે ઘણી વાર પાણીની પાઈપ ચાલુ રાખતાં જોવા મળશે કે આ બાજુ કે પેલી બાજુથી વહેતું પાણી જે બાજુ વહેતું થાય
એ બાજુના કિનારાની રેતીને પોતાની સાથે ઘસડીને લઈ જવાનું શરૂ કરશે.
આમ આ કિનારો ધોવાતો જશે અને પાણી આ
દિશામાં વધારે જોર કરી આગળ વધશે. જોરને કારણે કિનારાની રેતી પણ વધારે ધોવાશે. આ કિનારો
જેમ જેમ ધોવાતો જશે તેમ તેમ એ દિશામાં જતું પાણી વળાંક લઈ સામેના કિનારે ધસી જશે.
સામેના કિનારે ધસી જતું પાણી એ કિનારાની રેતીને ઘસડતું જશે. એટલે એ કિનારો પણ
ધોવાઈને પહોળો થશે. પછી વળાંક લેશે. આમ સીધી વહેતી નદીનું વહેણ અંગ્રેજી એસ આકારના
વળાંકમાં વહેવા લાગશે. એસની આગળ વધારે વળાંક થાય તો નવો એસ બનશે. એમ કરતાં નદીનું
વહેણ સીધું હતું એ સાપના લિસોટાની જેમ વળાંક લેતું વહેવા લાગશે.
આવું જ અસલી નદીમાં થાય છે. નદી જે
બાજુના કિનારે વહેણ લે એની સામેના કિનારે વહેણ સાવ ધીમું પડી જાય છે એટલે ત્યાં
પાણી સાથે આવતો કાંપ અને કચરો તથા રેતી ઠરતા જાય છે. આમ એ બાજુ પુરાતી જાય છે. આમ
કરતાં કરતાં વળાંક વધતો વધતો એસને બદલે યુ આકારનો બની જાય છે. યુ આકારના બે વળાંક
વચ્ચેની જગ્યા સાવ ઓછી રહે છે. થોડા વખતમાં એ ધોવાઈ જાય તો પાણીનું વહેણ બે વળાંક
વચ્ચેની જગ્યાએથી સીધું વહેવા લાગે છે. આમ સમયાંતરે નદીનાં વળાંકો બદલાતાં રહે છે.
No comments:
Post a comment