Saturday, 30 June 2018

આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ


દોસ્તો, આપણે સૌને જોક્સ સાંભળવાની અને બીજાને કહેવાની ખુબ મજા આવતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે 1 વર્ષનાં 365 દિવસમાંથી એક એવો પણ દિવસ છે; જેમાં સંપૂર્ણ વિશ્વમાં 'ઇન્ટરનેશનલ જોક્સ ડે'ની પણ ઉજવણી કરવામાં આવે છે.


હા મિત્રો, 1 જુલાઈનાં રોજ 'ઇન્ટરનેશનલ જોક્સ ડે' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની રચના 1994માં વેઇન રીનાગલે કરી હતી. આ દિવસની પસંદગી તેમણે એટલાં માટે કરી હતી કારણ કે 1 જુલાઈ એ સત્તાવાર રીતે આખા વર્ષની વચ્ચે આવે છે. ત્યારબાદ આ દિવસની ઉજવણી વેઇન પોતે લખેલા જોક્સનાં પુસ્તકને પ્રમોટ કરવામાં કરતાં હતા.
 
હાસ્ય માટે જો જોક્સની ભૂમિકા જોઈએ તો સૌથી પહેલાં સયુંકત રાજ્ય અમેરિકામાં 'ઇન્ટરનેશનલ જોક્સ ડે' મનાવવામાં આવ્યો હતો. આમ તો ઈતિહાસમાં જોક્સનું કોઈ પુખ્ત પ્રમાણ નથી મળતું પરંતુ એવું કહેવાય છે કે સર્વપ્રથમ જોક્સનો આવિષ્કાર યુનાનમાં થયો હતો. આજે પણ ગ્રીસમાં શ્રેષ્ઠતમ કોમેડી ક્લબનું ત્યાંનું ગૌરવ છે; જે સ્ટેન્ડ અપ કોમેડી ક્લબનાં નામે જાણીતું છે.


દુનિયા ભલે જુદાં-જુદાં ધર્મ અને સંસ્કૃતિમાં વહેચાઈ જતી હોય પરંતુ એક વાત દુનિયાભરનાં દરેક માણસને એક-બીજા સાથે જોડે તો તે હાસ્ય અને વ્યંગ છે. હસી-ખુશી, મજાક-મસ્તી એ એવો ભાવ છે જેમનો સંચાર માણસને માણસથી જોડે છે. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં ખુશી ઇરછે છે. તણાવભરી આ જિંદગીમાં જોક્સ આપણા તણાવને ઓછો કરી આપણે ખુશ રાખવાની બેહદ ખાસ ભૂમિકા નિભાવે છે.

હાસ્ય એક એવું માધ્યમ છે, જે એક સમયે હજારો-કરોડો લોકોનાં ચહેરા પર મુસ્કાન લાવવાં મજબૂર કરી દે છે. આ હકારાત્મક ઉર્જાનું સશક્ત માધ્યમ છે. એટલે જ કદાચ તમે જયારે હસી રહ્યાં હોવ ત્યારે તમને હાસ્ય સિવાય કશું જ યાદ ન આવે એવું બની શકે. આમ, હાસ્ય મનુષ્યનાં જીવનનો માનસિક તણાવ દૂર કરે છે અને આપણા શારીરિક સ્વાસ્થ્ય પણ લાભદાયક છે. આમ, હાસ્યને 'બેસ્ટ મેડિસિન' કહેવામાં આવ્યું છે.

Friday, 29 June 2018

ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ

ગત માસમાં ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની ૧૨૦મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આંકડાશાસ્ત્રમાં તેમની આગવી સમજને કારણે તેમની અને ભારતની નોંધ તે સમયે વિશ્વભરમાં લેવાતી હતી.

પ્રશાંત ચંદ્રનો જન્મ ૨૯ જૂન, ૧૮૯૩ના રોજ કલકત્તા (આજનું કોલકાતા) માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસની ગણના વખતે બંગાળના ધનવાન લોકોમાં થતી હતી. પ્રશાંતના જીવન ઘડતરમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો બહુ મોટો ફાળો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતનમાં લીધું હતું. પ્રશાંતને આંકડાશાસ્ત્રમાં રસ લેતા કરનાર તેના પ્રોફેસર બ્રિજેન્દ્રનાથ સીલ હતા. તેમણે પ્રશાંતની રુચિ જોઈને તેને આંકડાશાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.

પ્રશાંત તેમના ત્રણ પ્રદાન માટે જગતભરમાં જાણીતા બન્યા હતા. 'મહાલનોબિસ દુરત્વ', 'વિશાળ પાયા પર થયેલા મહાલનોબિસ સેમ્પલ સર્વે' અને 'નમૂનાનું પરીક્ષણ તથા તેમનો સિદ્ધાંત અને વ્યવહાર' એવા નામે તેમણે આંકડાશાસ્ત્રમાં કરેલું કામ આજેય વિશ્વભરનાં આંકડાશાસ્ત્રનાં પુસ્તકોમાં સ્થાન પામે છે.

આંકડાશાસ્ત્ર અને ગણિતમાં મહામૂલું પ્રદાન કરીને ભારતને નહીં પણ દુનિયાને સમૃદ્ધ વારસો આપનારા પ્રશાંતજીનું નિધન ૨૮ જૂન, ૧૯૭૨માં થયું હતું. તેમને ભારતીય આંકડાશાસ્ત્રના પિતામહ કહીને તેમનું સન્માન કરવામાં આવે છે. 

પાનકાર્ડ

આવકવેરો એ આવક અને સંપત્તિ ઉપર વેરો વસુલવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા પુરાતન કાળથી ચાલી આવે છે. ફક્ત સમય અનુસાર તેમના સ્વરૂપમાં ફેરફાર થતો જોવા મળે છે. સરકાર પોતાનાં સંરક્ષણ તથા નાગરિક સુવિધાઓનાં ખર્ચને પહોચી વળવા વિવિધ સ્વરૂપે કરવેરા ઉઘરાવતી હોય છે; જેમાંનો આવકવેરો પણ એક છે. સર્વપ્રથમ ભારતમાં આવકવેરા વિભાગની શરૂઆત 1922માં થઈ અને ત્યારથી આવકવેરા ધારો-1922 અમલમાં આવ્યો. ત્યારપછી સમય અનુસાર તેમાં ફેરફાર થતાં રહ્યાં.

આ વાત થઈ વેરાની પરંતુ આ વિભાગની એક જાણીતી સેવા એટલે પાનકાર્ડ. PAN CARD એટલે (Permanent Account Number) જે 10 આકડાઓનો બનેલો હોય છે. આ કાર્ડ અંગેની સમજ આ પ્રમાણે છે.

Ø  પાનકાર્ડનાં સર્વપ્રથમ 3 અક્ષરો એ આલ્ફાબેટિક શ્રેણી દર્શાવે છે; જે AAAથી શરૂ કરીને ZZZ સુધી હોય છે.
Ø  આ પછી 4 અક્ષર પાનકાર્ડ ધારકનો વર્ગ દર્શાવે છે. જેમકે,
1.       વ્યક્તિ માટે – P (for inividual
2.       પેઢી માટે – F (for firm)
3.       કંપની માટે – C (for company)
4.       હિંદુ અવિભક્ત કુટુંબ માટે – H (for H.U.F.)
5.       વ્યક્તિઓનાં મંડળ માટે – A (for A.O.P.)
6.       ટ્રસ્ટ માટે – T (for Trust) વગેરે
Ø  પાંચમો અક્ષર કાર્ડ ધારકના છેલ્લા નામ અથવા તો અટકનો પ્રથમ મૂળાક્ષર હોય છે.
Ø  ત્યારપછીનાં ત્રણ આંકડા 0001થી 9999ની શ્રેણીમાંનો એક નંબર હોય છે.
Ø  છેલ્લો મૂળાક્ષર આલ્ફાબેટિક ચેક ડિજિટ હોય છે.


1 જાન્યુઆરી 2005થી આવકવેરાનાં તમામ રીટર્ન ભરવા માટે પાન નંબર લખવો અનિવાર્ય છે. કોઈ પણ નવું બેંક ખાતું ખોલાવતી વખતે આ કાર્ડની નકલ જોડવી જરૂરી છે. આ સિવાય નીચેનાં વ્યવહારો માટે પણ પાન નંબર ફરજીયાત છે.

Ø  5,00,000  કે તેથી વધુ રકમની સ્થાવર મિલકતનાં ખરીદ વેચાણ વખતે
Ø  રૂપિયા 50,000 કરતાં વધારે રકમની થાપણ બેંકમાં કે પોસ્ટ ઓફીસમાં જમા કરાવતી વખતે.
Ø  રૂપિયા 1,00,000 કરતાં વધારે રકમની સિક્યુરીટીઝની લે-વેચ માટે
Ø  રૂપિયા 25,000 કરતાં વધારે રકમનાં હોટેલ અથવા રેસ્ટોરન્ટનાં બીલની ચુકવણી માટે
Ø  કોઈ પણ એક જ દિવસમાં રૂપિયા 50,000થી વધુ રકમનાં ડ્રાફ્ટ, પે-ઓર્ડર અથવા બેન્કર્સ ચેક રોકડા કઢાવતી વખતે
Ø  એક જ દિવસમાં રૂપિયા 50,000થી વધારે રકમ બેંકમાં જમા કરાવતી વખતે


Ø  પરદેશમાં મુસાફરીનાં સંદર્ભમાં એકસાથે રૂપિયા 25,000થી વધારે રોકડની ચુકવણી વખતે