હિંદુ સમાજમાં શ્રાવણી માસની પૂર્ણિમા એ ઉજવાતો
રક્ષાબંધનનો પર્વ એટલે ભગિની પ્રેમબંધન. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધી
તેમનાં કલ્યાણની કામના કરે છે; તો સાથે જ ભાઈ પણ પોતાની બહેનની સુરક્ષા કરવાની
ખાતરી આપે છે. રક્ષાબંધન ફક્ત ભાઈ બહેનનો જ તહેવાર નથી; બલ્કે આ જ દિવસે બ્રાહ્મણો
પોતાની જનોઈ બદલે છે. જયારે માછીમારો નાળિયેર દ્વારા દરિયાની પૂજા કરે છે. આમ
રક્ષાબંધનનું એક નામ નારિયેળી પૂનમ પણ છે.
શું તમે જાણો છો કે રક્ષાબંધનનાં તહેવારનો શુભારંભ
કેવી રીતે થયો હતો? શાસ્ત્રો અને પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ જયારે બલિરાજાને
વરદાન માંગવા કહેલું ત્યારે તેમણે વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન
માંગ્યું. આમ, લક્ષ્મીજી વિષ્ણુ વિના એકલાં પડી ગયા ત્યારે તેઓ નારદજીએ બતાવેલા
ઉપાય મુજબ બલિરાજાને પોતાનો ભાઈ બનાવી રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા
પાસેથી છોડાવી લે છે. આમ આ રીતે રક્ષાબંધન તહેવારની શરૂઆત થાય છે.
રક્ષાબંધનનાં શુભ અવસરે બહેન પોતાનાં ભાઈને કાંડે
રાખડી બાંધી તેમની સર્વ પ્રકારે રક્ષા ઇરછે છે; પરંતુ શું રાખડી બાંધીને કોઈની
રક્ષા થઈ શકે ખરી? અહીં મહત્વ રાખડીનું કે રક્ષાબંધન નહિ; મહત્વ છે અંતરનાં અમી
ઘૂંટીને રાખડી બાંધતી વેળા આપેલા આર્શીવાદનું. આપણી સંસ્કૃતિમાં દરેક ઉત્સવો પાછળ
કોઈકને કોઈક રહસ્ય છુપાયેલું હોય છે. રક્ષાબંધનનો પવિત્ર પર્વ 'ભગિની પ્રેમ બંધન'
આપણે સમજાવે છે કે 'સ્ત્રી તરફ વિકૃતિની નજર ન રાખતાં પવિત્ર દ્રષ્ટિ રાખવી જોઈએ'.
આજે આપણે આ મહાન સંદેશને આપણે આપણા પરિવાર સીમિત જ રાખી દીધો છે. શું તમને નથી
લાગતું કે આવાં પ્રેમ બંધન અને ભાવ બંધનનાં તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ
કરવું જોઈએ.
આ તહેવાર એ બહેન પોતાનાં વહાલસોયા ભાઈ પ્રત્યેની
નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છા અને ત્યાગનું મહામૂલું
પવિત્ર પ્રતિક છે. બહેનની આ શુભેચ્છા ભાઈનાં જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક
બંને છે.
No comments:
Post a comment