Wednesday, 30 August 2017

કોહિનૂર હીરાનું ફરીથી ભારતમાં ગમનબ્રિટનની રાણી એલિજાબેથ દ્વિતીયના તાજ પરનો કોહિનૂર ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે. કોહિનૂર હીરાનો ઈતિહાસ બહુ જુનો છે. કહેવામાં આવે છે કે આ હીરો ભારતનાં તેલંગાણા રાજ્યની ગોલકુંડાની ખાણમાંથી નીકળ્યો હતો. આ હીરાને કોહિનૂર નામ ઈરાનના બાદશાહ નાદિરશાહે આપ્યું હતું. કોહિનૂરનો અર્થ થાય છે – પ્રકાશનો પર્વત. કેટલાક લોકોનું કહેવું છે કે આ હીરો મહાભારતના વખતનો સ્યમન્તક મણિ છે. આ કોહિનૂર ભારતના મુઘલ શાસકોની પાસે હતો. ત્યાંથી તે ઈરાનના બાદશાહ નાદિરશાહ અને ત્યારબાદ અફઘાનિસ્તાનની સત્તામાં ક્રમશઃ અહમદશાહ અબ્દાલી, તૈમુર, શાહ જમન અને શાહ શુજા પાસે ફરતો રહ્યો. ત્યારબાદ ફતેહ ખાનને સત્તા મળી ગઈ, પણ કોહિનૂર શાહ શુજા પાસે જ રહી ગયો. ફતેહ ખાનને શુજાના નાના ભાઈ શાહ મહમૂદને ગાદી આપી દીધી.

આ દિવસોમાં પંજાબમાં મહારાજા રણજિતસિંહનું શાસન હતું. શાહ શુજાની પ્રાર્થનાના કારણે મહારાજ રણજિતસિંહે પોતાની સેના મોકલીને શુજાને સત્તા અપાવી દીધી, પરંતુ થોડા સમય બાદ ફરીથી ફતેહ ખાને શાહ મહમૂદને ગાદી આપી દીધી. શુજા ભાગીને અટક આવી ગયો અને ત્યાંના ઓફિસરે તેને શરણે લીધો. પરંતુ પાછળથી તેને શંકા પડતાં શુજાને કેદ કરી લીધો અને તેનો મોટો ભાઈ જમન જ્યાં બંદી હતો ત્યાં મોકલવામાં આવ્યો.

મહારાજા રણજિતસિંહે થોડા વખત પછી બન્ને ભાઈને લાહોર બોલાવી લીધા. આ બાજુ અફઘાની વડાપ્રધાન ફતેહ ખાન કશ્મીર જીતવા માટે રણજિતસિંહ પાસે મદદ માંગી અને લૂંટનો અડધો ભાગ તથા દર વર્ષે નવ લાખ રૂપિયા દેવાની શરત રાખી. રણજિતસિંહે ફતેહ ખાનના પ્રસ્તાવને માની લીધો, તેથી શાહ શુજાને લાગ્યું કે મહારાજા ફતેહ ખાનના કહેવાથી અમને મારી ન નાંખે. આ કારણથી શુજાની બેગમે શુજાના જીવનનાં બદલે કોહિનૂર હીરો મહારાજાને દેવાનો પ્રસ્તાવ મુક્યો.

૧૮૧૨માં એક બાજુથી હિંદુ સેના અને બીજી બાજુથી અફઘાની સેનાએ કશ્મીરમાં પ્રવેશ કર્યો. ફતેહ ખાનના મનમાં છેતરપિંડી હતી તેથી તેણે કેટલાક સૈનિકોને પંજાબમાં મૂકી દીધા. આમ, ફતેહ ખાને કશ્મીરના બે કિલ્લા જીતીને એનો અડધો ભાગ પણ હિંદુ સેનાને ન આપ્યો. મહારાજા રણજિતસિંહના દીવાન મોહકમચંદે આ બધી માહિતી મહારાજાને આપી, પરંતુ રણજિતસિંહ શાંતિપૂર્વક પોતાની સંધિ નિભાવતા રહ્યા.

આ દિવસોમાં શાહ શુજાને શેરગઢના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો હતો. ફતેહ ખાન શાહ શુજાને મારવા માંગતો હતો. આથી રણજિતસિંહના દિવાન મોહકમચંદ એક નાનકડાં રસ્તેથી કિલ્લામાં ગયા અને શુજાને પોતાની સાથે લઇ ગયા. આ વાતની ખબર જયારે ફતેહ ખાનને પડી ત્યારે તેણે મોહકમચંદ પાસેથી શાહ શુજાની માંગ કરી, પરંતુ મોહકમચંદે તેની આ માંગને ઠુકરાવી દીધી. તેથી લૂંટનો અડધો માલ અને દર વર્ષે નવ લાખ રૂપિયા આપવાની સંધિ ફતેહ ખાને તોડી નાખી. આમ લૂંટનો માલ અને કશ્મીરની જમીન બન્ને ફતેહ ખાન પાસે રહી ગયા.

આ ઝુંબેશમાં મહારાજા રણજિતસિંહને ઘણું મોટું નુકસાન થયું. એમના ૧૦૦૦ સૈનિક માર્યા ગયા અને ખજાનો પણ ખાલી થઇ ગયો. ત્યારબાદ મહારાજાએ શુજાને છોડી દીધો અને તેની બેગમની શરત અનુસાર કોહિનૂર માંગ્યો, પરંતુ શુજાની બેગમ કોહિનૂર આપવા ઈચ્છતી નહોતી. છેલ્લે મહારાજાએ ત્રણ લાખ રૂપિયા રોકડા અને ૫૦,૦૦૦ રૂપિયાની વસાહત આપીને કોહિનૂર મેળવી લીધો.

આમ, ૧ જૂન, ૧૮૧૩માં આ અમૂલ્ય હીરો ફરીથી ભારતને મળી ગયો. વર્ષ ૧૮૩૯માં મહારાજા રણજિતસિંહ બીમાર પડ્યા ત્યારે તેમણે તેમના પરિવાર તથા વજીર અને દરબારીઓને કોહિનૂર જગન્નાથજીના મંદિરમાં ભેટ ચઢાવી દેવાની સુચના આપી. પરંતુ તેમના પરિવારમાંથી કોઈ આ હીરાને જતો કરવા તૈયાર ન હતું. રણજિતસિંહના મૃત્યુ બાદ ક્રમશઃ તેમના પુત્રને ગાદી મળતી આવી. છેવટે આ હીરો પંજાબના રાજા દિલીપસિંહ પાસે આવ્યો.

આ સમય દરમ્યાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો પંજાબ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા હતા. મહારાજા રણજિતસિંહના અવસાન બાદ પંજાબને કમજોર પડેલું જોઈ અંગ્રેજો લાહોરમાં ઘૂસી ગયાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબને રીતસર કબજે ન લીધું પણ અંગ્રેજોના નેજા હેઠળ આવી ગયું. ૩૦ માર્ચ, ૧૮૪૯ના દિવસે લોર્ડ ડેલહાઉસીએ જાહેરનામું બહાર પાડીને પંજાબને અંગ્રેજ હકૂમતના પ્રદેશમાં ભેળવી દીધું.

મહારાજા જાહેરનામું વાંચતાની સાથે જ સિંહાસનનો ત્યાગ કર્યો અને કોહિનૂર સચિવના હાથમાં મૂકી દીધો. આમ કોહિનૂર ફરી ભારતમાંથી ઈંગ્લેંડમાં લઇ જવાયો. તેનું ઓરિજિનલ સ્વરૂપ બદલી નાખવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ તેને પહેલદાર અને ચમકદાર બનાવવા માટે આમ્સ્ટરડેમના શ્રેષ્ઠ ગણાતા વૂરસેન્ગર નામના ડચ કારીગરને બોલાવ્યો. કટિંગ બાદ ૧૮૬ કેરેટનો હીરો ૧૦૫.૬ કેરેટનો બની ગયો.

કોહિનૂરને ૧૮૫૧માં લંડનના હાઇડ પાર્ક ખાતે યોજાયેલ ધ ગ્રેટ એકઝીબીશનમાં બ્રિટીશ જનતાને કોહિનૂર દેખાડવામાં આવ્યો હતો. રાણી વિક્ટોરિયાએ એકધારુ ૬૩ વર્ષ રાજ કર્યા બાદ ૧૯૦૨માં વસીયત મુજબ હીરો પુત્રવધુ એલેક્ઝાન્ડ્રાને વારસામાં આપ્યો. ૧૯૧૧માં રાણી મેરીના તાજમાં અને ત્યારબાદ ૧૯૩૭માં રાણી એલિઝાબેથના તાજમાં જડી દેવાયો. એલિઝાબેથે કેટલાક વર્ષ સુધી તાજ વાપર્યો પછી આ તાજને ટાવર ઓફ લંડનના રત્નભંડારમાં મોકલી દેવાયો.

No comments:

Post a Comment