Thursday, 12 July 2018

હવે લખીને કે બોલીને પૂછવાનો નહીં પરંતુ બતાવીને પૂછવાનો સમય આવી ગયો છે!!!


આજે આપણને કંઈ જાણવું હોય તો આપણું દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળી જતી હોય છે. પરંતુ કશું જાણવા માટે આપણને ગૂગલનાં સર્ચ બોક્સમાં કંઈક ટાઈપ કરવું પદે છે અથવા તો માઈક પર ક્લિક કરીને ગૂગલને આપણો સવાલ પૂછવો પડે છે. પરંતુ ઘણીવાર એવું બંને છે કે આપણે સવાલ જ શું પૂછવું. તો ક્યારેક એવું પણ બનતું હોય તમે કોઈ વસ્તુ જોઈ હોય અને તમને તેમનું નામ જ ખબર ન હોય. તો સંજોગોમાં તમે શું કરશો?

દા.., તમે કોઈ ગાર્ડનમાં સરસ મજાનું ફૂલ કે પંખી જોયું હોય તો એનું નામ કે એનાં વિશે વધુ જાણવા શું કરશો? અથવા તો તમે કોઈ આર્ટ ગેલેરીમાં કોઈ વિખ્યાત પેઈન્ટીંગ જોયું હોય તો તેમની માહિતી તમે કેમ પ્રાપ્ત કરશો?


જો તમને કોઈ વસ્તુ વિશે પ્રાથમિક માહિતી ન હોય અને જો તમારું મગજ આવા આડકતરા સવાલોથી મુજાતું હોય તો તમારે હવે ગભરાવવાની કોઈ જ જરૂર નથી કારણ કે હવે ટૂંક જ સમયમાં પરિસ્થિતિ બદલાઈ જવાની છે!!! હવે જે તમે બોલીને કે લખીને પૂછી શકો તેમ ન હોવ તો તે બતાડીને પૂછી શકાશે. કારણ કે અત્યાર સુધી ગૂગલ પાસે સમજવા માટે દિમાગ અને બોલેલું સાંભળવા માટે કાન હતા, તો હવે જોવા માટે આંખો પણ પ્રાપ્ત થઇ ગઈ છે.

નવેમ્બર ૨૦૧૭માં ગૂગલે તેનાં ફ્લેગશીપ ફોન પિક્સેલમાં પહેલાં ગૂગલ ફોટોઝમાં અને ત્યારપછી ગૂગલ આસિસ્ટન્ટમાં આ સગવડ ઉમેરી હતી અને માર્ચ ૨૦૧૮થી તમામ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ફોટોઝમાં આ સુવિધા મળવા લાગી.


ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે?
આ એક એવી સગવડ છે, જેમાં તમે જુદાં-જુદાં ફોટોગ્રાફને લઈને ગૂગલને પૂછી શકો છો કે આ શું છે? 2012માં ગૂગલે એક ગોગલ્સ કરીને એક એપ લોન્ચ કરી હતી. જેમાં ફોનનાં કેમેરા સામે બારકોડ ધરતા, એપ જાતે જ બારકોડ વાંચી લે અને તેમનાં આધારે ઈન્ટરનેટ પર સૌથી વધુ માહિતી તારવી આપતી.
પરંતુ નવાઈની વાત એ હતી કે પછીનાં આટલાં વર્ષોમાં ગૂગલે આ એપ તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું. પરંતુ આજ કન્સેપ્ટ ગૂગલ હવે 'ગૂગલ લેન્સ'નાં સ્વરૂપે ફરી લાવી છે. જો તમે ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતાં હશો તો તમે જાણતા હશો કે તેમાં જુદાં-જુદાં ફોટોગ્રાફ વિશે કોઈ માહિતી કે ટેગ ન આપ્યાં હોય તો પણ આ સર્વિસ વ્યક્તિનાં ચહેરા, શહેર અને વિવિધ ઈમારતોને ઓળખી લે છે.અને વરસાદ, ફૂડ, કાર વગેરે સર્ચ કરતાં તેમનાં ફોટોઝ અલગ પણ તારવી આપે છે.

ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે પ્રાપ્ત કરશો?


આ માટે તમારા સ્માર્ટફોનમાં પ્લેસ્ટોરમાં જઈ ગૂગલ ફોટોઝ ઇન્સ્ટોલ કરી લો. અને ઘણાં બધા ફોનમાં આ એપ પહેલેથી જ ડાઉનલોડ હશે અને જો તેમાં આ સુવિધા ઉમેરાઈ ન હોય તો અપડેટ કરી દો.Tuesday, 10 July 2018

સુરખાબ


ના ચબુતરો, ના ચણ ખપે,સુરખાબને બસ, રણ ખપે.


અંગ્રેજીમાં ફ્લેમિંગો નામથી પ્રખ્યાત પક્ષી ગુજરાતમાં સુરખાબ તરીકે પ્રસિદ્ધ છે. સુરખાબ એ સમૂહમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાતનાં રાજ્યપક્ષી તરીકે જાણીતું પક્ષી ફ્લેમિંગો લાખોની સંખ્યામાં પરદેશથી આવે છે. ફ્લેમિંગો માટે દક્ષિણ એશિયાની આ એકમાત્ર બ્રિડિંગ સાઈટ હોવાથી તેણે ફ્લેમિંગો સિટી કે સુરખાબ નગરી કહેવામાં આવે છે. કચ્છમાં સારો વરસાદ પડે તે વર્ષે ફ્લેમિંગો અહીં અચૂક આવે છે.

આ પક્ષી પોતાનાં ચારણ પ્રક્રિયાથી ખોરાક મેળવવાની વિશિષ્ટ પદ્ધતિ ધરાવે છે. આ માટે તે પોતાની લાંબી ડોકને કિચડમાં નાખી નીચેની બાજુ ઉંધી વાળીને પાણીની સપાટી પરથી નાની વનસ્પતિ અને જીવાતો પ્રાપ્ત કરે છે.


કચ્છનાં મોટા રણમાં દરિયાનું પાણી ભરાય છે. આ સાથોસાથ જે વર્ષે અહીં સારો વરસાદ પડે ત્યારે મીઠું અને ખારું પાણી એકત્ર થતાં તેમાં પ્લેંક્ટોન નામની જીવાત અને લીલની પેદાશ ખૂબ વધુ થાય છે; જેમનો ઉપયોગ સુરખાબ વધુ કરે છે. આ પાણીમાં ખારાશનું પ્રમાણ થોડીક માત્રામાં હોવું અનિવાર્ય છે. આવી સ્થિતિ દર દસ વર્ષે ૩થી ૪ વખત સર્જાય છે.

આ સિવાય સુરખાબ અત્યંત શરમાળ પક્ષી ગણાતું હોવાથી તે જમીન પર માળો બનાવે છે. તેમની સલામતી માટે કોઈની અવરજવર ન હોય તેવો વિસ્તાર એટલે કે રણ વિસ્તાર વધુ સાનુકૂળ રહે છે.


આ પક્ષીની લંબાઈ આશરે ૧૪૦ સે.મી. જેટલી હોય છે અને 2થી 3 કિ.ગ્રા. જેટલો વજન હોય છે. માદા સુરખાબ 1 કે 2 ઈંડા મૂકે છે, જે નર અને માદા સાથે મળી ૨૮થી 30 દિવસ સુધી સેવે છે. એશિયા, આફ્રિકા અને યુરોપનાં મોટાં ભાગનાં દેશોમાં આ પક્ષીઓનો ફેલાવો જોવા મળે છે.

Friday, 6 July 2018

જાણો તમારા રાજ્યનું નામ કેવી રીતે પડ્યું?


આપણે દેશ અને તેનાં રાજ્યો ઉપરાંત તેની સંસ્કૃતિ અંગે જાણતા હોઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દેશ અને રાજ્યનાં નામ કઇ રીતે પડ્યાં? રાજ્યનાં જે નામ પડ્યા તેની પાછળ કેવી પરિસ્થિતિ હતી. આવો જાણીએ આ રસપ્રદ તથ્યો......

ભારત: 
કેટલાક હજાર વર્ષ પહેલા ભરત નામના ખુબ જ પ્રતાપી રાજા થઇ ગયા; જેમણે ચારેદિશામાં પોતાનાં નામનાં ડંકા વગાડ્યા તેનાં નામ પરથી ભારત નામ પડ્યું. અખંડ ભારતનાં સિમાડા ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા હતા.અરૂણાચલ પ્રદેશ: 
આ એક સંસ્કૃત નામ છે. જેને Dawn-Lit Mountainsમાંથી ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે; જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે ઉગતા સુરજની ધરતી.

અસમ: 
આ નામ અહોમ નામનાં શબ્દો પરથી ઉતરી આવ્યું છે અથવા તો અપભ્રંશ થયું છે. આ એક વંશ હતો જેણે લગભગ 600 વર્ષ જેટલા લાંબા સમય સુધી આ પ્રદેશ પર રાજ કર્યું હતું.

બિહાર: 
આ શબ્દ પાલી ભાષામાંથી ઉતરી આવેલો છે. જે અસલમાં વિહાર થાય છે. જો કે હિંદીભાષી કેટલાક લોકો વ બોલી નહી શકતા હોવાનાં કારણે તે અપભ્રંશ થતા થતા વિહારમાંથી બિહાર થઇ ગયું. વિહારનો અર્થ બૌદ્ધમઠ થાય છે.

છત્તીસગઢ: 
જ્યારે રાજ્યની રચનાં કરવામાં આવી ત્યારે તેમાં 36 કિલ્લાનો સમાવેશ થતો હતો. જેનાં કારણે તેનું નામ 36 ગઢ પરથી છત્તીસગઢ પડી ગયું.

ગોવા: 
પુરાણો તથા ઇતિહાસમાં તેનું નામ ગોવે દર્શાવવામાં આવ્યું છે. પુરાણોમાં તપાસ કરતા તેનાં ગોવે ઉપરાંત ગોવાપુરી તથા ગોમતનાં સ્વરૂપે આ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે.


ગુજરાત: 
આપણું ગુજરાત ગુર્જરો પરથી ઉથરી આવ્યું છે. 8મી સદી સુધી આ સમગ્ર પ્રદેશ પર ગુર્જરોનું શાસન હતું જેનાં કારણે તે ગુજરાત તરીકે ઓળખાયું.


હરિયાણા: 
આ નામ હરિ અને અરણ્ય બે શબ્દો જોડાઇને બન્યું છે. જેનો અર્થ થાય છે વિષ્ણુ ભગવાનની ભુમિ અથવા તો ભગવાનની ભુમિ હરિયાણા.

હિમાચલ: 
આ શબ્દનો અર્થ થાય છે બર્ફીલા પહાડોનું ઘર.

જમ્મુ કાશ્મીર: 
જમ્મુનું નામ અહીંનાં રાજા જમ્મબૂ લોચનનાં નામ પરથી ઉતરી આવ્યું છે. જ્યારે કાશ્મીરનું નામ સતીસર અર્થાત કાચબાનાં તળાવ પરથી પડ્યું છે.

ઝારખંડ: 
ઝારખંડ જંગલોની ભૂમિ છે. સંસ્કૃતમાં ઝાડનો અર્થ જંગલ થાય છે. તે રીતે જંગલોની ભૂમિ એટલે ઝારખંડ નામ પડ્યું.

કર્ણાટક: 
કર્ણાટક શબ્દ કારુ અને નાદથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે બુલંદ અને જમીન. બુલંદ જમીનનો અર્થ કર્ણાટક થાય છે.

કેરળ: 
ભૌગોલિક દ્રષ્ટિએ કેરળની ઉત્પત્તિ સમુદ્રની વધેલી જમીન પર થઇ છે. કેરળ ચેરન્ના અને આલમ શબ્દથી બન્યું છે. ચેરન્નાનો અર્થ થાય છે જોડવું અને આલમ શબ્દનો અર્થ થાય છે જમીન.

મધ્ય પ્રદેશ:
આ ભારતની મધ્યમાં આવેલો પ્રદેશ હોવાથી તેને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. ઉપરાંત અંગ્રેજો પણ આ વિસ્તારને સેન્ટ્રલ પ્રોવિન્સ જ કહેતા હતા.

મહારાષ્ટ્ર: 
આ મહા તથા રાષ્ટ્ર શબ્દનું સંયોજન છે. મહારાષ્ટ્ર રાષ્ટ્રીકા નામનાં પરિવાર પરથી ઉતરી આવેલું છે.

મણિપુર: 
આનો અર્થ મણિ એટલે એક પ્રકારનો અમુલ્ય પત્થરની ભૂમિ છે.

મેઘાયલ: 
મેઘ (વાદળ) અને આલય (આવાસ) મળીને બને છે મેઘાલય. જેનો અર્થ થાય છે વાદળોનું ઘર.

મિજોરમ: 
આ ત્રણ શબ્દોનું સંયોજન છે. મિ (લોકો), જો (લુઇસ હિલનાં લોકો) અને રમ (ભુમિ) પરથી ઉતરી આવ્યો છે.

નાગાલેન્ડ: 
અહીં નાગા પ્રકારની જાતિ છે અને તેઓની ભૂમિ એટલે નાગાલેન્ડ.

ઓડિશા: 
આ સંસ્કૃત શબ્દ ઓડ્ર દેસથી આવ્યો છે. તેને મધ્ય ભારતમાં રહેનારા લોકોનાં સંદર્ભમાં બોલવામાં આવે છે.

પંજાબ: 
પાંચ નદીઓની ભુમિક એટલે પંજાબ. પંજ (પાંચ) આબ (બેટ) પાંચ નદીઓ જે પ્રદેશમાં મળે છે તે પંજાબ.

રાજસ્થાન: 
આને પહેલા વીર રાજાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવતી હતી. રાજપુતોની ભૂમિ હોવાનાં કારણે રાજસ્થાન.


સિક્કીમ: 
આ ડેનજોંગથી આવ્યું છે. લિંબૂ મૂળનાં બે શબ્દોમાંથી બન્યું છે આ નામ. જેમાં સુનો અર્થ થાય છે નવું અને ક્કિમનો અર્થ હોય છે મહેલ. નવો મહેલ એટલે સિક્કીમ

તેલંગાણા: 
ત્રિલિંગા શબ્દથી અપભ્રંશ થઇને તેલંગાણા બન્યું. ત્રિલિંગાનો અર્થ થાય છે શંકર ભગવાનનાં લિંગોની ભુમિ.

તમિલનાડુ: 
તમિલ લોકોનો પ્રદેશ એટલે તમિલનાડુ

ત્રિપુરા: 
આ બે શબ્દોમાંથી ઉતરી આવેલો શબ્દ છે. તઇ(ત્રિ)નો અર્થ થાય છે પાણી અને પુરા(પારા)નો અર્થ થાય છે નજીક. પાણીની નજીકની જમીન એટલે ત્રિપુરા (તઇપારા)

ઉતરાખંડ: 
ઉતર તરફનો ખંડ એટલે ઉતરાખંડ.

ઉત્તરપ્રદેશ: 
તેનો અર્થ પણ ઉત્તરી દિશાનો પ્રદેશ એટલે ઉતરપ્રદેશ.

પશ્ચિમ બંગાળ: 
બંગાળ શબ્દનો મૂળ શબ્દ છે બોન્ગ. તેનાં કેટલાય અર્થ લેવામાં આવ્યા છે. જેમ કે ફારસીમાં બંગલાહ,  હિંદીમાં બંગાળ અને બંગાળીમાં બાંગ્લા તરીકે ઓળખાય છે.

Thursday, 5 July 2018

ચાલો વિશ્વનાં પહેલાં મ્યુઝીયમને મુલાકાતે!!!


દીવ અને દમણ પર્યટકો માટે એક ઐતિહાસિક સ્થળ છે. આ ક્ષેત્ર રહસ્યમય સૌંદર્ય અને સમૃદ્ધ ઈતિહાસનો પરિચય કરાવે છે. અહીં આવેલાં મોટાભાગનાં સ્મારકો પોર્ટુગીઝ શાસનનાં સમયનાં છે. પર્યટકોને આકર્ષિત કરતાં આ ઐતિહાસિક સ્મારક અને ધરોહર આજે પણ જૂની દુનિયાની ખૂબસૂરતીને પ્રસ્તુત કરે છે.

દીવ અને દમણ ત્રણે બાજુએ સમુદ્રથી ઘેરાયેલ છે. સમુદ્રીતટો પર ચમકતી રેતીઓ સાથેનો પ્રાકૃતિક ઢોળાવ પર્યટકોને આમંત્રિત કરે છે એવો અહીં આભાસ થાય છે. વેકેશનમાં ફ્રેશ થવાં માટે આ એકદમ સારી જગ્યા છે. આ સાથે દરેક ઋતુ માટે દીવ અને દમણ યોગ્ય છે. શોપિંગ કર્યા વગર તો અહીંની યાત્રા અધુરી જ લાગે. હસ્તકળા અને કલાકૃતિઓની યાદો તમે તમારી સાથે લઈ જઈ શકો છો. મોટાભાગનાં શોપિંગ સેન્ટર શહેરની વચ્ચે જ આવેલાં છે. ભાવ ઓછો કરવાનાં શોખીન પર્યટકો અહીંની સ્થાનિક બજારોમાં જઈ શકે છે.


દીવ અને દમણનો ઈતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષ જુનો છે. દીવનો ઉલ્લેખ તો મહાભારતમાં પણ જોવા મળે છે. ૧૪ વર્ષનાં વનવાસ દરમિયાન થોડા દિવસો પાંડવો અહીં રોકાયા હતાં. ભારતનાં ગુજરાત પાસે દેશનો સૌથી નાનો કેંદ્ર શાસિત પ્રદેશ ‘દીવ અને દમણ’ છે. ગંગેશ્વર મંદિર, સી-શેલ મ્યુઝિયમ અને ખુકરી મેમોરિયલ ખાસ અહીંનાં જોવાલાયક સ્થળો છે. સી-શેલ મ્યુઝિયમમાં તમે જાત-જાતનાં શંખ-છીપ જોવાનો આનંદ લઈ શકો છો. આ મ્યુઝિયમ વિશ્વનું એવું પહેલું મ્યુઝિયમ છે જ્યાં સમુદ્રમાં મળી આવતાં શંખ અને છીપલાંને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યાં હતાં.અહીં આવેલાં ત્રણ બીચ – ‘નાગોઆ બીચ, ઘોઘલા બીચ અને જલંદર બીચ’ પર તમે પેરાસેલિંગ, સન બાથિંગ અને સ્વિમિંગનો આનંદ માણી શકો છો. અહીં આવેલું બોમ જીજસનું ચર્ચએ 17મી સદીમાં પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યું હતું. સીસમનાં લાકડાની કલાકૃતિઓથી સુસજ્જ આ ચર્ચ આજે પણ એક ઈફેક્ટિવ અનુભવ કરાવે છે. જો તમને રંગબેરંગી માછલીઓનું અદભૂત કલેક્શન નિહાળવું હોય તો તમે અહીં હાલમાં જ બનેલ હિલસા એક્વેરિયમમાં જઈ શકો છો. અહીં આવેલ જામ્પોર બીચ એક એવો શાંત સમુદ્ર તટ છે; જ્યાં તમે ઠંડીમાં પણ ખજૂરીનાં વૃક્ષોનો અવાજ સારી રીતે સાંભળી શકો છો. આ સાથે દીવનાં કિલ્લાનો પણ ભરપુર ફાયદો ઉઠાવવો જોઈએ.

Monday, 2 July 2018

ઓલમ્પિકનો ઈતિહાસ


રમત એ મનુષ્યનાં જીવનનો એક ખુબ મહત્વપૂર્ણ ભાગ છે. હા એક એક અલગ વાત છે કે કોઈ વ્યક્તિ પોતાનાં રોજિંદા જીવનમાં તેમને ઉતારે. કોઈ વ્યક્તિ પોતનાં આનંદપ્રમોદ માટે, તો કોઈ પોતાનાં શરીરને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે રમત રમે છે, તો કોઈક પોતાનાં દેશની પ્રતિષ્ઠા માટે રમતને પોતાની કારકિર્દી બનાવે છે.

જો આપણે ભૂતકાળને ઉખેડીએ તો હજારો વર્ષો પહેલાં જયારે માણસ સક્રાંતિ અને વિકાસની સ્થિતિથી ઘણો જ દૂર હતો ત્યારથી જ ઓલમ્પિકની રમત રમતી આવી છે. આધુનિક ઓલમ્પિક રમતની ઉત્પત્તિ પ્રાચીન ઓલમ્પિક રમતથી જ જોડાયેલી છે. જો ટૂંકમાં કહીએ તો, પ્રાચીન ઓલમ્પિક અસ્તિત્વમાં ન હોત તો કદાચ આજે આધુનિક ઓલમ્પિક પણ ન હોત.ઓલમ્પિકનો ઈતિહાસ લગભગ 2800 વર્ષથી પણ જૂનો છે. આ રમતોત્સવની શરૂઆત ઈ.સ. પૂર્વે 776માં ગ્રીસનાં પ્રાચીન દેવતા 'જીયસ'નાં સન્માનમાં થઈ. ઈ.સ. પૂર્વે 394 સુધી પ્રત્યેક 4 વર્ષે આ રમતનું આયોજન થતું હતું પરંતુ ત્યારબાદ રોમનાં રાજવી થિયોડોસિયસે તેમનાં પર પ્રતિબંધ મૂકી દીધો. આ પછી લગભગ 1500 વર્ષ સુધી આ રમતોત્સવ બંધ રહ્યો.

આ રમતોત્સવને પુનઃ પ્રારંભ કરવાનો શ્રેય ફ્રાંસનાં બેરોન પિયરે ડી કુબર્તિનને જાય છે. ઈ.સ. 1875માં સૌથી પહેલાં ઓલમ્પિયા સ્ટેડિયમની શોધ થઈ. કુબર્તિનનાં પ્રયાસથી ગ્રીસની રાજધાની એન્થેસમાં ઈ.સ. 1896માં પ્રથમ વાર આધુનિક ઓલમ્પિક રમતનું આયોજન કરવામાં આવ્યું. શરૂઆતમાં તો ફક્ત પુરુષો જ ભાગ લેતાં હતા પરંતુ ઈ.સ. 1900થી સ્ત્રીઓ પણ ભાગ લેવા લાગી.
ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, બ્રિટેન, ગ્રીસ અને સ્વિત્ઝરલેન્ડ આ એવાં પાંચ દેશો છે, જેમણે આજ સુધી રમાયેલ દરેક ઓલમ્પિક રમતમાં ભાગ લીધો હતો. અને હાલ સુધી રમાયેલ દરેક ઓલમ્પિક રમતમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હોય એવો વિશ્વનો એકમાત્ર દેશ બ્રિટેન છે.

આંતરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટી, ઓલમ્પિક રમોત્સવનું સંચાલન કરતી સંસ્થા છે. તેમાં 1 અધ્યક્ષ, 3 ઉપાધ્યક્ષ અને 7 અન્ય સભ્ય હોય છે. તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. આ સંસ્થા ઓલમ્પિક રમતનું આયોજન સ્થળ, નિયમ, સંચાલન જેવી બાબતો નક્કી કરે છે.

સૌપ્રથમ ઈ.સ. 1913માં કુબર્તિને ઓલમ્પિકનાં ધ્વજનું નિર્માણ કર્યું હતું અને જૂન 1914માં આ ધ્વજનું ઉદ્ધાટન કરાયું હતું. તેમજ 1920નાં એન્ટવર્પ ઓલમ્પિક રમતોત્સવમાં આ ધ્વજ પ્રથમવાર ફરકાવવામાં આવ્યો હતો.

3 ફૂટ લાંબા અને 2 ફૂટ પહોળા આ ધ્વજમાં 2.06મી. * 6 સે.મી.ની પાંચ રીંગો એકબીજામાં ભળી ગયેલા હોય તેવું તેનું પ્રતિક છે. આ પાંચ રીંગો વિશ્વનાં મહત્વનાં પાંચ દેશોનું પ્રતિનીધિત્વ કરે છે; જે આ મુજબ છે.
એશિયા - પીળો રંગ
યુરોપ - આસમાની રંગ
આફ્રિકા - કાળો રંગ
અમેરિકા - લાલ રંગ
ઓસ્ત્રેલિયા - લીલો રંગ.

આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિશ્વનાં બધા લોકોને એક મંચ પર એકત્ર કરી વિશ્વોત્સ્વ ઉજવવાનો છે. તેમનો મુદ્રાલેખ સાઈટિયસ, અલ્ટિયસ અને ફોરટિયસ છે અર્થાત વધુ ઝડપે, વધુ ઉંચે અને વધુ તાકાતથી.


Saturday, 30 June 2018

આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ


દોસ્તો, આપણે સૌને જોક્સ સાંભળવાની અને બીજાને કહેવાની ખુબ મજા આવતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે 1 વર્ષનાં 365 દિવસમાંથી એક એવો પણ દિવસ છે; જેમાં સંપૂર્ણ વિશ્વમાં 'ઇન્ટરનેશનલ જોક્સ ડે'ની પણ ઉજવણી કરવામાં આવે છે.


હા મિત્રો, 1 જુલાઈનાં રોજ 'ઇન્ટરનેશનલ જોક્સ ડે' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની રચના 1994માં વેઇન રીનાગલે કરી હતી. આ દિવસની પસંદગી તેમણે એટલાં માટે કરી હતી કારણ કે 1 જુલાઈ એ સત્તાવાર રીતે આખા વર્ષની વચ્ચે આવે છે. ત્યારબાદ આ દિવસની ઉજવણી વેઇન પોતે લખેલા જોક્સનાં પુસ્તકને પ્રમોટ કરવામાં કરતાં હતા.
 
હાસ્ય માટે જો જોક્સની ભૂમિકા જોઈએ તો સૌથી પહેલાં સયુંકત રાજ્ય અમેરિકામાં 'ઇન્ટરનેશનલ જોક્સ ડે' મનાવવામાં આવ્યો હતો. આમ તો ઈતિહાસમાં જોક્સનું કોઈ પુખ્ત પ્રમાણ નથી મળતું પરંતુ એવું કહેવાય છે કે સર્વપ્રથમ જોક્સનો આવિષ્કાર યુનાનમાં થયો હતો. આજે પણ ગ્રીસમાં શ્રેષ્ઠતમ કોમેડી ક્લબનું ત્યાંનું ગૌરવ છે; જે સ્ટેન્ડ અપ કોમેડી ક્લબનાં નામે જાણીતું છે.


દુનિયા ભલે જુદાં-જુદાં ધર્મ અને સંસ્કૃતિમાં વહેચાઈ જતી હોય પરંતુ એક વાત દુનિયાભરનાં દરેક માણસને એક-બીજા સાથે જોડે તો તે હાસ્ય અને વ્યંગ છે. હસી-ખુશી, મજાક-મસ્તી એ એવો ભાવ છે જેમનો સંચાર માણસને માણસથી જોડે છે. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં ખુશી ઇરછે છે. તણાવભરી આ જિંદગીમાં જોક્સ આપણા તણાવને ઓછો કરી આપણે ખુશ રાખવાની બેહદ ખાસ ભૂમિકા નિભાવે છે.

હાસ્ય એક એવું માધ્યમ છે, જે એક સમયે હજારો-કરોડો લોકોનાં ચહેરા પર મુસ્કાન લાવવાં મજબૂર કરી દે છે. આ હકારાત્મક ઉર્જાનું સશક્ત માધ્યમ છે. એટલે જ કદાચ તમે જયારે હસી રહ્યાં હોવ ત્યારે તમને હાસ્ય સિવાય કશું જ યાદ ન આવે એવું બની શકે. આમ, હાસ્ય મનુષ્યનાં જીવનનો માનસિક તણાવ દૂર કરે છે અને આપણા શારીરિક સ્વાસ્થ્ય પણ લાભદાયક છે. આમ, હાસ્યને 'બેસ્ટ મેડિસિન' કહેવામાં આવ્યું છે.